Well come My friends to my Page

Friday, April 26, 2013

ધર્મ એટલે શું.....?.......સંકલન... જગદીશ એમ રાવળ


ધર્મ એટલે શું..........?


 

ધર્મ એટલે શું? આ પ્રશ્નનો જવાબ આપવામાં ભલભલા પંડિતો ગોથું ખાઈ જાય છે. તમે કોઈ પણ બાબતની જ્યારે વ્યાખ્યા કરવા બેસી જાવ છો ત્યારે તે બાબતનો મહદ્અંશે હ્રાસ થઈ જાય છે. દા.ત. તમારા હાથમાં મજાની કાઠિયાવાડી કેસર કેરી છે. કેસર કેરી એટલે શું? એવી વ્યાખ્યા કરવા કરતાં એનો સ્વાદ માણી લેવાનો છે. કેસર કેરીની તમે ભલે અલગ અલગ શાબ્દિક, શૃંગારિક વ્યાખ્યાઓ કરશો તો પણ માત્ર વ્યાખ્યાથી સ્વાદ ચાખવા મળતો નથી. કેરી ખાધા પછી વ્યાખ્યાની જરૃર નથી. બસ
,
ધર્મનું પણ આવું જ છે.  


'ધૃ' ધારયતિ ઇતિ ધર્મ - જે ધારણ કરે છે તે ધર્મ. આત્માની દૃષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ. ધર્મ એટલે આત્મભાન અને આત્મજ્ઞાાન ધર્મ એટલે જીવનનું વિજ્ઞાાન. ધર્મ એટલે મનને અંકુશમાં રાખવાની યુક્તિ. ધર્મ એટલે ફરજ. જીવનની પળ જે માગે એ કરવું એનું નામ ધર્મ. ધર્મ એટલે શાસ્ત્રો કહે તેમ કરવું. અહિંસા પરમો ધર્મ. સારાં કર્મ કરવાં એ ધર્મ. સત્ય અને ન્યાયનો સરવાળો એટલે ધર્મ-ઈશ્વરની પ્રાર્થના અને પ્રાર્થના અને મનુષ્યની સેવા એટલે ધર્મ.


મુંઝાઈ ગયા ને! હજુ તો માત્ર ૧૨ (બાર) જ વ્યાખ્યા અહીં આપી છે. સાચું પૂછો તો માણસે માણસે ધર્મની વ્યાખ્યા જ બદલાઈ જાય છે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે, 'જે વિધવાનાં આંસુ ના લૂછે અને ભૂખ્યાના મોંમાં રોટલો ના મૂકે એ ધર્મમાં મને શ્રદ્ધા નથી.' સતી અનસૂયા પતિની સેવાને જ ધર્મ માને છે. ગૌતમ બુદ્ધને કરુણામાં, મહાવીર સ્વામીને અહિંસામાં, કર્ણને દાનમાં, શ્રીકૃષ્ણને પ્રેમમાં, શ્રીરામને સત્યમાં, શબરીને તપમાં, જલારામ બાપાને સેવામાં, નરસિંહ મહેતાને ભજન-કીર્તનમાં નારદને નામસ્મરણમાં પોતાનો ધર્મ દેખાયો.


આમ તો પોતાના આત્માના અવાજને અનુસરવું અને જેમાં બીજાનું ભલું થાય અને આપણને આનંદ મળે એ કર્મ કરવું તે ધર્મ. બહુ વ્યાખ્યા કરો એમ બહુ દુઃખી થશો. એક ઉચ્ચ અધિકારીએ શાકભાજી માટે પોતાના પટાવાળા મારફતે એક ખૂબ સુંદર કોબી-નો દડો મોકલ્યો. રાત્રિ ભોજનમાં કોબીનું સાક બનાવવાનું કહ્યું. પત્ની કોબીનો દડો લઈ બેઠી. એક પછી એક પડ ઉકેલી નાખ્યાં પણ એમાંથી શાક માટે કંઈ નક્કર પદાર્થ મળ્યો નહિ. બધાં પાંદડાં ફેંકી દીધાં. અધિકારી રાત્રે જમવા બેઠા. કોબીનું શાક માગ્યું.
 પત્ની બોલી ઃ તમારામાં કંઈ અક્કલ બક્કલ છે? કેવું શાક મોકલાવ્યું? શોધી શોધી થાકી પણ કશું મળ્યું નહિ, ફેંકી દીધું. 

