Well come My friends to my Page

Monday, December 2, 2013

રાવળ યોગી સમાજ અને તેની વિવિધ જાતિઓની રસપ્રદ માહિતી ......સંકલન જગદીશકુમાર એમ રાવળ (ઇલોલ,તા,હિંમતનગર,જી.સાં.કા.)



જય મારા રાવળ આ જરુર થી વાચજો 


સાંગામાચી માથે બેસીને ડાકવાદન કરતા રાવળ-જોગીઓ
લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

એમ કહેવાય છે કે ધરતીનું મંડાણ થયું તે દિ'થી શક્તિપૂજા થતી આવી છે. કણમાંથી મણ અનાજ આપનારી ધરતીમાં કોઈ શક્તિ છે. કોઈ વિલસતું પરમ ચેતનતત્ત્વ છે તે અનેકવિધ સ્વરૃપે લોકજીવન અને લોકધર્મ સાથે ઓતપ્રોત થઈ ગયું છે. શક્તિપૂજાનો એક ફંટાયેલો પ્રવાહ ધુણ્ય, ઓતાર, ફરુકો અને રાવળદેવના ડાક-ડમરું સાથે પરાપૂર્વથી જોડાયેલો જોવા મળે છે. નવરાત્રી પ્રસંગે એનું મહત્ત્વ સવિશેષ જોવા મળે છે. વિશ્વનો સૌથી લાંબો ઉત્સવ એ આપણી નવરાત્રી છે. 



આસો સુદ એકમથી ગુજરાતમાં અને દેશભરમાં આરંભાય છે નવરાત્રીનો નવલો ઉત્સવ. ગામડાં અને નગરજીવન રાસ-ગરબાની રમઝટથી ગુંજી ઊઠે છે. ગ્રામપ્રજા શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક નવરાત્રી ઊજવે છે. ઉગમણે સૂરજ તોરણ બાંધે છે. કુંવારકા કૂવે જઈ કોરા ઘડામાં પાણી ભરી લાવે છે. ઘરોઘર બાજોઠ સાથે ઘટ-ઘડાનું સ્થાપન કરી રામપાતર કે કુંડામાં માતાના જવારા વાવે છે. ભક્તો પોતાની કુળદેવીનો મઢ સુપેરે શણગારે છે. મઢે માતાનો માંડવો નંખાય છે. પહેલા નોરતે રાવળદેવ ઘરેઘરે અને માતાના મઢે ફરીને વિલંબિત અને દ્રૂત ગતિમાં ડાક વગાડતો વગાડતો માતાજીની રેગડી, આરાડી-આરણ્યું, હાલરુ અને ઝીલણિયાં ગાય છે. આજે મારે નોરતાં, શક્તિપૂજા કે ડાકવાદનની નહીં પણ ઘૂઘરિયાળી ડાક વગાડતા રાવળદેવની દુનિયામાં ડોકિયું કરવું છે. 



રાવળને નામે ઓળખાતી આ કોમ ગુજરાત અને સૌરાષ્ટ્રના નાનામોટા દરેક સ્થળે જોવા મળે છે. તેઓ કહે છે કે ડાક વગાડવાનો અમારો વ્યવસાય આદિઅનાદિકાળથી ચાલતો આવ્યો છે. ભૂવા-ભારાડીના સ્થાન હોય ત્યાં તેઓ વસતા આવ્યા છે. અભણ અને પછાત પ્રજા તેમનામાં અપાર આસ્થા ધરાવે છે, શિક્ષિત પ્રજાને આમાં કંઈ રસ રહ્યો નથી એટલે ડાકવાદનનું મહત્ત્વ ઘટવાને પરિણામે રાવળો અન્ય ધંધા તરફ વળવા માંડયા છે. કોઈ દોરડાં વણે છે. ઊંટ, અશ્વ કે બળદોના શણગારો બનાવે છે. ખેતમજૂરી કે ગધેડાં રાખી માલની હેરફેર કરતા થયા છે. 



સૌરાષ્ટ્રમાં રાવળોની આઠેક શાખાઓ જોવા મળે છે. ડાકલિયા રાવળ, દેવમંગા પંચમિયા રાવળ, ભોમજોગી રાવળ, રાવળદેવ કે રખૈયા રાવળ, સોરઠિયા રાવલ, કચ્છી રાવળ, ઢાઢી રાવળ, ચુનારા રાવળ, છાલકિયા રાવળ. આ સિવાય હળવદ બાજુના બ્રાહ્મણોમાં રાવલ શાખ જોવા મળે છે. પણ તેમને આ રાવળ કોમ જોડે કોઈ નિસ્બત નથી એમ જ.મ. મલકાણ 'સૌરાષ્ટ્રની પછાત કોમો'માં નોંધે છે. તેમના મંતવ્ય મુજબ રાવળ લોકોના ઇતિહાસ અને ઉત્પત્તિ અંગે કેટલીક માન્યતાઓ જોવા મળે છે. તે મુજબ આ લોકો મૂળે પશુપત યા તો લકુલીશ સંપ્રદાયના છે. જો કે આ સંપ્રદાયો તો આજે લુપ્ત થઈ ગયા છે. પરંતુ રાવળોમાં જે પાટ બેસાડવાની વિધિ છે તે પાશુપતો અને લકુલીશ સંપ્રદાયની પાટની વિધિને મળતી આવે છે. આ વિધિ સાથે કામ-ઇચ્છા એક યા બીજી રીતે જોડાયેલી જોવા મળે છે. તેઓના કેટલાક મંત્રોમાં આ વસ્તુ સ્પષ્ટ તરી આવે છે. 



રાવળોની ઉત્પત્તિ અંગેની દંતકથાનું પગેરું ભગવાન શિવજી સુધી પહોંચે છે. કહેવાય છે કે એકવાર ભગવાન તપ કરવા બેઠા ત્યારે કામદેવે તેમાં વિક્ષેપ નાખવાનો પ્રયત્ન કર્યો. શિવજી ડગ્યા નહીં પણ તેમના કપાળે પરસેવો વળી ગયો. તેને આંગળીથી લૂછતાં પરસેવાનું એક ટીપુ ધરતી પર પડયું. તેનું ઇંડું બંધાણું. પૃથ્વીને ખબર પડી કે શિવજી તપ કરે છે એટલે તેમણે ભગવાનની રક્ષા કરી. આ ઇંડામાંથી બાળકનું નિર્માણ થયું. પૃથ્વીએ એને મોટું કરવા માંડયું. નારદજી દ્વારા શિવજીને ખબર પડી. શિવે આ પોતાના પુત્રને વધાવી લીધો. આ પુત્રના વંશજો રાવળ જોગી તરીકે ઓળખાયા. એને આધાર આપતી સાખીઓ પણ સાંપડે છે. 
આદ્ય શિવે ઉત્પન્ન કર્યો, જન્મજોગી જેહ; 
માતા કહેવાય પૃથ્વી, જાણે રાવળદેવ 



*** 
કુળદેવી છે જોગણી, મંદિર કૈલાશ ધામ, 
સાંગામાચી બેસણાં, દેવે ધરિયા નામ. 



*** 



રાવલ કેરા દીકરા, પૂંછે રહેલા ચાર, 
સાત દ્વીપ, નવખંડમાં તેનો છે વિસ્તાર. 



રાવળોની પેટા શાખાઓ જોઈએ તો ડાકલિયા રાળળનો ધંધો ડાકલાં વગાડી માતાજીની આરણ્યું-રેગડી ગાવાનો છે. ધાર્મિક પ્રસંગે માતાના મઢે કે માંડવે ડાકલાં વગાડવાનો તેમનો હક્ક ગણાય છે. નોરતાંમાં માતાના મઢે ભૂવા એક બે રાત ધૂણે છે તે દરમ્યાન રાવળો આખી રાત ડાકલાં વગાડે છે. એના બદલામાં એમને મહેનતાણું મળે છે. જે રાવળો કચ્છમાં જઈને વસ્યા તે કચ્છી રાવળ કહેવાણા. તેઓની બોલી કચ્છી છે. તેઓ ફૂલ ગજરા ગુંથવાનો ધંધો કરે છે. કેટલાક રાવળો પોતાની જાતને ભોમ જોગી રાવળ તરીકે ઓળખાવે છે. તેઓ પોતાને આ રાવળથી જુદા ગણે છે. તેની વિશેષ માહિતી મળતી નથી. 



રખૈયા એ વહીવંચા રાવળ છે. તેઓ જનોઈ ધારણ કરે છે, અને બારોટની જેમ અમુક કોમોની વંશાવળી રાખે છે. એમની વસતી ધ્રાંગધ્રા અને હળવદ પંથકમાં વિશેષ જોવા મળે છે. તેમની ઉત્પત્તિ અંગેનો એક મત સૌરાષ્ટ્રની પછાત કોમોમાં આ મુજબ મળે છે. આ લોકો મૂળે તો હળવદના બ્રાહ્મણ રાવળ છે. આ કુળના કોઈ બ્રાહ્મણ ચારણને ત્યાં લગ્નમાં ગયેલ. ત્યાં ભૂલથી કંઈક તેમના ઘરનું ખાવાથી અભડાયેલ. આથી અન્ય બ્રાહ્મણોએ તેમને જ્ઞાાતિમાં ન ભેળવ્યા. પરિણામે જે કોમથી વટલાયા તે કોમનું બારોટપણું ચાલુ કર્યું અને વહીવંચા રાવળ થયા. બીજી એક માન્યતા મુજબ બ્રાહ્મણોએ પછાત ગણાતી કોમનું રક્ષણ કરેલું. એ કરવા જતાં તેમને વટલાવું પડયું. પરિણામે નાત બહાર મૂકાયા. એ રખૈયા કહેવાયા અને વહીવંચા તરીકે રહેવા લાગ્યા. તેઓ પરજિયા ચારણોમાં ભવાઈ રમે છે અને રખૈયા માતાને પૂજે છે. 

ઢાઢીરાવળ ગામડામાં લગ્ન જેવા પ્રસંગે માગવા નીકળે છે, જ્યારે ચૂનારા રાવળ ચૂનો પાડવાનો ધંધો કરે છે. છાલકિયા રાવળ ગધેડાં ઉપર છાલકાં ભરી માટી લઈ આવવાનો, ખડી, ખારો, ધોળી ધુડય વેચવાનો વ્યવસાય કરે છે. દેવમંગા, પંચમિયા રાવળ પોતાને રાવળ કે રાવળ જોગી તરીકે ઓળખાવે છે. રાજકોટ, જૂનાગઢ તરફ રહેતા આ રાવળો સાવરણી, સૂંથિયાં, ઇંઢોણી વગેરે બનાવવાનું કામ કરે છે. દેવમંગા રાવળ ઝાલાવાડ અને ગોહિલવાડ તરફ વધુ જોવા મળે છે. તેઓ ખેડૂતોને ખપમાં લાગે તેવાં રાંઢવા, રાસ, દોરડાં વગેરે બનાવીને વેચે છે. તેઓ પોતાને શિવના પુત્ર ગણાવે છે. માત્ર દેવમાં જ માગે છે એટલે કે દેવના મઢે ડાક વગાડવા જાય છે. શ્રધ્ધાળુ લોકો તેમને ઘેર આવી ભિક્ષા આપી આવે છે કે તેમની ઝોળીમાં નાખે છે. પોતે સામે ચાલીને માંગવા ન જાય એટલે તેઓ પોતાને દેવમંગા રાવળ કહેવરાવે છે. તેઓ પશ્ચિમ તરફથી આવીને વસ્યા હોવાથી પંચમિયા દેવમંગા રાવળ કહેવાય છે. 

દેવમંગા પંચમિયા રાવળ કેડિયું, પહેરણ, કબજો, કોટ, પછેડી પહેરે છે અને માથે ભગવી પાઘડી બાંધે છે. તેમની અટક સોલંકી પરમાર, મકવાણા, પઢિયાર, ચૌહાણ, રાઠોડ, નાથ, ભારતી, ભક્તિ, જોગણી હિરાણી જેવી શાખો જોવા મળે છે. રાવળો શિવભક્ત ગણાય છે પણ આજે ઘણા રામાપીરને માને છે. તેમની નાત તેર તાલુકાની મનાય છે. બહુચરાજી, ચામુંડા, ખોડિયાર, જોગણી, બુટમા, કાળકી વેરાઈ, અંબાજી, વહાણવટી આ બધી એમની કુળદેવીઓ ગણાય છે. રાવળની શેરીમાં જોગણીમાતાનું સ્થાનક અવશ્ય જોવા મળે. તેઓ વીસો પાટ બેસાડે ત્યારે અન્નનું શિવલિંગ તૈયાર કરે છે. 

જે સાધુ બાવામાં શબને સમાધિ દેવાનો રિવાજ છે ત્યાં સમાધિ સમયે રાવળની હાજરી વગર શબને સમાધિમાં મૂકી શકાતું નથી. કોળી વગેરે કોમોમાં મરનાર પાછળ જમણમાં પહેલું જમણ રાવળને જ આપવું પડે. રાવળ જમાડયા વગર કોઈ વ્યક્તિ જમી શકતી નથી. આ વિધિને 'પાત્ર' પૂરવાની ક્રિયા કહે છે. તુંબડામાંથી બનાવેલા પાત્રને 'તુંબીપાત્ર' કહે છે. રાવળને પાંચ તુંબીપાત્ર ભરીને આપવામાં આવે છે. આ પંચપાત્રમાં જળ, પૃથ્વી, ગાય, શ્વાન અને રાવળ એમ પાંચનો ભાગ કાઢવામાં આવે છે. 

રાવળ દેવદેવીઓના ઉપાસક હોવાથી મંત્ર, તંત્ર અને જંત્રમાં પણ વિશ્વાસ ધરાવે છે. આ નિમિત્તે માગવાનો તેમનો હક્ક-લાગો હોય છે. શીતળા સાતમના વારપરબે રાવળિયાણીઓ માટીમાંથી મૂર્તિ બનાવી એને કોડીની આંખો કરે છે. આ મૂર્તિને તેઓ ગામના સીમ-સીમાડાના તળાવને આરે અથવા ઝાડના છાંયડે સ્થાપે છે. જૂના કાળે ગામડાંની બાઈઓ ત્યાં આવતી. માતાને મીઠો ભોગ ધરાવી ટાઢા વડાં કે થેપલાં આણ્યાં હોય તે ખાતા. પછી માથે પાણી રેડી ભીનાં વસ્ત્રો કરી માતા સમક્ષ આળોટતી. ગામથી દૂર લોકદેવીનું સ્થાનક બનાવે એટલે તે શીતળામાતા હોઈ શકે! માતાનું આવું સ્થાનક સ્થાપવાનો હક્ક પણ રાવળિયાણીનો જ મનાય છે. 

ચોમાસું બેસી ગ્યું હોય ને મેઘરાજા રીંસાઈ પડયા હોય ત્યારે મેઘારાજાને પ્રસન્ન કરવાનું કામ પણ રાવળિયાણીઓ જ કરે. પાંચ રાવળિયા બાઈઓ માથે માટીના ઘડા મૂકી મેઘલાને મનાવવા નીકળે અને ગાય. 

ઢુંઢિયા બાપજી મેહ વરસાવો 
ઘરડી ડોશીનાં તામે છાપરાં પલાળો. 
ધાનના ઢગલા, મોલ પકવાવો 
ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો 
ગાળાને નીવડે ને કોડીની આંખડી 
મેહ વરસાવીને પકવો ધાનની ઢગલી 
ઢુંઢિયા બાપજી મેહ વરસાવો 
ઘરડી ડોશીનાં તમે છાપરાં પલાળો. 

આમ રાવળિયાણીઓ ગાતી ગાતી ગામમાં નીકળે. ઘેર ઘેર ફરે. ઘરની સ્ત્રીઓ પાણિયારેથી પાણીના ઘડા ભરીને હડી કાઢે ને બાઈઓના માથા પર રેડે. મેડીવાળું ઘર હોય તો મેડી માથેથી રેડે. કહેવાય છે કે આ વિધિથી વરસાદ આવે જ એવી લોકમાન્યતા આજેય જાણીતી છે. 

રાવળ કોમના સામાજિક રિવાજો પણ રસપ્રદ રહ્યા છે. પ્રથમ ગર્ભાધાન પછી વહુને સાતમે માસે ખોળો ભરાવે છે. એને ખોળે સાત ખોટયનો દીકરો અવતરે ત્યારે ખોડિયારમાને લાપશી ધરાવે. છઠ્ઠે દિવસે બાળકની છઠ્ઠી કરે. ફઈબા આવીને નામ પાડે. બાળક મોટું થાય એટલે બાળમોવાળા ઉતરાવી અનુકૂળતા મુજબ ગુરુધારણા લે. નજીકની જગામાં વસવાટ કરતા વિશ્વાસુ સાધુ મહારાજને બોલાવે. નાગા બાવા પર વિશેષ પસંદગી ઊતારે. કૂબામાં અંદરના ભાગે પાટ માંડે. ત્યાં આ બાવો પલાંઠી વાળીને બેસે. આડો પડદો રાખે. પછી જેણે કાન ફૂંકાવવાનો હોય તે અંદર જાય. ગુરુ તેને મંત્ર આપે. આ રીતે ગુરુધારણની વિધિ કરાવે. રાત્રે ભજનોની રમઝટ બોલે. ગુરુને દક્ષિણામાં નવી ચાદર આપે. ગુરુધારણ ન કરનાર 'નૂગરો' ગણાય, પણ કોઈ 'નૂગરો' રહેવાનું પસંદ કરતું નથી. મૃત્યુ પછી મૃતદેહને બાળવાને બદલે દાટવાની પ્રથા છે. જો કોઈ ભગત હોય તો સમાધિ આપી માથે દેરી ચણાવે છે.
 
રાવળોમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ જ ઓછું હોવાથી પરંપરાથી ગરીબીમાં અને અજ્ઞાાનતામાં આ કોમ જીવતી આવી છે. ઝઘડો થાય તો કોર્ટમાં જવાને બદલે નાતપંચ દ્વારા તે નીપટાવે છે. કોઈ વ્યક્તિ ગુનેગાર હોય તો સાચજૂઠના પારખાં કરવા ઉકળતા તાવડામાં પૈસો નાખી એને કાઢી લેવાનું કહે છે. જો દાઝી જાય તો ગુનેગાર ગણાય છે. આ પરીક્ષાને કારણે ગુનેગાર જુઠું બોલતાં અચકાય છે. દાઝવાની ભૅથી સાચું બોલી જાય છે ને ગુનો હોય તો કબૂલી લે છે એમ કહેવાય છે. આઝાદીનાં અજવાળાં હજુ રાવળોની ઝૂંપડીઓ સુધી જોઈએ એવાં પહોંચ્યાં નથી.

સંકલન જગદીશ રાવલ 
મુ,પો,ઇલોલ (હાલ સવગઢ, મહેતપુરા બ્રહ્માનીનગર,ચેહરકૃપા સોસાયટી 6/69)
તા.હિંમતનગર ,જી.સાબરકાંઠા 383220 mob 9427695024  

No comments: