Well come My friends to my Page

Showing posts with label ઈશાવાસ્ય ઉપનિષદ. Show all posts
Showing posts with label ઈશાવાસ્ય ઉપનિષદ. Show all posts

Wednesday, June 12, 2013

Isavasya Upanishad (ઈશાવાસ્ય ઉપનિષદ

Isavasya Upanishad (ઈશાવાસ્ય ઉપનિષદ)

The Isha or īśa upanisad, also known as the Ishopanishad or isavasya upanisad, is one of the principal upanishad and is part of Yajur Veda. Though small in size with only 18 verses, Isopanishad verses has deep meaning and they explore variety of topics from philosophy and religion to metaphysics.

The Upanishad derives its name Isha as its verses describes the supreme being (isha in sanskrit means the supreme or the one who governs). The first word of its first verse start with isavasya and hence it is also known as isavasya upanishad.

Mahatma Gandhi was so fascinated by ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥ which means "This world is Whole. That World is Whole. From Whole comes the Whole. If you take away Whole from Whole, what remains is Whole" that he remarked, "If all the Upanishads and all the other scriptures be reduced to ashes, and if only the first verse in the Ishopanishad were left in the memory of the Hindus, Hinduism would live for ever."

Here, we have presented Isha Upanishad with two of Yogeshwarji's books 1. Upanishad no amar varaso, which contains verse by verse explanation and his comments and 2. Dus Upanishad (translation in Gujarati poem).

Explore Isavasya Upanishad verse along with Gujarati translation :

Shanti Path

ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते ।
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते ॥
ॐ शांतिः शांतिः शांतिः ॥
om purnamadah purnamidam purnat purnamudachyate |
purnasya purnamadaya purname vavasisyate ॥
om shantih shantih shantih ॥
શાંતિપાઠ
તે પૂર્ણ છે ઈશ્વર, સૃષ્ટિ પૂર્ણ છે,
તે પૂર્ણમાંથી જગ પૂર્ણ થાય છે;
ભલે લઈ લો કદિ પૂર્ણ પૂર્ણથી,
લીધા છતાં પૂર્ણ બચી રહે છે.
ૐ શાંતિઃ । શાંતિઃ । શાંતિઃ ॥
અર્થઃ
ૐ - પરમાત્મા
અદઃ - એ (પરબ્રહ્મ પરમાત્મા)
પૂર્ણમ્ - સર્વપ્રકારે પૂર્ણ છે.
ઇદમ્ - આ (જગત પણ)
પૂર્ણમ્ - પૂર્ણ (છે)
પૂર્ણાત્ - એ પૂર્ણ પરમાત્માથી જ
પૂર્ણમ્ - આ પૂર્ણ જગત
ઉદચ્યેત્ - ઉત્પન્ન થાય છે.
પૂર્ણસ્ય - પૂર્ણના
પૂર્ણમ્ - પૂર્ણને
આદાય - લઇ લેવાથી
પૂર્ણમ્ - પૂર્ણ
એવ - જ
અવશિષ્યતે - બાકી રહે છે.
ભાવાર્થઃ
ઉપનિષદમાં શાંતિપાઠ પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે, એનું મહત્વ અનોખું છે. પ્રત્યેક ઉપનિષદનો આરંભ અને અંત શાંતિપાઠથી જ થતો હોય છે. સંસારમાં મનુષ્ય સૌથી વધારે શાંતિને ચાહે છે. તેવી રીતે પહેલાં પણ ચાહતો એની પ્રતીતિ વેદ અથવા ઉપનિષદના શાંતિપાઠ પરથી સહેલાઇથી થઇ રહે છે. એટલે તો એણે શાંતિપાઠની રચના કરી છે. શાંતિપાઠમાં પરમાત્માનું સ્મરણ છે અને કેટલીક હૃદયસ્પર્શી સદભાવનાઓના પ્રતિઘોષ પડેલા છે. વેદ અને ઉપનિષદના પ્રાતઃસ્મરણીય પરમાત્મદર્શી ઋષિવરો પોતાના સ્વાનુભવના આધાર પર કહી બતાવે છે કે શાંતિ અથવા પરમશાંતિની પ્રાપ્તિ પરમાત્મા સાથેના પ્રત્યક્ષ સંબંધની પ્રસ્થાપના સિવાય ના થઇ શકે. એ સંબંધની પ્રસ્થાપના માટે તન, મન, તથા વચનનો સંયમ આવશ્યક છે. આત્મસંયમ અને આત્મશુદ્ધિ સિવાય આત્મદર્શન ના થઇ શકે અને આ આત્મદર્શન અથવા આત્માનુભૂતિ સિવાય સનાતન શાંતિની ઉપલબ્ધિ આકાશકુસુમવત્ અશક્ય રહે છે. શાંતિની પ્રાપ્તિ માટે ભૌતિક પ્રદેશમાં પ્રયત્ન કરનારા માનવે આભ્યંતર ક્ષેત્રમાં પણ પ્રવેશ કરવો જોઇએ. એવા પ્રવેશ સિવાય શાંતિની યાત્રા અધૂરી રહી જાય.
આ શાંતિપાઠમાં પરમાત્મા તથા જગત વિશેનાં ચિંતન, મનન અને નિદિધ્યાસનનો અનુભૂતિપૂર્ણ ઉદગાર સમાયેલો છે. એ ઉદગારને લક્ષમાં લેવા જેવો છે. જે જગત આપણી આજુબાજુ બધે જ પથરાયેલું છે, જેને આપણે અવલોકી અથવા અનુભવી રહ્યા છીએ તે જડ તત્વો કે પદાર્થોનો સંઘાત છે અને અપૂર્ણ છે એવી માન્યતા મોટેભાગે પ્રચલિત છે. એ માન્યતાના ઉપલક્ષમાં એક અવનવીન વિશિષ્ટ વિચારધારાની રજૂઆત કરતાં અહીં સૂચવવામાં આવે છે કે જગત જડ નથી. એ ઉપરથી જોતાં જડ જણાતું હોય તોપણ અંદરથી ચિન્મય છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ દ્રષ્ટિથી એનું દર્શન કરતાં એ ચૈતન્યના પરમ પારાવાર જેવું જ લાગે છે. એ ઉપરાંત એને અપૂર્ણ કહેવું એ બરાબર નથી, અજ્ઞાનની અર્ઘદગ્ધ દશામાં એ અપૂર્ણ ભાસે છે ખરું, પરંતુ પરમ જ્ઞાનાભૂતિની પરિપૂર્ણ પાવન અલૌકિક અવસ્થામાં પૂર્ણ જ લાગે છે. એ વિચાર વિસ્મયકારક હોવા છતાં સાચો છે અને શાંતિપાઠ એને નિર્ભીક રીતે સહજતાપૂર્વક પ્રતીતિજનક રીતે રજૂ કરે છે.
શાંતિપાઠ સંક્ષિપ્ત છતાં સારગર્ભિત છે. એના ભાષા સીધીસાદી હોવાં છતાં ગહન છે. એની પાછળ બૌદ્ધિક પ્રતિભાનું પ્રગલ્લભ પીઠબળ નથી. પરંતુ વરસોની સાધનાના સુપરિણામે સાંપડલી સ્વાનુભૂતિનો રણકાર છે. એમાં કોઇપણ પ્રકારની શંકા-કુશંકા વિના સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું છે કે પરમાત્મા પૂર્ણ છે અને આ જગત કે બ્રહ્માંડ પણ પૂર્ણ જ છે. પરમાત્મા પૂર્ણ છે એ વિધાનમાં તો કોઇને શંકા ના હોઇ શકે. પરિપૂર્ણતા એટલે જ પરમાત્મા એવું કહીએ તો પણ ચાલે. પરમાત્મા સચ્ચિદાનંદ છે અને એમની અંદર કોઇપણ પ્રકારની અપૂર્ણતા નથી હોતી. જે અપૂર્ણ હોય એને પરમાત્મા કહી શકાય જ નહિ; કોઇક બીજું નામ ભલે આપી શકાય. પરમાત્મા જ્ઞાનની દ્રષ્ટિએ, શક્તિની દ્રષ્ટિએ અને યોગ્યતા અથવા વિકાસની દ્રષ્ટિએ પૂર્ણ છે. પરંતુ જગતને એવી રીતે પરિપૂર્ણ કહી શકાય ? હા. પરમાત્મા જ સર્વના મૂળમાં છે; પરમાત્મા સિવાય બીજું કશું પણ નહોતું અને નથી, તો પછી જગત પરમાત્માથી અલગ હોવાનો પ્રશ્ન જ ક્યાં રહે છે ? જગત પ્રકારાંતરે પરમાત્મા જ છે, એની અંદર-બહાર અને એના રૂપમાં જે કાંઇ દેખાય છે તે પરમાત્મા જ છે, એ પરમાત્માનું જ સ્વરૂપ છે, એવું માનવું-મનાવવું બરાબર જ છે. સુવર્ણના અલંકારોને અલંકારોનું નામ આપીએ કે સુવર્ણ કહીએ બધું એક જ છે. એ પ્રમાણે જગતને જગત કહીએ કે પરમાત્માના પ્રતીક તરીકે ઓળખીએ, પરમાત્માનું સ્વરૂપ સમજીએ, બધું સરખું જ છે. જગતના રૂપમાં પરિપૂર્ણ પરમાત્મા પોતે જ પોતાની લીલા કરી રહ્યા છે.
પરમાત્મા પૂર્ણ છે, જગત પણ પૂર્ણ છે, અને પરિપૂર્ણ પરમાત્મામાંથી આ પૂર્ણ જગતનું પ્રાકટ્ય થાય છે, એ વાતનો વિચાર એક બીજી રીતે પણ કરી લઇએ. સમુદ્ર સ્વયં સંપૂર્ણ છે, એવી અંદર ઉત્પન્ન થતા તરંગો એનાથી જુદા નથી એટલે પૂર્ણ જ છે. એમના સ્વરૂપમાં સમુદ્ર જ દેખાય છે. એવી રીતે જગતના રૂપમાં પણ પરમાત્મા જ પ્રતીત થાય છે.
સંપૂર્ણ સમુદ્રમાંથી થોડું કે વધારે પાણી લઇ લઇએ તો સમુદ્રને હાનિ પહોંચતી નથી. સમુદ્ર તો એવો જ સુવિશાળ રહે છે. જગતના સર્જન અને વિસર્જનની ક્રિયાથી પરમાત્માને પણ એવી જ રીતે કોઇ પણ પ્રકારની હાનિ પહોંચતી નથી. એમની અંદરથી સૃષ્ટિનું સર્જન થાય તોપણ એ અપૂર્ણ નથી બનતા પરંતુ પૂર્ણ જ રહે છે.
શરીરની, મનની અને અંતરની ત્રિવિધ શાંતિની માનવને ઝંખના હોય છે. જીવનની પરિપૂર્ણતા, સ્વસ્થતા અને શાંતિ માટે એ ત્રણે પ્રકારની શાંતિની આવશ્યકતા હોય છે. એ ત્રિવિધ શાંતિને આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક શાંતિ પણ કહે છે. શાંતિપાઠમાં એની કામના કરવામાં આવી છે. ભૌતિક પરિસ્થિતિનો પ્રભાવ માનવના ચિત્તતંત્ર પર અતિશય પ્રબળપણે પડતો હોય છે. દૈવી સંકેતો, ઉત્પાતો કે પ્રસંગો પણ એને અસર પહોંચાડે છે, અને એ આત્મિક રીતે, અવિદ્યાને લીધે દુઃખી, અસ્વસ્થ અથવા અશાંત રહ્યા કરે છે. એ ત્રણે પ્રકારની અશાંતિમાંથી મુક્તિને માટે અહીં પ્રાર્થના કરવામાં આવી છે. પરિસ્થિતિ માનવની ઇચ્છાને અનુકૂળ ના થાય તોપણ માનવને અસ્વસ્થ તો ના જ કરે અને ચલાયમાન ના બનાવે, એની વચ્ચે વસીને પણ માનવ પોતાની આત્મસ્થ શાંતિને અખંડ રાખે એ ઇચ્છવા જેવું છે. આપણે પણ એવી અખંડ અલિપ્તાવસ્થાને મેળવવા પ્રાર્થના કરીએ.

Verse 01

ॐ ईशा वास्यमिदँ सर्वं यत्किञ्च जगत्यां जगत् ।
तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यस्विद्धनम् ॥१॥
om isa vasyamidam sarvam yatkincha jagatyam jagat ।
tena tyaktena bhunjitha ma grdhah kasyasviddhanam ॥ 1॥
ચરાચર જગત જે કૈં છે આ, ઈશ્વર તેમાં વ્યાપક છે;
ત્યાગભાવથી ભોગવ તેને, તેમાં ના આસક્ત થજે. ॥૧॥
અર્થઃ
જગત્યામ - સમસ્ત જગતમાં
યત્ કિં ચ - જે કાંઇ પણ
જગત્ - જડ ચેતનાત્મક જગત છે
ઇદમ્ - આ
સર્વમ્ - સઘળું
ઇશ - ઇશ્વર(થી)
આવાસ્યમ્ - વ્યાપ્ત છે
તેન - એ ઇશ્વરને સાથે રાખીને
ત્યક્તેન - ત્યાગપૂર્વક, ત્યાગભાવે
ભુંજીથાઃ - (આને) ભોગવતાં રહો
મા ગૃધઃ - (આમાં) આસક્તિ ના કરો (કેમ કે)
ધનમ્ - ધન અથવા ભોગ્ય પદાર્થ
કસ્ય સ્વિત્ - કોનો છે, અર્થાત્ કોઇનો પણ નથી
ભાવાર્થઃ
ઇશાવાસ્ય ઉપનિષદનો આ પ્રથમ મંત્ર એની અસાધારણ ભાવમયતા, અર્થઘનતા અને અસરકારકતાને લીધે સવિશેષ નોંધપાત્ર છે. એમાં સમાયેલો સંદેશ જીવનને માટેનો અને જીવનોપયોગી છે. એ સંદેશ વર્તમાન માનવજીવન અને જગતથી છૂટાછેડા લેવાની વાત નથી કરતો, જીવન કે જગતને અભિશાપરૂપ માનવાનું કે ધિક્કારવાનું નથી શીખવતો, જીવનને એક અશાંતિજનક અસહ્ય બોજો નથી માનતો, અને જીવન તથા જગતનો સંબધવિચ્છેદ કરીને એમના પરિત્યાગની પ્રેરણા નથી પૂરી પાડતો. એની સાથે જીવન અને જગતની મોહવૃતિ અથવા આંધળી આસક્તિનો પાઠ પણ નથી શીખવતો. જીવન અને જગતનો તિરસ્કાર ઉચિત નથી તેમ રાગ પણ નકામો છે.  જીવન ઇશ્વરનો અમૂલખ ઉપહાર છે અને સંસાર એમનું સરસ સવિશિષ્ટ સુધામય સર્જન. એ બંનેની સાથે આપણો એક અથવા બીજા કારણે સંબધ થયેલો જ છે તો તેમની વાસ્તવિકતાનો સ્વીકાર કરીને એમનો લાભ લઇને આત્મવિકાસને માર્ગે આગળ વધવાની આવશ્યકતા છે. એને માટે વિવેકપૂર્વક જીવવાની કળામાં કુશળ થવું જોઇએ.
આપણે ત્યાં જુદીજુદી જાતના કેટલાય યોગો પ્રચલિત છે. હઠયોગ, રાજયોગ, જ્ઞાનયોગ, ભક્તિયોગ, કર્મયોગ, કુંડલિનીયોગ, મંત્રયોગ, નાદાનુસંધાનયોગ - એ બધા નામો આપણે સાંભળ્યા છે, પરંતુ જીવનનું કલ્યાણ કરનારો, જીવન જીવવાની કળા શીખવનારો અને જીવનને જ્યોતિર્મય બનાવવાની શક્યતાવાળો એક બીજો યોગ છે. એને જીવનયોગ કહી શકાય. એના નામથી આપણે પરંપરાગત રીતે પરિચિત ના હોઇએ અથવા ધર્મગ્રંથોમાં એનું નામ ના મળતું હોય તોપણ જીવનયોગ એક અત્યંત અગત્યનો યોગ છે અને એની આવશ્યકતા સૌ કોઇને છે. એ યોગ બીજા પરંપરાગત પ્રવર્તમાન યોગો કરતાં લેશ પણ ઉતરતો નથી. એ યોગની જરૂરી સમજ ના હોવાને લીધે જ જીવન બોજારૂપ બની જાય છે, અમંગલ અથવા અવજ્ઞાકારક થાય છે, અને એનો વિશિષ્ટ લાભ નથી મળતો. મોટા ભાગનાં મનુષ્યો જીવન જીવે છે ખરાં પરંતુ જીવનયોગથી અનભિજ્ઞ રહીને. પરિણામે જીવન એમને માટે ને બીજાને માટે દુઃખદ બની જાય છે. એ સુખદ તથા સર્વમંગલનું સાધન નથી બની શકતું. એનો સુયોગ્ય સર્વાંગીણ વિકાસ નથી થતો. આ શ્લોકમાં જીવનને જ્યોતિર્મય કરનારા, સુખ-શાંતિ-સમુન્નતિથી સંપન્ન બનાવનારા એ જીવનયોગનું સંક્ષિપ્ત છતાં વિશદ વર્ણન કરવામાં આવ્યું છે. એને સમજીને એનો સમુચિત આશ્રય લેવામાં આવે તો જીવનમાં આજે જે જડત્વ, નીરસતા, અસ્વસ્થતા, વિસંવાદિતા તથા કલેશકારકતા દેખાય છે તે દૂર થાય અને અવનવી ચેતના તથા પ્રસન્નતા ફરી વળે. માનવ આજે અસંતુષ્ટ, અશાંત અને દુઃખી છે અને બીજાને દુઃખી કરી રહ્યો છે એનું એક મોટામાં મોટું કારણ એ પણ છે કે એની પાસે જીવન જીવવાની આદર્શ ઉદાત્ત દ્રષ્ટિ નથી અને વિશદ વિશાળ વૃતિ નથી. એ ઉભયનો અભાવ મોટેભાગે એને સાલતો નથી. એને બદલે એ ઉભયથી એ સંપન્ન થાય તો એની અને બીજાની કેટલીય સમસ્યાઓ ટળી જાય અથવા એમનું સુખદ સમાધાન થાય. એ સંદર્ભમાં વિચારતાં ઉપનિષદમાં આ શ્લોકનું મહત્વ ઘણું મોટું છે.
જીવન જીવવાની કિમતી કળા પ્રત્યે અંગુલિનિર્દેશ કરતાં અહીં કહેવામાં આવે છે કે तेन त्यक्तेन भुञ्जीथाः । સંસારમાં જે કાંઇ છે, જે કાંઇ દેખાય છે કે અનુભવાય છે તેને ત્યાગભાવથી ભોગવતા રહો. ઋષિએ ભોગવવાની ના કહી, જીવન અને જગતથી દૂર નાસી જવાનું નથી જણાવ્યું, પરંતુ ત્યાગભાવે ભોગવવાની પ્રેરણા પૂરી પાડી છે. ત્યાગભાવે ભોગવવું એટલે ? એક રાગભાવે ભોગવવાનું હોય છે અને બીજું ત્યાગભાવે. બંનેમાં આભજમીનનો, ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ જેટલો તફાવત હોય છે. રાગભાવથી ભોગવવામાં અહંતા, મમતા, મોહવૃતિ, વિષયાસક્તિ, સ્વાર્થભાવના અને એ સૌની મૂળ માતા અવિદ્યા હોય છે. એવા ઉપભોગમાં ઘેન ચઢે છે ને ભાન ભૂલાય છે. એમાં માનવ પોતાનો જ વિચાર કરે છે ને પોતાને જ મહત્વનો માને છે. એને માટે બીજું બધું જ ગૌણ બની જાય છે. એ પોતાની જ સુખ-શાંતિ-સમૃદ્ધિ તથા સમુન્નતિના જપ જપે છે. એને માટે બીજાને સોસવું પડે તોપણ એને એ નથી સાલતું. એવા માનવો અવનીમાં આતંક ફેલાવે છે અને અશાંતિ તથા અવ્યવસ્થા ઉભી કરે છે. એથી ઉલટું ત્યાગભાવથી ભોગવવામાં નમ્રતા, નિર્મમતા, નિર્મોહવૃતિ, વિષય પ્રત્યેની ઉપરામતા અથવા અનાસક્તિ, નિસ્વાર્થભાવના અને પરમપાવની પ્રજ્ઞા હોય છે. ત્યાગભાવથી ભોગવનારને ભોગવવાનો નશો નથી ચઢતો. એ ભાન પણ નથી ભૂલતો. એની પાસે જે છે તેને એ પરમાત્માનો પ્રસાદ માનીને ભોગવે છે. એ કશાનો માલિક નથી બનતો. એ બીજાનો વિચાર પણ કરતો હોય છે. બીજાની સુખશાંતિ, સમૃદ્ધિ અને સમુન્નતિનો અને એને સાકાર કરવાની સાધના કરે છે. એવી પરહિતને માટેની સાધનામાં કદાચ પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ તેમજ સમૃદ્ધિનો ભોગ આપવો પડે તોપણ એવો ભોગ આપવા પ્રસન્નતાપૂર્વક તૈયાર રહે છે. જગતના જુદાજુદા રૂપરંગાત્મક વાતાવરણની વચ્ચે વસીને પોતાની જીવન ધ્યેયને સતત રીતે યાદ રાખે છે અને એની પરિપૂર્તિના પ્રયત્નોમાં નિરંતર મક્કમતાપૂર્વક મશગૂલ રહે છે.
જગતમાં પોતાને માટે જીવનારા અને બીજાને માટે જીવનારા એવા બે પ્રકારના માનવો જોવા મળે છે. એમાંથી કૂતરા જેવા ને બીજાને કાગડા જેવા કહી શકાય. કૂતરાને જ્યારે રોટલો નાખવામાં આવે છે ત્યારે એ પોતાના પગ નીચે દબાવી રાખે છે, આજુબાજુ બધે જુએ છે, અને બીજું કોઇ કૂતરું નથી આવતું એની ખાતરી થતા ખાવા માંડે છે. બીજું કોઇક કૂતરું આવે તો રોટલાના ટુકડાને પગ નીચે દબાવીને એની સામે ભસવા માંડે છે, લડે છે, અને એ દૂર જાય ત્યારે જ જંપે છે. કૂતરું આમ તો વફાદાર હોય છે પરંતુ એનામાં સાથે મળીને ખાવાની, ત્યાગભાવથી ભોગવવાની વૃતિ તથા પ્રવૃતિનો અભાવ દેખાય છે. કાગડાની કથા એનાં કરતાં જૂદી જ હોય છે. એ શું કરે છે ? એની આગળ કોઇપણ પ્રકારનો ખોરાક નાખવામાં આવે એટલે એકલપેટાપણાનો ઉપદેશ એને ગળથૂથીમાંથી જ ન આપવામાં આવ્યો હોય એમ એ પોતાના જ્ઞાતિબંધુ જેવા બીજા કાગડાઓને બોલાવવા કાગ કાગ કરી મૂકે છે. અને બીજા કાગડાઓ એની આગળ એકઠા થાય છે પણ કોઇપણ પ્રકારના વિરોધ કે તજજન્ય ઘર્ષણ સિવાય શાંતિથી સંપીને આરોગે છે. કાગડાની બીજી વૃતિઓ કદાચ ખરાબ હશે કિન્તુ સાથે મળીને ખાવાની એ નિઃસ્વાર્થ સામાજિક વૃતિ આદરણીય, અભિનંદનીય અને અનુકરણીય છે. માનવે એમાંથી બોધપાઠ લઇને નક્કી કરવાનું છે કે પોતાના જીવનમાં ક્યી પ્રકારની વૃતિ કે પ્રવૃતિ કેળવવી છે, કૂતરા જેવી સ્વાર્થવૃતિ કે કાગડા જેવી સામાજિક સર્વ શ્રેયસ્કરી પરાર્થવૃતિ ? ઉપનિષદ કહે છે કે એણે ત્યાગવૃતિને અથવા પરહિતનું ધ્યાન રાખીને અનુભવાતી ભોગવૃતિ કેળવવી જોઇએ, એવી ભોગવૃતિ વિશુદ્ધ આત્મબલિદાન સાથે ભળીને એનું અધઃપતન નહીં આદરે પરંતુ એનું ને સમાજનું કલ્યાણ કરશે.
એ બંને વૃતિઓ કરતાં વિલક્ષણ એવી એક ત્રીજી વૃતિ તથા તજજન્ય પ્રવૃતિ પણ માનવની અંદર રહેલી છે. એ વૃતિ તથા પ્રવૃતિ અત્યંત વિરલ હોવા છતાં વાસ્તવિક છે અને કોઇકોઇવાર એનો પરિચય પ્રાપ્ત થાય છે. એ વૃતિવાળો માનવ બીજાની સુખાકારી, શાંતિ, સમૃદ્ધિ કે સમુન્નતિને વિશેષ મહત્વ આપે છે એટલું જ નહીં પરંતુ એથી આગળ વધીને એને માટે પોતાની વ્યક્તિગત સુખાકારી, શાંતિ કે સમૃદ્ધિનું અને કોઇકોઇવાર જીવનનું પણ બલિદાન આપવું પડે તો આપવા તૈયાર રહે છે. અને હસતાં હસતાં આપે છે. પોતાની જાતને બીજાને માટે ખપાવી દે છે. ભારતીય સંસ્કૃતિએ એ સંદેશ આપ્યો છે. ભારતીય સંસ્કૃતિની એ વિશેષતા છે. એ વિશેષતાને જીવનમાં સંમિશ્રિત કરવાનું કે વણવાનું કઠિન લાગે તોપણ ઉપનિષદના ત્યાગીને ભોગવવાના આદેશનું અનુસરણ તો કરવું જ ઘટે. એ આદેશનું અનુસરણ જો સર્વકોઇ કરે તો સમાજની સૂરત બદલાઇ જાય.
ત્યાગભાવથી ભોગવવાનો અર્થ મમતા અને આસક્તિને પરિત્યાગીને વસ્તુને ઇશ્વરનો પ્રસાદ માનીને ભોગવવાનો છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ છે તે બધું જ ઇશ્વરનું છે અને ઇશ્વરની એ મિલ્કતને પોતાની માનીને એમાં મમત્વ કરવાનું બરાબર નથી. જે ઇશ્વરનું અને ઇશ્વરે આપેલું છે તે ધન તેમજ જીવન ઇશ્વરની જ સેવા, પ્રસન્નતા અને ઇશ્વરના જગતની સુખાકારી માટે વપરાય તેમાં જ તેની શોભા, સફળતા કે સાર્થકતા સમાયેલી છે. જગતમાં અને જગતના રૂપમાં જે કાંઇ જોવાય છે કે અનુભવાય છે તે પરમાત્માનું જ સ્વરૂપ છે. પરમાત્મા તેમાં રહેલા છે. તે બધું પરમાત્માથી પરિપ્લાવિત અથવા ઓતપ્રોત છે. એવી રીતે જ એનું અવલોકન કરવું જોઇએ. સૌની અંદર અને સર્વત્ર પરમાત્માનું દર્શન કરવામાં આવે તો ભેદભાવ, ભય, મોહ, રાગ, દ્વેષ અને મિથ્યાભિમાન મટી જાય. જીવન પ્રેમથી પુલકિત, પ્રસન્ન અને પવિત્ર થાય. જે સર્વત્ર પરમાત્માદર્શન કરે છે તે જગતના બહિરંગ દર્શનથી સંમોહિત થયા ને ભાન ભૂલ્યા વિના, વિવિધ નામરૂપાત્મક જગતમાં રહેલી અંતરંગ એકતાને અનુભવે છે. એનું જીવન શાંત અને સંવાદી બને છે.

Verse 02

कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतँ समाः ।
एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे ॥२॥
kurvanneveha karmani jijivisecchhataD samah ।
evam tvayi nanyatheto'sti na karma lipyate nare ॥ 2॥
યોગ્ય કર્મને કરતાં કરતાં સો વર્ષ લગી જીવ અહીં,
આ જ માર્ગ છે અનાસક્તિનો બીજા કોઈ માર્ગ નથી. ॥૨॥
અર્થઃ
કર્માણિ - શાશ્ત્રોક્ત સત્કર્મોને
કુર્વન્ - કરતાં કરતાં
જિજીવિષેત્ - જીવવાની ઇચ્છા કરવી જોઇએ
એવમ્ - એવી રીતે (ત્યાગભાવથી પરમાત્માની પ્રસન્નતાને માટે)
કર્મ - કરાતાં કર્મો
ત્વયિ - તને
નરે - માનવને
ન લિપ્યતે - લિપ્ત નહિ કરે
ઇતઃ - એથી (ભિન્ન)
અન્યથા - બીજો કોઇ માર્ગ કે ઉપાય
ન અસ્તિ - નથી (જેથી માનવ કર્મબંધનમાંથી છૂટીને જીવન મુક્તિ પામી શકે)
ભાવાર્થઃ
ધન ભોગૈશ્વર્ય, સંપત્તિ અને આ જડચેતનાત્મક સમસ્ત જગત પર કોઇ પણ માનવનો એકાધિકાર નથી. એ બધું પરિવર્તનશીલ અથવા અસ્થાયી છે. પાણીના પરપોટાની પેઠે એક દિવસ પ્રકટીને ફૂટી જવાનું છે. ફૂલની પેઠે ખીલીને કરમાઇ જવાનું છે. સરિતાની પેઠે સલિલથી છલકાઇને છેવટે સુકાઇ જવાનું છે. કોઇક સુકોમળ પત્રની ઉપર ઝાકળનું જલબિંદુ પડે, થોડુંક ઠરે ને ખરી પડે તેમ ક્ષણ બે ક્ષણ રહીને ખરી પડવાનું છે. ધીરા ભગતે એ જ સંદર્ભમાં ગાયું છે કે -
ઝાકળજળ પળમાં વહી જાશે જેમ કાગળમાં પાણી;
કાયાવાડી તારી એમ કરમાશે થઇ જાશે ધૂળધાણી.
પાછળથી પસ્તાશે રે મિથ્યા કરી મારું મારું;
મન તુંહી તુંહી બોલે રે આ સપના જેવું તન છે તારું;
અચાનક ઊડી જાશે રે જેમ દેવતામાં દારૂ.
છતાં પણ એવું જાણીને માનવે નિરાશ નથી થવાનું. સ્મશાન-વૈરાગ્યને કેળવીને હતોત્સાહ નથી બનવાનું, અને જીવનના રસને ખોઇ પણ નથી નાખવાનો. જીવનનો સાચો આનંદ આસક્તિને લીધે નહિ જન્મે, અનાસક્તિમાંથી જ પ્રાદુર્ભાવ પામશે. વાસ્તવિક રસ મમત્વમાંથી નહીં પ્રકટે, નિર્મમતામાંથી જ ઊગી નીકળશે. ચિરસ્થાયી અથવા અક્ષય ઉત્સાહ અવિવેક અથવા મોહમાંથી નહિ પ્રકટે, વિવેક અને નિર્મોહમાંથી જ પ્રકટી શકશે. જીવનની ચંચળતા અને જગતની પરિવર્તનશીલતાનું જ્ઞાન થયા પછીથી જીવનનો સાચો અક્ષય આનંદ પેદા થશે. એ પછી અનાસક્તિપૂર્વક વધારે સારી રીતે જીવી શકાશે. આ શ્લોક એની સાક્ષી પૂરે છે.
વેદમાં शतं जीवेम शरदः । शतं पश्येम शरदः । शतं श्रुणुयाम शरदः । शतं प्रब्रवाम शरदः । शतमदीनाः स्याम शरदः । शतं भूयश्च शरदः शतात । અર્થાત્ 'અમે સહુ શરદઋતુ સુધી જીવીએ, સો શરદઋતુ સુધી જોઇએ, સાંભળીએ તથા બોલીએ, સો શરદઋતુ સુધી દીન બનવાને બદલે સુખી તથા સમૃદ્ધ રહીએ, એને એવી રીતે બીજી સો શરદઋતુ સુધી જીવતા રહીએ.' એવું કહીને જીવન પ્રત્યેના પ્રેમનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. ક્યાંય જીવનને તિરસ્કારવાનો કે નગણ્ય સમજવાનો સંકેત નથી મળતો. વેદની એ વિચારધારાને અનુસરીને આ શ્લોકમાં સૂચવવામાં આવ્યું છે કે માનવે જગતની પરિવર્તનશીલતાને સમજ્યા પછી પણ દીર્ઘાયુ થવાનો, સો વરસ સુધી શ્વાસ લેવાનો અથવા સારી પેઠે જીવવાનો સંકલ્પ કરવો જોઇએ. માનવ શરીરનો મહિમા ખૂબ જ મોટો છે. એ શરીરમાં પ્રવેશવાનો અવસર મેળવવો એ એક સર્વોત્તમ સૌભાગ્ય છે. અલબત્ત, જો એને ઓળખી શકાય તો. એ સુંદર પરમાશ્ચર્યકારક શરીર દ્વારા પ્રખરમાં પ્રખર પુરુષાર્થ કરીને પોતાનું ને બીજાનું હિત સાધી શકાય છે અને જીવન-મુક્તિના મંગલમય મંદિર-દ્વારને ખોલી દેવાય છે. માટે જ એને શ્રયસ્કર સમજવામાં આવે છે. એની મદદથી સત્કર્મોનું અનુષ્ઠાન કરવું જોઇએ. ડગલે ને પગલે જાગૃતિપૂર્વક જીવીને જીવન વિકાસના માર્ગે મક્કમતાપૂર્વક આગળ વધવું જોઇએ. કેવળ કર્મના નહિ પરંતુ સત્કર્મોના મહિમાને સમજવો જોઇએ. આ જીવનમાં અનેક પ્રકારની શક્યતાઓ પડેલી છે. તેમને બહાર કાઢવાનો અને વિકસાવવાનો બને તેટલો બધો જ પુરુષાર્થ કરી છૂટવો જોઇએ. પ્રમાદી પુરુષો કશું જ કરી શકતા નથી. એટલે પ્રમાદને પરિત્યાગીને જીવનને ઇચ્છાનુસાર આકાર આપવા માટે આગળ વધવાની આવશ્યકતા છે.
કર્મોને એટલા માટે નથી કરવાનાં કે એમની મદદથી પરલોક અથવા જન્માંતરને સુધારી શકાય. પરલોકને અથવા જન્માંતરને સુધારવાની ભાવના-વૃતિ તથા પ્રવૃતિ છે તો સારી, પરંતુ એના કેફમાં પડીને અથવા એને આવશ્યકતાથી અધિક મહત્વની માનીને આ લોકને અથવા વર્તમાન જીવનને કે જન્મને અન્યાય નથી કરવાનો. આપણે ત્યાં ધર્માનુષ્ઠાનને નામે પરલોકને તથા જન્માંતરને એટલું બધું મહત્વ આપવામાં આવે છે કે એનો આધાર લેનાર વર્તમાન જન્મ કે જીવનને સુધારવાનો, સત્વશીલ કરવાનો કે ઉદાત્ત બનાવવાનો વિચાર નથી કરતો. સઘળા પ્રયત્નો શરીરને છોડ્યા પછીની ગતિ પર જ કેન્દ્રિત કરવામાં આવે છે. એ હકીકતને આદર્શ ના કહી શકાય. જે સત્કર્મ કરવાનું છે તે આ જ લોકમાં, આ જ જીવનમાં, इह एव કરવાનું છે. અને આ જીવનને ઉપર ઉઠાવવા માટે જ કરવાનું છે. આ જીવનને અને જગતને સ્વસ્થ, સુખમય, સમૃદ્ધ, સમુન્નત અને શાંત બનાવવાની પ્રવૃતિનો પરિત્યાગ કદાપિ કરવો ના જોઇએ.
ઉપનિષદ જણાવે છે કે જિજીવિષેત્ એટલે કે જીવવાની ઇચ્છા કરવી જોઇએ, મરવાની નહિ. જીવન જરૂરી છે. જીવન પ્રત્યે નિરાશ થવાથી અને અવજ્ઞાવૃતિ કેળવવાથી કશું જ નહિ વળે. જે જીવન ઇશ્વરે આપેલું છે તે ઇશ્વરને માટે અને ઇશ્વરની દૈવી દુનિયાને માટે વપરાવું જોઇએ. એની સફળતા તથા સાર્થકતા એમાં જ સમાયેલી છે. એવું જ જીવન શોભારૂપ છે જે ફૂલની પેઠે ફોરમ આપે છે અને અંતે દેવમંદિરમાં સમર્પિત બને છે. જીવનને કૃતાર્થ કરવાનો બીજો કોઇ માર્ગ નથી. માનવ પોતાની જીવન ધ્યેયને ભૂલી જાય છે. તે પ્રકૃતિના પ્રલોભનાત્મક પદાર્થોમાં આસક્ત થાય છે. એ એના દુઃખનું, બંધનનું અને એની અશાંતિનું અગત્યનું કારણ છે. એ કર્મ કરે અને સંસારમાં શ્વાસ લે તોપણ એની અંદર આસક્તિ ના કરે અને એનાથી અલિપ્તિ રહીને પરમાત્મામાં પ્રતિષ્ઠિત બને એ આવશ્યક છે. એવું કરવાથી એનું જીવન ઉત્સવમય બની શકે. જીવન જીવવાની એવી અદભૂત કળાનો અભાવ હોવાથી એનું જીવન અવ્યવસ્થિત અને અશાંત બની ગયું છે.
જીવનના મહિમાનું જયગાન ગાનારો આ શ્લોક સૌ કોઇને માટે કામનો છે. એની પ્રેરણાને ઝીલવામાં આવે તો જીવન જયોતિર્મય બને. જીવનને સુખશાંતિથી સંપન્ન કરવા માટે કર્મને દોષમય માનીને બાહ્ય જીવન-પ્રવૃતિનો પરિત્યાગ કરવાનું કહેનારા અને જગત પ્રત્યે તિરસ્કાર બુદ્ધિ કેળવવામાં મદદરૂપ બનનારા શ્ર્લોકો તો બીજા કેટલાય મળી આવે પરંતુ જગતને ઇશ્વરનું આવાસસ્થાન કહીને એને ચાહવાની અને અલિપ્તભાવે એનો ઉપયોગ કરવાની પ્રેરણા પાનારો આ શ્લોક ખરેખર અસાધારણ છે. એનું ઉચિત ગૌરવ કર્યા વિના આપણે રહી શકતા નથી. એ આપણને જીવનવિમુખ નથી બનાવતો, જીવન પ્રત્યે અભિમુખ બનાવે છે, અને એ થતાં પણ નિર્મમતા શીખવે છે એ એની વિશેષતા છે.

Verse 03

असुर्या नाम ते लोका अन्धेन तमसाऽऽवृताः ।
ताँस्ते प्रेत्याभिगच्छन्ति ये के चात्महनो जनाः ॥३॥
asurya nama te loka andhena tamasa''vrtah ।
taste pretyabhigacchhanti ye ke chatmahano janah ॥ 3॥
યોનિ રાક્ષસ લોકોની છે અંધકારથી ભરી બધી,
આત્મઘાત જે કરે, જાય તે, તે જ યોનિમાં ફરીફરી. ॥૩॥
અર્થઃ
અસુર્યા - અસુરોના
નામ - પ્રસિદ્ધ
લોકાઃ - જુદી જુદી યોનિ અથવા લોકો છે
તે - તે બધા
તમસા - અજ્ઞાન તથા દુઃખ ક્લેશરૂપ ગાઢ અંધકારથી
આવૃતાઃ - વીંટળાયેલા છે
યે કે ચ - જે કોઇપણ
આત્મહનઃ - આત્માની હત્યા કરનાર
જનાઃ - મનુષ્યો (હોય છે)
તે - તે
પ્રેત્ય - મરીને
તાન્ - એ લોકોને
અભિગચ્છન્તિ - અવારનવાર પ્રાપ્ત થાય છે.
ભાવાર્થઃ
આ શ્લોક પણ કર્મના મહિમાનું જ પ્રતિપાદન કરે છે. આપણે ત્યાં આત્મઘાત શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. એ શબ્દ પરંપરાગત રીતે પ્રચલિત છે અને જુદા, એક પ્રકારના વિશિષ્ટ અર્થમાં વપરાય છે. એ અર્થ જાણીતો છે. જે પોતાનો નાશ નોતરે અથવા આપઘાત કરે એને આત્મઘાત કહેવાય છે. દુઃખ, ક્લેશ, વ્યાધિ, નિરાશા, કંગાલિયત, હાનિ અથવા બીજા કોઇયે કારણથી પ્રેરાઇને જીવનનો અંત આણનાર અથવા આણવાનો પ્રયત્ન કરનાર અપરાધી અથવા દંડપાત્ર પણ મનાય છે. જેમ માનવ બીજાનું ખૂન કરે છે તેમ પોતાનું પણ કરે છે. એ જીવનને ચાહી અથવા માણી નથી શકતો, ઉચિત ન્યાય નથી આપતો અને વિકસાવી નથી શકતો. હાથમાં આવેલા હીરાને ખોઇ દે છે. એવા આત્મઘાત કરનારા માનવોની સૂચિમાં એક અન્ય પ્રકારના માનવનો ઉમેરો કરવા જેવો છે. જે માનવો મહામોંઘા દેવદુર્લભ શરીરને મેળવીને આત્મકલ્યાણ કરવાને બદલે આત્માને ભૂલીને અનાત્મ પદાર્થોની પ્રીતિ કરે છે અને માનવતાનો મૃત્યુઘંટ વગાડે છે, આત્મદર્શનના પુણ્યપથમાં પ્રવૃત નથી થતા, આત્માની અશાંતિ અને આત્માનાં બંધનોને વધારે છે, એ બધા આત્મઘાતકો છે. ઉપનિષદ એમને આત્માનું હનન કરનારા કહે છે. એ જીવતા હોય છે તોપણ જીવનના રહસ્યને જાણવાનો પ્રયત્ન કર્યા વિના મરેલા હોય એવી રીતે જીવે છે. એ બીજું બધું જ કરે છે પરંતું આત્મકલ્યાણ કે આત્મવિકાસની પ્રવૃતિ નથી કરતા. એથી ઉલટું, પોતાના ને બીજાના બંધન, ક્લેશ, અશાંતિ અને દુઃખ વધે એવાં કુકર્મો કર્યા કરે છે.
એવા આત્મવિમુખ, આત્મઘાતક, માનવોનો સંસારમાં તોટો નથી. એ ઇન્દ્રિયોના ભોગોને જ સર્વકાંઇ સમજે છે અને એની અંદર ડૂબેલા રહે છે. એમની જીવતાં જ દુર્ગતિ થાય છે. એમને આત્મિક શાંતિનો અને જીવનના વાસ્તવિક વિકાસનો લાભ નથી મળતો. એ આસુરી સંપત્તિના મૂર્તિમંત સ્વરૂપ બનીને શ્વાસ લે છે. એમનું શરીર છૂટે છે ત્યારે શું થાય છે ? એમને કેવી મરણોત્તર ગતિની પ્રાપ્તિ થાય છે ? એનો ઉલ્લેખ કરતાં એ શ્લોકમાં કહેવામાં આવે છે કે એ ગતિ અતિશય અમંગળ હોય છે. એવા માનવોને મરણ પછી અવિદ્યાથી ભરેલા, આસુરી સંપત્તિના પ્રતીક જેવા, દુઃખ-દર્દ અને અશાંતિથી છલેલા લોકની અથવા યોનિની પ્રાપ્તિ થાય છે. એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત નથી બનતા ને મુક્તિના મંગલ મંદિર દ્વારને નથી ઉઘાડી શકતાં. આવા સર્વોત્તમ માનવ શરીરને મેળવીને એ કરવા યોગ્ય પુરુષાર્થને નથી કરતા એટલે જીવન દરમ્યાન અને એ પછી પ્રાપ્ત થનારી સર્વોત્તમ સદગતિથી વંચિત રહી જાય છે.
પેલા ભક્ત કવિએ ઠીક જ કહ્યું છેઃ
મળ્યો મનુષજનમ અવતાર માંડ કરીને,
તમે ભજ્યા નહીં ભગવાન હેત ધરીને,
તેથી ખાશો જમનો માર પેટ ભરીને ...  માટે રામનામ સંભાર...
જમનો માર એટલે પીડા, પરિતાપ, દુઃખ, યંત્રણા, અશાંતિ. એમાંથી છૂટવા માટે પરમાત્માના સાક્ષાત્કારનો જ એકમાત્ર અકસીર અમોઘ ઉપાય છે.

Verse 04

अनेजदेकं मनसो जवीयो नैनद्देवा आप्नुवन्पूर्वमर्षत् ।
तद्धावतोऽन्यानत्येति तिष्ठत्तस्मिन्नपो मातरिश्वा दधाति ॥४॥
anejadekam manaso javiyo
nainaddeva apnuvanpurvamarsat ।
taddhavato'nyanatyeti
tisthattasminnapo matarisva dadhati ॥ 4॥
પરમેશ્વર છે અચલ એક ને મનથી અધિક તીવ્ર ગતિના,
અગમ્ય છે ઈન્દ્રાદિ થકીયે, આદિ સર્વના જ્ઞાનભર્યા.
દેવતાય જાણી ન શક્યા તો બીજા તેને શું જાણે ?
વાયુ શક્તિને પામી તેની વર્ષા જેવાં કર્મ કરે. ॥૪॥
અર્થઃ
તત્ - એ પરમાત્મા
અનેજત્ - અચળ
એકમ્ - એક
મનસઃ - મનથી (પક્ષ)
જવીયઃ - વિશેષ વેગવાળા છે
પૂર્વમ્ - સૌના આદિ
અર્ષત્ - જ્ઞાનસ્વરૂપ અથવા સૌના જ્ઞાતા છે.
એનત્ - એ પરમાત્માને
દેવાઃ - ઇન્દ્રાદિ દેવો પણ
ન આપ્રુવન્ - પામી કે જાણી શક્યા નથી
અન્યાન્ - બીજા
ધાવતઃ - દોડવાવાળાને
તિષ્ઠત્ - (સ્વયં) સ્થિત રહીને પણ
અત્યેતિ - અતિક્રમણ કરે છે અથવા પાછળ પાડી દે છે
તસ્મિન્ - એમને લીધે જ અથવા એમની જ સત્તાશક્તિથી
માતરિશ્વા - વાયુ વગેરે દેવતા
અપઃ - જલવર્ષા. જીવની પ્રાણધારણાદિ ક્રિયા જેવાં કર્મો
દધાતિ - સંપાદન કરવામાં સમર્થ થાય છે.
ભાવાર્થઃ
પરમાત્માનો સાક્ષાત્કાર ના કરનારા અને પરમાત્મા પ્રત્યે અભિમુખ ના બનનારા માનવો દુઃખી થાય છે ને દુર્ગતિને પામે છે એ હકિકતનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું એટલે સ્વાભાવિક રીતે જ પ્રશ્ન પેદા થાય છે કે, જેમને પામવાનો મહિમા આટલો બધો મોટો છે એ પરમાત્મા કેવા છે અને એમનું સ્વરૂપ કેવું છે ? પરમાત્મા કોઇ વ્યક્તિ નથી પણ શક્તિ છે, પરમ સર્વશ્રેષ્ઠ શક્તિ છે, સર્વશક્તિમાન છે, એ સ્પષ્ટપણે સમજી લેવાનું છે. જેમ વિદ્યુત શક્તિ સામાન્ય જેવી હોવાં છતાં અનેક પ્રકારની શક્યતાવાળી છે અને આશ્ચર્યકારક કાર્યો કરી શકે છે તેવી રીતે પરમાત્મા એથીયે અધિક સૂક્ષ્મ તથા સામર્થ્યવાળા છે અને સંસારના સર્જન-વિસર્જનાદિ અનેકાનેક કાર્યોને કરી શકે છે. એ સાચેસાચ કેવો છે એ તો કોણ અને કેવી રીતે કહી શકે ? એ મન અથવા વાણીના વિષય જ નથી, એમને અવાગ્મનસગોચર કહ્યા છે તોપણ મન એમનું મનન અને વાણી વર્ણન કરવાના પ્રયત્નો કરે છે. એ પ્રયત્નો પરિપૂર્ણ છે એવું ના કહી શકાય. એમની પરિપૂર્ણતાનો દાવો પણ કોઇ નથી કરતું. છતાં પણ એમની રીતે એમનું મહત્વ છે અને એવા પ્રયત્નોથી પરમાત્માને સમજવામાં ઓછીવત્તી મદદ મળે છે. એ દ્રષ્ટિએ કહી શકાય કે પરમાત્મા એક અને અચળ છે. એમની બરાબરી બીજા કોઇનાથી નથી કરી શકાય તેમ. સંસારના સર્જનપૂર્વે એકમાત્ર એ જ હતા, અત્યારે પણ એ જ છે અને ભવિષ્યમાં પણ એ જ રહેશે. સંસારમાં ભયંકર પ્રલયંકર તોફાની પવનો વાય અને સર્જન-વિસર્જનના ક્રમ આરંભાય કે બદલાય તોપણ એમની ઉપર એની અસર નથી થતી. એ બધાની વચ્ચે એ અચળ રહે છે. અનેક પ્રકારના બાહ્યાભ્યંતર આઘાતો અને પ્રત્યાઘાતોની વચ્ચે પણ જે સ્વસ્થ, સ્થિર, એકરસ અને અછળ હોય એવી એક શાશ્વત સર્વોપરી સત્તાની શક્યતાને વિજ્ઞાન પણ નકારી નથી શકતું. અધ્યાત્મ, એ જ શાશ્વત સત્તાને પરમાત્મા કહે છે.
એ પરમાત્માનો વેગ મનથી પણ વધારે છે. એ સૌના આદિ, જ્ઞાનસ્વરૂપ અને સર્વના જ્ઞાતા છે. મોટા મોટા મુનિવરો અને દેવો પણ એમના મહિમાનો પાર નથી પામી શક્યા. દુનિયામાં એ સૌથી વધારે દિવ્ય છે. એમને લીધે જ જુદા જુદા દેવતાઓ પોતપોતાની પ્રવૃતિમાં પ્રવૃત થાય છે. એમના મહિમાનું જયગાન પૂરેપૂરી રીતે કોઇપણ ગાઇ શકે તેમ નથી.

Verse 05

तदेजति तन्नैजति तद्दूरे तद्वन्तिके ।
तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः ॥५॥
tadejati tannaijati taddure tadvantike ।
tadantarasya sarvasya tadu sarvasyasya bahyatah ॥ 5॥
ચાલે છે તે નથી ચાલતો, દૂર તે અને સમીપ છે;
સમસ્ત જગમાં વ્યાપક છે તે, જગતથી વળી અલીપ્ત છે. ॥૫॥
અર્થઃ
તત્ - તે
એજતિ - ચાલે છે
તત્ - તે
ન એજતિ - નથી ચાલતા
તત્ - તે
દૂરે - દૂરથી પણ દૂર છે
તત્ - તે
ઉ અન્તિકે - અત્યંત પાસે છે
તત્ - તે
અસ્ય - આ
સર્વસ્ય - સમસ્ત જગતની
અન્તઃ - અંદર પરિપૂર્ણ છે (અને)
તત્ - તે
અસ્ય - આ
સર્વસ્ય - સમસ્ત જગતની
ઉ બાહ્યતઃ - બહાર પણ છે.
ભાવાર્થઃ
પરમાત્મા સાચેસાચ કેવા છે તે વિશે આ શ્ર્લોકમાં વિશેષ પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. એમનું સામર્થ્ય અને જ્ઞાન અપ્રતિમ છે એ તો આપણે જોઇ લીધું. એ અત્યંત અસાધારણ, એક અને અનુપમ હોવાથી એમનું સર્વ કાંઇ અનુપમ છે. આ શ્ર્લોકમાં એમના વિશે બહારથી કેટલાક વિરોધાભાસી ભાવો કે વિચારોની અભિવ્યક્તિ કરવામાં આવી છે. એ અભિવ્યક્તિ બહારથી વિરોધાભાસી હોવાં છતાં અંદરથી શાંતિપૂર્વક વિચારવાથી પૂરક દેખાય છે.
પરમાત્મા ચાલે છે એટલે કે ચાલનારા પદાર્થોને ચાલવાની શક્તિ અથવા ગતિ આપનારા બીજા કોઇ જ નહીં પરંતુ પરમાત્મા જ છે. પરમાત્મા જ એમની અંદર ગતિસંચાર કરે છે અથવા એમના રૂપમાં પરમાત્મા જ દ્રષ્ટિગોચર થાય છે અથવા ચાલે છે. તે નથી ચાલતા એટલે સર્વ પ્રકારની ભૌતિક પ્રવૃતિઓથી પર છે. પોતાના મહિમામાં પ્રતિષ્ઠિત તથા સ્થિર છે. જગતનું ચક્ર નિરંતર ચાલ્યા કરે છે. ઉષા તથા સંધ્યા, દિવસ અને રાત, શરદ-વસંત, ગ્રીષ્મ અને વર્ષા વારાફરતી આવે છે ને જાય છે. સૂર્ય, ચંદ્ર અને તારામંડળ પોતપોતાની અને પવનની લલિત લહરી પોતાની પ્રવૃતિમાં પ્રવૃત છે. વિલક્ષણ રીતે રાસલીલા રમ્યા કરે છે. સરિતા સમુદ્રની દિશામાં સતત અભિસરણ કરતી રહે છે અને સમુદ્ર ભરતી-ઓટની વિરોધાભાસી રમત રમે છે. સમસ્ત સર્જન એક ક્ષણને માટે પણ સ્થિર હોય એમ નથી લાગતું. એનો સ્થૂળ-સુક્ષ્મ વ્યાપાર અબાધિત રીતે એકધારો ચાલતો જ હોય છે. પરંતુ પરમાત્મા એવા સર્વ પ્રકારના વ્યાપારથી પર છે. એમને કશું જ નથી સ્પર્શતું. એ સૌથી અલિપ્ત હોય છે. એ દૂર-સુદૂરવર્તી પદાર્થોમાં તો રહેલા જ છે પરંતુ પાસેમાં પાસે પણ વિરાજે છે. પ્રાણની પણ પાસે છે. એ ઉપરાંત, આસુરી સંપત્તિવાળા, કુકર્મપરાયણ, પરમાત્માથી વિમુખ માનવોને માટે પરમાત્મા દૂર છે. પરંતુ પરમાત્માભિમુખ, સત્કર્મપરાયણ, દૈવી સંપત્તિવાળા માનવોને માટે તદ્દન પાસે અથવા સુલભ છે. અજ્ઞાનની અવસ્થા દરમ્યાન દૂર છે અને આત્મજ્ઞાનની અલૌકિક અનુભવપૂર્ણ અવસ્થા દરમિયાન પાસે. જીવનને નિર્મૂળ બનાવવાનો પ્રયત્ન કરતાં જે ધ્યાનપરાયણ બને છે અને સત્સંગનો આધાર લે છે તેની છેક જ પાસે છે અને ઘોર વિષયી જનોથી દૂર. એ જગતની અંદર છે અને બહાર પણ છે. જગતમાં રહેવા છતાં જગતમાં પૂરેપૂરા કેદ નથી થઇ શકતાં. જગતમાં જે ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્ય દેખાય એ તો એમના અનંત ચૈતન્ય, સૌન્દર્ય, આકર્ષણ અથવા માધુર્યના અંશ બરાબર પણ નથી એવું નિશંક રીતે કહી શકાય. એવી રીતે સમજવાથી સંસારનાં સાધારણ-અસાધારણ આકર્ષણોમાંથી સહેલાઇથી મુક્તિ મેળવી શકાય અને એવાં આકર્ષણોના શિકાર ના થવાય. સંસાર જ સર્વ કાંઇ છે અને એથી પર કે બહાર બીજું કાંઇ જ નથી એવી અજ્ઞાનજન્ય મોહમૂલક માન્યતાનો અંત આવે. સંસારમાં રહેલા પરમાત્માને પેખીને ભેદભાવથી છૂટવાથી વૃતિ બળવાન બની જાય ને તદનુસાર પ્રવૃતિ થવાથી જીવન સાર્થક થાય.

Tuesday, June 11, 2013

पतंजली योग सूत्र Sadhan Pada : Verse 26 - 30 (साधना पद)

Sadhan Pada : Verse 26 - 30

२६. विवेकख्यातिरविप्लवा हानोपायः ।
નિર્મળ ને શાંત વિવેકજ્ઞાન ‘હાન’ નો ઉપાય છે.
પ્રકૃતિ ને તેના કાર્યનું યથાર્થ જ્ઞાન થઇ જાય, ને આત્મા તેથી અલગ છે ને અસંગ છે, એ પ્રમાણે પુરુષના યથાર્થ સ્વરૂપનું પણ જ્ઞાન થઇ જાય તેને વિવેકજ્ઞાન કહે છે. સમાધિમાં સહજ સ્થિતિ થવાથી તે જ્ઞાન પૂર્ણ ને પવિત્ર થઇ જાય, ત્યારે તે અવિપ્લવ વિવેકજ્ઞાન કહેવાય છે. તેથી સંસારના બીજ જેવાં ક્લેશ ને કર્મોનો નાશ થઇ જાય છે. ચિત્ત પોતાના કારણમાં લય પામી જાય છે ને મુક્તિ સહજ બને છે.
*
२७. तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा ।
નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાનથી સાધકનું ચિત્ત તદ્દન નિર્મળ બની જાય છે, ત્યારે તેમાં સાંસારિક જ્ઞાન નથી જાગતું. તેવો સાધક સાત પ્રકારની ઉન્નત દશાવાળી પ્રજ્ઞાની પ્રાપ્તિ કરે છે. તેમાં પહેલી ચાર પ્રકારની પ્રજ્ઞા કાર્યવિમુક્તિ પ્રજ્ઞા ને બીજી ત્રણ પ્રકારની પ્રજ્ઞા ચિત્તવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે.
કાર્યવિમુક્તિ પ્રજ્ઞાના ચાર ભેદ :
૧) જ્ઞેયશૂન્ય દશા - જાણવા જેવું બધું જાણી લીધું. હવે કાંઇ પણ જાણવાનું બાકી ના રહ્યું. જે દૃશ્ય છે તે બધું જ પરિણામ, તાપ, સંસ્કારદુઃખ તથા ગુણવૃત્તિવિરોધને લીધે દુઃખરૂપ છે, ને તેથી ત્યાજ્ય છે, એવી પ્રજ્ઞા.
૨) હેયશૂન્ય દશા - દૃષ્ટા ને દૃશ્યના સંયોગને મિટાવી દીધો. હવે મિટાવવા જેવું કાંઇ જ રહ્યું નહિ, તેવી પ્રજ્ઞા.
૩) પ્રાપ્યપ્રાપ્ત દશા - પ્રાપ્ત કરવા જેવું બધું જ પ્રાપ્ત કરી લીધુ, સમાધિ દ્વારા કેવલ દશા પણ મેળવી લીધી. હવે મેળવવા જેવું કાંઇ પણ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
૪) ચિકીર્ષાશૂન્ય દશા - જે કાંઇ કરવા જેવું હતું તે કરી લીધું. ‘હાન’ ના ઉપાય જેવું નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાન પણ મેળવી લીધું. હવે કાંઇ જ કરવાનું બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
ચિત્તવિમુક્તિ પ્રજ્ઞાના ત્રણ ભેદ -
૧) ચિત્તની કૃતાર્થતા - ભોગ ને મોક્ષ દેવાનું પોતાનું ખાસ કામ ચિત્તે પૂરું કરી લીધું. હવે તેનું કોઇ કામ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
૨) ગુણલીનતા - ચિત્તનું કોઇ ખાસ કામ બાકી ના રહેવાથી તે પોતાના કારણરૂપ ગુણોમાં લીન થવા માંડે છે, તેવી પ્રજ્ઞા.
૩) આત્મસ્થિતિ - ગુણથી પર થયેલો પુરુષ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ ગયો. હવે કાંઇ પણ બાકી ના રહ્યું. તેવી પ્રજ્ઞા.
આ સાત પ્રકારની પ્રાન્તભૂમિપ્રજ્ઞાને અનુભવનારો યોગી કુશળ જીવનમુક્ત કહેવાય છે, ને ચિત્ત જ્યારે પોતાના કારણમાં લીન થઇ જાય છે, ત્યારે પણ કુશળ વિદેહમુક્ત કહેવાય છે.
*
२८. योगाङ्गानुष्ठानाद् अशुद्धिक्षये ज्ञानदीप्तिरा विवेकख्यातेः ।
યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવાથી, અશુદ્ધિઓનો નાશ થવાથી, જ્ઞાનનો વિવેકખ્યાતિ સુધીનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.
યોગના અભ્યાસથી ચિત્ત નિર્મળ થતાં બુદ્ધિ, અહંકાર ને ઇન્દ્રિયોથી ભિન્ન આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે.
*
२९. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव अङ्गानि ।
યોગનાં અંગ આઠ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ.
*
३०. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ।
યમ પાંચ છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ.

Sadhan Pada : Verse 31 - 35

३१. जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ।
તે યમનું પાલન જો જાતિ, દેશ, કાળ ને નિમિત્તનો વિકલ્પ રાખ્યા વિના, બધે વખતે ને બધે સ્થળે કરવામાં આવે, તો તે મહાવ્રત થઇ જાય છે.
કોઇ માણસ નિયમ લે કે શ્રીમંતોને ત્યાં ચોરી કરીશ, ગરીબોના ઘરમાં નહિ કરું, તો તે જાતિ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. તે પ્રમાણે યાત્રાનાં ધામ કે દેવમંદિરોમાં જ ચોરી ના કરવાનો નિયમ લેવામાં આવે, તો તે દેશ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. કોઇ પર્વદિવસે કે દિવસ કે રાતના અમુક સમયે ચોરી ના કરવાનો નિયમ કાલાવચ્ચિન્ન અસ્તેય કહેવાય. કોઇ કારણ કે નિમિત્તથી ચોરી કરવામાં આવે, ને નિમિત્ત પૂરું થતાં ચોરી ના કરાય, તો તે સમયાવચ્છિન્ન અસ્તેય કહેવાય છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વિના, બધા જીવોની સાથે, બધા જ સ્થળે ને સમયે, યમનું પાલન કરવામાં આવે, ને કોઇ કારણે તેમાં સ્ખલન ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે, તો તે મહાવ્રતને નામે ઓળખાય છે.
*
३२. शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ।
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઇશ્વરની ભક્તિ અથવા શરણાગતિ નિયમ કહેવાય છે.
*
३३. वितर्कबाधने प्रतिपक्षभावनम् ।
કોઇવાર કોઇ કારણથી મનમાં વિરોધી વિચાર ઉત્પન્ન થાય, ને હિંસા તથા અસત્ય વગેરેમાં પ્રવૃત્ત થઇને યમનિયમનો ત્યાગ કરવાનું મન થાય, ત્યારે પોતાની સલામતીને માટે તેવા વિચારોના દોષનો વારંવાર વિચાર કરવો ને તેમને દૂર કરવા માટે બીજા બળવાન સારા વિચારો ઉત્પન્ન કરવા.
*
३४. वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ।
યમ ને નિયમથી જે વિરુદ્ધ છે, તે વિતર્ક કહેવાય છે. જેમ કે હિંસાદિ. તેના ત્રણ પ્રકાર છેઃ
૧) પોતાની મેળે કરેલા
ર) બીજાના કહેવાથી કે કરાવવાથી કરેલા, ને
3) કોઇના ટેકાથી કરેલા.
તે વિતર્ક કે દોષ કોઇવાર લોભને લીધે, કોઇવાર સાધારણ સ્વરૂપમાં, કોઇવાર મધ્યમ સ્વરૂપમાં, તો કોઇવાર અસાધારણ કે ભયંકર સ્વરૂપે, તે સાધકની સામે પ્રકટ થાય છે. તે વખતે સાધકે સાવધાન થઇને વિચાર કરતાં ને પોતાની જાતને સંભાળી લેતાં શીખવું જોઇએ. કેમ કે તે સર્વ પ્રકારે દુઃખદાયક ને અજ્ઞાનથી અંધ કરીને અનેક જાતની કષ્ટકારક યોનિઓમાં ભટકાવનાર છે. એ પ્રમાણે વારંવાર વિચાર કરતાં રહેવું તેને પ્રતિપક્ષીય ભાવના કહે છે.
*
३५. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ।
અહિંસામાં સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થવાથી અથવા તો પૂર્ણ અહિંસાની મૂર્તિ બનવાથી, માણસની પાસેનાં કે આજુબાજુનાં બધાં પ્રાણી પણ વેરભાવનો ત્યાગ કરી દે છે તેવા મહાપુરુષની અંદર તો કોઇ જાતનો વેરભાવ ટકતો જ નથી.

Sadhan Pada : Verse 36 - 40

३६. सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ।
સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી એટલે કે જીવનને સંપૂર્ણપણે સત્યમય કરી દેવાથી, યોગી કર્તવ્યપાલનરૂપ બધી ક્રિયાઓના ફળના આશ્રય જેવો બની જાય છે. જે કર્મ કોઇએ ના કર્યું હોય, તેનું ફળ પણ તે આપી શકે છે. તેનું વરદાન, તેનો સંકલ્પ, આશીર્વાદ કે શાપ સદા સત્ય જ ઠરે છે.
*
३७. अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ।
અસ્તેયમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા અસ્તેયની મૂર્તિ બનવાથી માણસની પાસે બધી જાતનાં રત્નો ઉપસ્થિત શાય છે.
*
३८. ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ।
બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ને શરીરમાં અલૌકિક શક્તિનું પ્રાકટય થાય છે. તેવી અસાઘારણ શક્તિની બરાબરી બીજા કોઇ સાધારણ માણસથી થઇ શકતી નથી.
*
३९. अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः ।
અપરિગ્રહમાં પ્રતિષ્ઠા થવાથી પૂર્વજન્મ તથા વર્તમાન જન્મનાં રહસ્યોનું જ્ઞાન થઇ જાય છે.
પૂર્વજન્મમાં સાધક ક્યાં હતો, શું કરતો હતો, તે વાત જણાઇ જાય છે. તેથી ઉત્સાહ ને આત્મબલ વધે છે તથા યોગસાધનામાં પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે.
*
४०. शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ।
શૌચના અભ્યાસથી સાધકને પોતાના શરીરમાં અપવિત્રતાનું ભાન થવાથી તેમાં વૈરાગ્યબુદ્ધિ ને ઉપરામતા થાય છે, આસક્તિ નથી રહેતી, ને બીજા માણસોનો સંગ કરવાનું મન નથી થતું. શરીરના આકર્ષણ તથા ઉપભોગથી તે પર થઇ જાય છે, અથવા મુક્તિ મેળવે છે.

Sadhan Pada : Verse 41 - 45

४१. सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ।
અંદરની શુદ્ધિનો પોતાની રુચિ પ્રમાણેના સાધનની સહાયતા લઇને અભ્યાસ કરવાથી રાગ, દ્વેષ ને અહંકાર જેવા મેલનો નાશ થઇને હૃદય નિર્મળ બને છે. મનની ચંચલતા ને ઉદાસીનતાનો અંત આવતાં મન એક પ્રકારની પવિત્ર પ્રસન્નતાથી ભરાઇ જાય છે. ઇન્દ્રિયોનો સંયમ સ્વાભાવિક થઇ જાય છે, ને આત્માનું દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
*
४२. संतोषाद् अनुत्तमः सुखलाभः ।
સંતોષના સેવનથી અશાંતિ, પરાવલંબન, તૃષ્ણા ને ભ્રમણાનો અંત આવે છે, ને અનન્ય ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
*
४३. कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः ।
આત્મોન્નતિને માટે કરતાં વ્રત, ઉપવાસ તથા તે માટે થતું કષ્ટ સહન તપ કહેવાય છે. તેના પ્રભાવથી તન ને મન નિર્મલ થાય છે, ને વશ પણ થઇ જાય છે. તેથી યોગીને અદૃશ્ય થવું, મોટા કે નાના બનવું વગેરે શરીર સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે; તથા દૂરદર્શન, દૂરશ્રવણ જેવી ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે.
*
४४. स्वाध्यायाद् इष्टदेवतासंप्रयोगः ।
શાસ્ત્રાભ્યાસ, જપ, ધ્યાન કે પ્રાર્થના જેવા સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થઇ જાય છે. સાધક જેનું દર્શન કરવા ચાહે, તેનું દર્શન તેને થઇ શકે છે.
*
४५. समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ।
ઇશ્વરપ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થઇ જાય છે.
ઇશ્વરપ્રણિધાનને લીધે સાધકની સાધનાનો ભાર ઇશ્વર પોતે જ ઉપાડી લે છે.

Sadhan Pada : Verse 46 - 50

४६. स्थिरसुखम् आसनम् ।
સ્થિરતાથી, વિશેષ હલનચલન વિના, સુખપૂર્વક બેસવું તેને આસન કહે છે.
સાધક પોતાની પસંદગી પ્રમાણે બેસવા માટે કોઇપણ પ્રકારની પદ્ધતિનો આધાર લઇ શકે છે. તે બાબત કોઇ દુરાગ્રહ નથી, ને ના હોઇ શકે.
*
४७. प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ।
શરીરને સ્થિર રાખીને સુખપૂર્વક બેઠા પછી શરીર સાથે સંબંધ ધરાવતી બધી ક્રિયાઓનો ત્યાગ કરી દેવો. તેને પ્રયત્નની શિથિલતા કહે છે. તે ઉપરાંત, શરીરને સ્થિર રાખવા માટે અહંભાવથી પ્રેરાઇને બળજબરીથી કરાતો પ્રયાસ પણ નકામો છે. તેનો ત્યાગ કરવો જોઇએ. તેને પણ પ્રયત્નની શિથિલતા કહી શકાય. તેનાથી આસનની સિદ્ધિ થઇ જાય છે. અનંત પરમાત્મામાં મનને જોડી દેવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાથી પણ તે જ પ્રમાણે, આસનસિદ્ધિ સહજ બને છે.
*
४८. ततो द्वन्द्वानभिघातः ।
આસનની સિદ્ધિ થવાથી સાધકના શરીર પર દ્વંદ્વોનો પ્રભાવ નથી પડતો.
ટાઢ, તાપ જેવા દ્વંદ્વોને સહન કરવાની શક્તિ સાધકની અંદર આવી જાય છે. દ્વંદ્વો તેના ચિત્તને ચંચલ કરીને સાધનામાં નડતરરૂપ થતાં નથી.
*
४९. तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ।
પ્રાણવાયુ શરીરમાં પ્રવેશે તે શ્વાસ ને શરીરમાંથી બહાર નીકળે તે પ્રશ્વાસ કહેવાય છે. તે બંને પ્રકારની ક્રિયા અટકી જાય તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. આસનની સિદ્ધિ થયા બાદ એ થઇ શકે છે.
*
५०. बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः ।
તે પ્રાણાયામ બાહ્યવૃત્તિ, આભ્યંતર વૃત્તિ ને સ્તંભવૃત્તિ એમ ત્રણ પ્રકારનો હોય છે. તથા તે દેશ, કાળ ને સંખ્યાથી જોઇ શકાય છે. તથા દીર્ઘ ને સૂક્ષ્મ થઇ શકે છે.
આ ત્રણ પ્રકારના પ્રાણાયામને પૂરક, રેચક ને કુંભક પણ કહે છે.
૧) બાહ્યવૃત્તિ અથવા રેચક - પ્રાણવાયુને શરીરની બહાર કાઢીને જેટલા વખત સુધી સુખપૂર્વક રોકી શકાય તેટલા વખત સુધી બહાર રોકી રાખવો, તેને રેચક પ્રાણાયામ કહે છે. તે બહાર ક્યાં, કેટલા વખત સુધી પ્રાણની સહજ ગતિની કેટલી સંખ્યા સુધી રોકાયેલો રહે છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે લાંબા વખત લગી કરી શકાય છે, ને સૂક્ષ્મ ને સહજ પણ થઇ શકે છે.
ર) આભ્યંતર વૃત્તિ અથવા પૂરક - પ્રાણવાયુને અંદર લઇ જઇને સુખપૂર્વક રોકી શકાય તેટલો વખત રોકી રાખવો તેને પૂરક કહે છે. અંદરના પ્રદેશમાં ક્યાં, કેટલા વખત સુધી તે રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે દીર્ઘ કાળ સુધી ટકનારો તથા સહજ બની શકે છે.
3) સ્તંભવૃત્તિ અથવા કુંભક - પ્રાણવાયુને બહાર કાઢવાનો કે અંદર લઇ જવાનો પ્રયાસ બંધ કરીને, જે દશામાં ને જ્યાં હોય ત્યાં ને તે જ દશામાં તેની ગતિ રોકી દેવી તેને કુંભક કહે છે. તે વખતે પણ પ્રાણ ક્યાં, કેટલા સમય સુધી ને પ્રાણની સ્વાભાવિક ગતિની કેટલી સંખ્યા સુધી રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસના પ્રભાવથી તે પણ દીર્ઘ કાળ સુધી ટકનારો ને સહજ બને છે.
પ્રાણાયામ સાથે મંત્રજપ કરવાનું વિધાન શાસ્ત્રીય ને સામાન્ય તથા સર્વસ્વીકૃત જેવું છે.

Sadhan Pada : Verse 51 - 55

५१. बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ।
અંદર ને બહારના વિષયોમાંથી ચિત્તની વૃત્તિ હઠી જતાં આપોઆપ થનારો, ઉપર કહેલા ત્રણ પ્રકારના પ્રાણાયામથી જુદો, એક ચોથો જ પ્રાણાયામ છે.
બહાર ને અંદરના વિષયોનું ચિંતન છોડી દઇને મનને પ્રભુપરાયણ કરી દેવાથી, પ્રાણની ગતિ સહજ રીતે અટકી પડે છે. તે વખતે દેશ, કાળ ને સંખ્યાનું જ્ઞાન જરાપણ નથી રહેતું. મનની ચંચલતા મટવાથી તે સહજ બની રહે છે. તેને રાજયોગનો પ્રાણાયામ પણ કહેવામાં આવે છે.
*
५२. ततः क्षीयते प्रकाशावरणम् ।
તે પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું આવરણ દૂર થઇ જાય છે.
પ્રકાશ અથવા પરમ જ્ઞાનસ્વરૂપ પરમાત્માની આગળ જે અજ્ઞાનનું આવરણ છે, તેનો પ્રાણાયામના લાંબા અભ્યાસ બાદ ક્ષય થઇ જાય છે. જેમ જેમ પ્રાણાયામનો અભ્યાસ વધતો જાય તેમ તેમ સાધકના કર્મસંસ્કાર ને અવિદ્યાદિ ક્લેશનો પડદો દૂર થતો જાય છો. પરમાત્માના સાક્ષાત્કારમાં તે પડદો જ અંતરાયરૂપ છે. તેનો ક્ષય થતાં જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઊઠે છે.
*
५३. धारणासु च योग्यता मनसः ।
વળી ધારણાઓમાં મનની યોગ્યતા મળી જાય છે.
પ્રાણાયામના અભ્યાસથી ધારણા એટલે કે મનને ગમે તે સ્થળે સ્થિર કરવાની કળા સહજ બને છે.
*
५४. स्वस्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ।
ઇન્દ્રિયો પોતાના વિષયોના સંબંધથી મુક્ત થઇને ચિત્તના સ્વરૂપમાં તદ્દાકાર બની જાય તેને પ્રત્યાહાર કહે છે.
પ્રાણાયામથી મન ને ઇન્દ્રિયો નિર્મલ થઇ જાય છે. તે પછી ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિને એકાગ્ર કરી મનમાં વિલીન કરવાના અભ્યાસનું નામ પ્રત્યાહાર કહેવાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયો ચંચલ ને બહિર્મુખ બનીને બહારના વિષયોમાં જ ભટક્યા કરે ને બહારના વિષયોને જ જુએ, ત્યાં સુધી પ્રત્યાહાર પૂરો થયો ના કહેવાય.
*
५५. ततः परमा वश्यतेन्द्रियाणाम् ।
પ્રત્યાહારથી ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ થઇ જાય છે. ઇન્દ્રિયોની ગુલામી મટી જાય છે. ઇન્દ્રિયોના કાબૂ માટે કોઇ બીજા સાધનની પછી જરૂર નથી રહેતી.

॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे द्वितीयः साधनपादः ॥
॥ સાધનપાદ સમાપ્ત ॥