અધિકારી બોલ્યા, 'ગાંડી, તેં જે ફેંકી દીધું એનું જ શાક કરવાનું હતું. ધર્મની બાબતમાં આપણો ઘાટ આવો જ કંઈક થાય છે.'
જેણે જેણે ધર્મનું આચરણ કર્યું છે એ ધર્મની વ્યાખ્યામાં પડયા જ નથી. ઈસુ ભગવાને કહ્યું, 'પાડોશીને પ્રેમ કરો

મહંમદ 
પયગંબરને મન સાદગી જ સર્વસ્વ હતી.

રવિશંકર મહારાજે કહ્યું, 'ઘસાઈને ઊજળા થઈએ, કોઈએ કહ્યું, ભલા થાવ અને ભલું કરો. તો વળી કોઈએ કહ્યું, જીવો અને જીવવા દો. કોઈએ કહ્યું ઃ જે આપે ટુકડો, એને પ્રભુ ઢુકડો. આ ઉપરથી ફલિત થાય છે કે કોઈ દુઃખિયારાની સેવા કરવી. ભૂખ્યાને રોટલો આપવો, રોગીની સારવાર કરવી, કોઈનાં આંસુ લ્હોવાં વગેરે છે એના જેવો ઉત્તમ બીજો કોઈ ધર્મ જ નથી પણ આપણે ધર્મની વ્યાખ્યા શોધવામાં રહીએ છીએ અને ધર્મ ચૂકી જઈએ છીએ, પેલા કોબીના દડાની જેમ!!

આજે તો ધર્મ ધંધો થઈ ગયો છે અને ધંધામાં ધર્મ રહ્યો નથી. જે મંદિરો આસ્થાનો આધાર છે તેની આજુબાજુ ગોળના ઢેફા ઉપર કીડી-મંકોડાની જેમ દુકાનોનો રાફડો ફાટી નીકળે છે. ગર્ભગૃહમાં જઈ દર્શન કરવાના રીતસરના ભાવ બોલાય છે. વીઆઈપીઓ રૃપિયા આપી પહેલાં દર્શન કરી શકે એવી ખાસ વ્યવસ્થા ઊભી કરાય છે. એ ઈશ્વરને કરોડો રૃપિયાના મુગટ ચડાવે છે અને નીચે ઊભેલું ભૂખ્યું તરસ્યું બાળક ખાય છે ઠોકરો અને પીએ છે આંસુ. આને શું આપણે ધર્મ કહીશું? આથી જ અમૃત ઘાયલે કહ્યું છે કેઃ


ચડી આવે કદી ભૂખ્યો કોઈ, હાંકી કા'ડે છે,    
નથી કાંઈ પેટ જેવું, અન્નકુટ એને જમાડે છે,
કરાવે છે મકાનો ખાલી, મંદિરો બાંધવા માટે,
અહીં માનવને મારી, લોક ઈશ્વરને જીવાડે છે!!


ધર્મની ઘડી ભર માની લઈએ કે સાચી દસ-વીસ વ્યાખ્યા મળી ગઈ પરંતુ એક શૂટ ઉપર બીજો શૂટ કે બૂટની એક જોડી પહેર્યા પછી ઉપર બીજી બૂટની જોડી પહેરી શકાતી નથી બસ કંઈક એ જ રીતે ધર્મની બધી વ્યાખ્યા મુજબ જીવી ના શકાય. આપણે ધર્મ શું છે એ જાણવા બધે ફાંફાં મારતા જ રહીએ છીએ ને અસ્સલ માનવતા ધર્મ ચૂકી જઈએ છીએ. રેડિયો કેવી રીતે બન્યો એ જાણવા બધા સ્પેરપાર્ટ ખોલી નાખ્યા પણ સંગીત સાંભળવાનુ એક બાજુ જ રહી ગયું. સ્પેરપાર્ટ ખોલ્યા પછી ફરી ગોઠવતાં આવડતું નથી એટલે રેડિયો ય ગુમાવ્યો. બાવાનાં બે ય બગડયાં જેવો ઘાટ થયો ને. મારા આટલાં જિંદગીનાં વર્ષો પછી મારે આપ સૌને એક વાત કહેવી છે કે ઃ 'કોઈને નડશો નહિ.' બસ જુઓ પછી કેટલો આનંદ મળે છે.


આનંદ શબ્દનો કોઈ વિરોધી શબ્દ નથી. જ્યાં આનંદ છે એ ધર્મ સાચો છે. 


No comments: