Well come My friends to my Page

Showing posts with label મહાન વિચારક. Show all posts
Showing posts with label મહાન વિચારક. Show all posts

Saturday, April 27, 2013

વિજ્ઞાન અને અહિંસા – વિનોબા ભાવે



વિજ્ઞાન અને અહિંસા વિનોબા ભાવે

વિજ્ઞાન અને અધ્યાત્મપુસ્તકમાંથી સાભાર
વિજ્ઞાનયુગ આજે ભારે ઝડપથી આગળ વધી રહ્યો છે. આજે હવે માણસને માત્ર પૃથ્વીથી સંતોષ નથી, તે બીજા ગ્રહો ઉપર પણ પહોંચવા માગે છે અને એમની સાથે સંપર્ક રાખવા ઈચ્છે છે. પાંચસો વરસ પહેલાં કોલંબસ જેવા શોધકોએ અમેરિકા શોધ્યો અને આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરીને નવા નવા પ્રદેશોની ભાળ કાઢી. આને લીધે દુનિયા આખીના જીવનમાં અનેકાનેક પરિવર્તન આવ્યાં. પરંતુ એ બધી ખોજ પૃથ્વી પરની જ હતી. આજે હવે માણસ પૃથ્વીને અતિક્રમી જવા તત્પર બન્યો છે. પાંચસો વરસ પહેલાં જે જિજ્ઞાસા પૃથ્વીની ખોજ કરવા માટેની હતી, એ જ આજે પૃથ્વીની બહારની અન્ય પૃથ્વીઓ સુધી આગળ વધી ગઈ છે. માણસ હવે અન્ય ગ્રહો સાથે સંપર્ક સાધવા મથી રહ્યો છે. આ ભારે મોટી પ્રગતિ છે. આ અભિનવ વિજ્ઞાનયુગ શરૂ થઈ ગયો છે. તેને આપણે અપાર્થિવ વિજ્ઞાનયુગપણ કહી શકીએ.
આ અભિનવ વિજ્ઞાનયુગનાં મુખ્ય બે લક્ષણ નોંધપાત્ર છે. એક તો આજે વિરાટમાં પ્રવેશવાનું વલણ છે, અને બીજું સૂક્ષ્મમાં પ્રવેશવાનું. એક બાજુ માણસ આ વિરાટ સૃષ્ટિનો તાગ લેવા મથી રહ્યો છે, તો બીજી બાજુ સૂક્ષ્મ અણુની શક્તિનું આકલન કરવા મથે છે. વિરાટ અને અણુ બેઉનો તાગ લેવાનું વલણ આ અભિનય વિજ્ઞાનયુગનું છે. આવો આ વિજ્ઞાનયુગ આજે ઝડપથી આગળ વધી રહ્યો છે. વિજ્ઞાનની આ પ્રગતિ રોકાવી ન જોઈએ, તેને મોકળું મેદાન મળવું જોઈએ. પરંતુ આની સાથોસાથ વિજ્ઞાનની આ પ્રગતિ માનવજાત માટે સર્વ રીતે સર્વથા કલ્યાણકારી બની રહે, તેનુંયે ચિંતન થવું જોઈએ.

આ બાબતમાં વિચારતાં એમ જણાય છે કે વિજ્ઞાન અહિંસા સાથે જોડાઈ જાય, એ આજે અત્યંત જરૂરી જ નહીં, અનિવાર્ય બની ગયું છે. આજે માણસ સૂક્ષ્મ અણુમાં પ્રવેશી રહ્યો છે. આ અણુથી જ આખી સૃષ્ટિ બની છે. આ અણુઓ એકમેક સાથે જોડાતાં સૃષ્ટિ નિર્માણ થાય છે, અને આ જ અણુ વિખેરાઈ જતાં પ્રલય થાય છે, સૃષ્ટિનો નાશ થાય છે. અણુમાં પુષ્કળ શક્તિ ભરી છે. એ શક્તિનો સ્ફોટ થતાં સૃષ્ટિનો લય થઈ શકે છે. આવી રીતે આ અણુશક્તિ સૃષ્ટિ-ઉત્પાદક પણ છે અને સૃષ્ટિ-સંહારક પણ છે. આવી આ અણુશક્તિ વિજ્ઞાનને કારણે આજે માણસના હાથમાં આવી ગઈ છે. વિજ્ઞાને તો આવી એક અદ્દભુત શક્તિ આપણને ઉપલબ્ધ કરાવી દીધી, પણ હવે તેનાથી માનવજાતનો વિકાસ સાધવો કે વિનાશ કરવો, તે આપણા હાથની વાત છે. વિજ્ઞાનની શક્તિ માણસની સેવા પણ કરી શકે છે અને માણસનો સંહાર પણ કરી શકે છે. અગ્નિની શોધ થઈ, તો તેનાથી રસોઈ પણ બનાવી શકાય છે અને તેનાથી આગ પણ લગાડી શકાય છે. અગ્નિનો ઉપયોગ ઘરને ફૂંકી નાખવામાં કરવો કે ચૂલો સળગાવવામાં કરવો, તે વિશે વિજ્ઞાન કાંઈ નથી કહેતું. તે આપણી અક્કલ ઉપર નિર્ભર છે. અને આજે આવી અક્કલ વાપરવાની તાતી જરૂર છે. આવી અક્કલ આપણને કહી રહી છે કે વિજ્ઞાનને તત્કાલ અહિંસા સાથે જોડી દેવું જોઈએ, નહીં તો ભારે મોટો અનર્થ થશે. આજે હવે જો વિજ્ઞાન સાથે હિંસા જોડાઈ જશે, તો દુનિયા આખી બરબાદ થઈ જશે.
આનું કારણ છે. અગાઉના જમાનાની હિંસા જુદી હતી. ભીમ અને જરાસન્ધ વચ્ચે કુશ્તી થઈ. જે મરવાનો હતો, તે મરી ગયો; જે બચવાનો હતો, તે બચી ગયો. દુનિયાની વધારે હાનિ ન થઈ. ત્યાર પછી બૉમ્બ આવ્યા તેનાથીયે તે જ્યાં પડ્યા ત્યાં નુકશાન થયું, સંહાર થયો, છતાં પરિણામ તેટલા પૂરતું સીમિત રહ્યું. પરંતુ આજે અણુ શસ્ત્રાસ્ત્રો હાથમાં આવ્યા છે, તેનાથી દુનિયા આખીનો સંહાર થઈ શકે છે, માણસ અને તેનું વિજ્ઞાન બધું જ ખતમ થઈ જશે. માટે આ જે ભયાનક શસ્ત્રાસ્ત્રો આજે માણસના હાથમાં આવ્યા છે, તેમણે અહિંસાને અનિવાર્ય બનાવી દીધી છે. વિજ્ઞાન અને જો અહિંસા જોડાઈ જાય, તો માનવજાતનું જીવન મંગલમય બની શકે તેમ છે, પૃથ્વી ઉપર સ્વર્ગ ઊતરી શકે તેમ છે. તેને બદલે જો હજી હિંસા કાયમ રહી, તો વિજ્ઞાન માણસના સર્વનાશનું કારણ બની જશે. સારાંશ કે, વિજ્ઞાનનો ઉપયોગ આપણે કેવો કરીએ છીએ, તેના પર બધું નિર્ભર છે. વિજ્ઞાનનો ઉપયોગ આપણે લોકોમાં એકતા વધારવામાં કરીએ છીએ કે લોકોમાં ફૂટ પાડવામાં અને મુઠ્ઠીભર લોકોના હાથમાં સત્તા કેન્દ્રિત કરવામાં કરીએ છીએ, એ પાયાની વાત છે. આપણે જો વિજ્ઞાનને અહિંસા, પ્રેમ ને માનવતાની દિશામાં લઈ જઈશું, તો વિજ્ઞાન માનવજાતનું અભૂતપૂર્વ કલ્યાણ કરી આપશે; અને નહીં તો વિજ્ઞાન ભસ્માસુરની જેમ આપણને સહુને ભસ્મ કરી નાખશે.
દુનિયામાં આજે એક સાવ વિપરીત વિચારસરણી પણ ચાલી રહી છે. તે કહે છે કે આ શસ્ત્રાસ્ત્રો વધારતા જ જાવ અને બંને બાજુએ તે વધશે એટલે તેમાંથી બૅલેન્સ ઑફ પાવર’ – શક્તિની સમતુલા ઊભી થશે અને તેને લીધે દુનિયામાં શાંતિ કાયમ રહેશે. પરંતુ આ એક બહુ ખતરનાક વિચારસરણી છે. શાંતિ માટેનો આવો અશાંત ઉપાય ઝાઝા દિવસ ચાલવાનો નથી. તે છોડવો જ પડશે. તેને બદલે આપણે માણસની બુદ્ધિને ઢંઢોળવી પડશે અને તેને સમજાવવું પડશે કે આખરે હિંસક શસ્ત્રાસ્ત્રોના પરિત્યાગમાં જ માનવતા અને માનવસમાજનો વિકાસ છે. મને શ્રદ્ધા છે કે આજે આ વસ્તુ માણસના ગળે ઉતારવી અઘરી નથી. અગાઉ ધર્મગ્રંથો વાંચીને જે કામ નહીં થઈ શક્યું, અનેક ધર્મોપદેશકોનાં વ્યાખ્યાન સાંભળીને જે કામ નહીં થઈ શક્યું, તે હવે વિજ્ઞાનયુગ કરી શકશે. વિજ્ઞાન માણસની બુદ્ધિને એટલી વ્યાપક બનાવશે. આમ, વિજ્ઞાન સાથે આજે અહિંસા જોડાવી જોઈએ. એટલે કે માણસ પોતાના પ્રશ્નો શાંતિ ને પ્રેમથી ઉકેલતો થાય, માણસ પરસ્પર પ્રેમ ને સહયોગથી એકબીજા સાથે જીવતાં શીખે, લેવા જ લેવા કરતાં દેવામાંયે સુખ છે એમ અનુભવે. અને સાથે જ શસ્ત્ર ઉપરનો વિશ્વાસ તેનો દૂર થવો જોઈએ.
શસ્ત્રની બાબતમાં માણસનો નિરંતર વિકાસ થતો રહ્યો છે. પ્રાચીન કાળમાં રાજ્ય-વ્યવસ્થા હતી નહીં અને લોકો શસ્ત્ર હાથમાં લઈને જ નિર્ણય કરતા. શસ્ત્ર દ્વારા જે નિર્ણય થતો, તેને જ ધર્મનો નિર્ણય માનવામાં આવતો. પછી જેમ જેમ માણસનો વિકાસ થતો ગયો તેમ તેમ માણસને થયું કે આ કંઈ ઠીક નથી. તેમ છતાં શસ્ત્ર વિના દુર્જનોથી રક્ષણ કેવી રીતે થાય ? એટલા વાસ્તે શાસનસંસ્થા જેવી સંસ્થા બનાવીને શસ્ત્રો એના હાથમાં સોંપી દેવાયાં. માણસે નક્કી કર્યું કે બધાંના હાથમાં શસ્ત્રો રહે તે ઠીક નહીં, શસ્ત્રોનો ઉપયોગ કરવાનો અધિકાર માત્ર શાસનસંસ્થાને જ રહે. માણસના વિકાસક્રમમાં આ એક આગળનું પગલું હતું. અને આજ સુધી આવું જ ચાલ્યું આવ્યું છે. જ્યારે સમાજ હજીયે આગળ વધશે, ત્યારે તે એવા નિર્ણય પર આવશે કે શસ્ત્રશક્તિનો અધિકાર શાસનસંસ્થાને પણ ન રહે. તે વખતે માણસનો શસ્ત્ર પરથી વિશ્વાસ સાવ ઊઠી જશે. ત્યારે પછી શસ્ત્ર માત્ર ભગવાનના હાથમાં રહેશે. ત્યારે સમાજમાં એવી શ્રદ્ધા પ્રવર્તશે કે દંડશક્તિ માણસના નહીં, ઈશ્વરના જ હાથમાં છે અને એ જ બધાંને ન્યાય આપશે. સમાજનો વિકાસ જ્યારે આનાથીયે આગળ થશે, ત્યારે તે દંડશક્તિ ઈશ્વરના હાથમાંયે નહીં રહે. ઈશ્વર કરુણાવાન છે, ક્ષમાવાન છે, અને ક્ષમા-કરુણાથી જે રક્ષણ થઈ શકે છે, તે દંડથી નથી થઈ શકતું. માણસ જ્યારે આ નિર્ણય પર પહોંચશે, ત્યારે તેનો ઘણો વિકાસ થયો હશે.
પરંતુ ત્યારે પછી ઈશ્વરના હાથમાં પણ શસ્ત્રો નહીં રહે. આજે તો બધા જ ભગવાન શસ્ત્રધારી છે. ગદાચક્રધારી અને ધનુષબાણધારી ભગવાનની કલ્પના જ આપણી સામે છે. પરંતુ નિ:શસ્ત્ર ભગવાનની કલ્પના પણ થયેલી છે. એને તેને જોવા હોય, તો પંઢરપુરના વિઠોબાનાં દર્શન કરો. ત્યારે ખબર પડશે કે એ પરમ વિકસિત યુગના ભગવાન કેવા હશે. એ શસ્ત્રધારી નથી. કમર ઉપર હાથ મૂકીને આપણને કહે છે કે, ‘સજ્જનો, ડરો નહીં. આ ભવનદી ભયાનક જણાતી હોય, પણ તે ઊંડી નથી. તેમાં ફકત કમરભર પાણી છે. તેમાં ડરવાની કોઈ વાત નથી.આવો વિશ્વાસ આ યુગના ભગવાન આપણને બંધાવશે. ખેર, એટલું નક્કી કે જ્યારે શસ્ત્રાસ્ત્રો બિલકુલ નાબૂદ થઈ જશે, ત્યારે જ પરિપૂર્ણ માનવતાનો ઉદય થશે. વિજ્ઞાનયુગ માણસને આ તરફ દોરી જશે.
મને વિશ્વાસ છે કે વિજ્ઞાન આપણા જ પક્ષમાં છે. આજે ભલે વિજ્ઞાન એવા લોકોના હાથમાં જતું રહ્યું હોય કે જેમને હિંસામાં વિશ્વાસ છે. પણ તે લાંબુ ટકવાનું નથી. વિજ્ઞાન જો હિંસાના આશરે રહ્યું તો માનવજાત ઉપર ભારે મોટું સંકટ આવી પડવાનું છે. આ વાત માણસ વહેલો મોડો સમજશે જ. અને તેથી માણસ વિજ્ઞાનને અહિંસા સાથે જોડશે. આજે મોટા મોટા વિજ્ઞાનીઓ આ તરફ વળી રહ્યા છે. અને ખરું જોવા જઈએ તો દુનિયામાં અહિંસાની વૃત્તિ જેટલી આજે જણાય છે તેટલી ઈતિહાસમાં અગાઉ ક્યારેય નહોતી. પ્રાચીન કાળથી આજ સુધીના ઈતિહાસ ઉપર નજર નાખીએ છીએ તો જણાય છે કે આજનો સામાન્ય માણસ પણ હિંસા-અહિંસાની વાત કરતો થઈ ગયો છે. જીવનના બધા પ્રશ્નો અહિંસાથી ઊકલી શકે કે નહીં, તેની ચર્ચા આજે થઈ રહી છે. આ પહેલાં આવી ચર્ચા ક્યારેય નહોતી થઈ. અગાઉના લોકો એમ માનીને જ ચાલતા કે હિંસાનું જીવનમાં કાંઈ ને કાંઈ સ્થાન છે જ, હિંસા વિના ચાલે જ નહીં. પરંતુ આજે માણસની સામે એવી આશા ઊભી થઈ છે કે હિંસાને આપણે માણસના જીવનમાંથી કાઢી નાખી શકીએ.
હિંદુસ્તાને ગાંધીજીના નેતૃત્વ હેઠળ અહિંસાના માર્ગે આઝાદી મેળવવાનો જે પ્રયોગ કરી બતાવ્યો તેને લીધે માણસને એક આશાનું કિરણ મળ્યું છે. ભલે તે પ્રયોગ હજી અધકચરો હોય, તેમ છતાં તેને લીધે દુનિયામાં સામૂહિક અહિંસાના વિચારનો આવિર્ભાવ થયો તથા આપણી આઝાદી પછી પણ સામાજિક ને રાજકીય ક્ષેત્રે સામૂહિક અહિંસાના નાના-મોટા પ્રયોગો દુનિયાભરમાં થતા રહ્યા છે. આ વસ્તુ અહિંસા પ્રત્યેના માનવજાતના વધી રહેલા વલણની સૂચક છે. વિજ્ઞાન સાથે અહિંસા પ્રત્યેનું આ વલણ જોડાઈ જશે, તો મનુષ્યનું જીવન ઉન્નત, વ્યાપક ને વિશાળ બનતું જશે તથા જે સ્વર્ગની કથાઓ આપણે પુરાણોમાં વાંચતા હતા, તે સ્વર્ગ આ પૃથ્વી ઉપર ઊતરશે.
મને પૂરેપૂરી શ્રદ્ધા છે કે વિજ્ઞાન અહિંસા સાથે જોડાઈ જઈને આવું પરિણામ જરૂર લાવશે, એક નવા યુગ તરફ માનવજાતને દોરી જશે. આજે આપણે જે સંઘર્ષકાળમાંથી પસાર થઈ રહ્યા છીએ, તે તો આવી રહેલા એક કલ્યાણકારી યુગ માટેની પ્રસવ-વેદના છે. દરેક માતા જાણે છે કે પ્રસવ-વેદનામાંથી પસાર થયા વિના ક્યારેય નવજન્મ થતો નથી.

Friday, April 26, 2013

ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં – મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ



 ભગવદ ગીતાનો દિવ્ય સંદેશ સંક્ષેપમાં મૂળ અંગ્રેજી ઉપરથી કાવ્યાનુવાદ

S

ગીતા તમામ વેદો અને ઉપનિષદોનો સાર છે.સમગ્ર મહાભારતનું નવનીત મહર્ષિ વેદ વ્યાસે ગીતાના કુલ સાતસો શ્લોકો દ્વારા અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વને પીરસ્યું છે.ગીતા એ જીવન યોગ છે.જીવનના મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ ગીતાના સંદેશમાંથી મળી રહે છે.જીવન કેમ જીવવું એની કળા ગીતા આપણને શીખવે છે.


દરેક મનુષ્યની અંદર એક શંકાશીલ અર્જુન છુપાઈને બેઠેલો હોય છે.જ્યારે અર્જુન તત્વમાં યોગેશ્વર કૃષ્ણનું તત્વ ભળે એટલે જે જીવન સંગીતનું ગાન પ્રગટે એ જ ગીતા.કુરુક્ષેત્રના મેદાનની વચ્ચે રથ ઉભો રાખીને સારથી બનેલા શ્રી કૃષ્ણે સખા અર્જુનની શંકાઓનું નિવારણ કરતાં કરતાં અર્જુનને નિમિત્ત બનાવીને વિશ્વની માનવ જાતને જીવન જીવવા માટેની કળા માટેનો એક અણમોલ અને પ્રેરક સંદેશ આપ્યો છે.આવી રત્નાકર જેવી ગીતાની અંદર ડૂબકી મારી ઊંડેથી રત્નો પ્રાપ્ત કરીને એનું ગાન કરીએ અને જીવન સંગીત પ્રગટાવીએ.


શ્રીમદ ભગવદ ગીતા ઉપર આજ દિન સુધીમાં એનો અર્થ અને ભાવ સમજાવતાં ઘણાં ભાષ્યો,નિબંધો અને પુસ્તકો લખાયા છે અને પ્રવચનો થયાં છે અને થતાં રહેશે.સામાન્ય માણસ માટે આ બધું વિવેચન વાંચવું અને સમજવું સહેલું નથી. એટલા માટે ગીતાના મુખ્ય સંદેશનો સાર આપવાના પ્રયત્ન અવારનવાર થતા જોવા મળે છે.શ્રી રામ કૃષ્ણ પરમહંસે તો આવા પ્રયત્નની હદ કરતાં કહ્યું છે કે ગીતા શબ્દના અક્ષરો ઉલટાવો એટલે તાગી-એટલે કે ત્યાગી થઇ જાય,ત્યાગ કરતાં શીખો એટલે તમારી ઉન્નતી થઇ જશે.ગીતામાં જે લખ્યું એ આમાં આવી ગયું.


થોડા દિવસ પહેલાં કોઈએ અંગ્રેજીમાં કરેલ ગીતાના સાર રૂપ લેખ મારા વાંચવામાં આવ્યો.મને એ વાંચતા જ મનને જચી ગયો.આ લેખનો ગુજરાતીમાં કાવ્યાત્મક અનુવાદ કર્યો હોય તો કેવું એવો મનમાં વિચાર આવ્યો.


આ વિચારની પરિપૂર્તિ રૂપે આ મૂળ અંગ્રેજી લેખનો ભાવ કાયમ રાખી આજની પોસ્ટમાં એનો ગુજરાતી કાવ્યમાં અનુવાદ કરવાનો મેં પ્રયત્ન કર્યો છે.ગુજરાતી કાવ્ય-અનુવાદની નીચે મૂળ અંગ્રેજી લેખ પણ મુક્યો છે એને પણ વાચકો વાંચી શકશે.મને આશા છે મારો આ કાવ્યાનુવાદનો આ પ્રથમ પ્રયત્ન આપને ગમશે.
સાન ડીયેગો વિનોદ આર.


શ્રીમદ ભગવદ ગીતાનો સંદેશ સંક્ષેપમાં
ચિંતા માથે લઇ કેમ વ્યર્થ ફરી રહ્યો છે તું.
કોની લાગી રહી છે બીક બિન કારણ તને.
કોઈ તને મારી નાખશે એવી બીક છે તને?
આત્મા નથી મરતો કે નથી જન્મ લેતો કદી.
ભૂતકાળે જે થયું એ બધું થયું સારા માટે
જે બની રહ્યું વર્તમાને એ છે સારા માટે
જે થશે ભાવિમાં પણ હશે એ સારા જ માટે
બન્યું જે ભૂતકાળે એનો અફસોસ કરવો નહીં
ભાવિની ચિંતા કરવાની પણ તારે શી જરૂર?
વર્તમાને થઇ રહ્યું જે એનું જ તું રાખ ધ્યાન.
શું ગુમાવ્યું છે તેં કે રડી રહ્યો છું તું.
શું લાવ્યો હતો સાથે જે છે તેં ગુમાવ્યું હવે,
શું પેદા કર્યું જે નાશ પામ્યું એમ માની રહ્યો
ખાલી હાથે જ આવ્યો તું જગમાં હતો
જે કંઇ છે બધું તારી પાસે, પ્રાપ્ત કર્યું છે અહીં.
દાન જે કર્યું એ બધું, અહીંથી જ તો છે આપ્યું
તારું પ્રાપ્ત કર્યું એ બધું પરમેશ્વરની દેન છે
જે તેં આપ્યું હશે એ, એને જ અર્પણ છે બધું.
ખાલી જ હાથે આવ્યો હતો જગમાં તું
ખાલી હાથે જ વિદાય થવાનો છે તું.
જે કંઇ આજ છે તારું,કાલે કોઈ અન્યનું હતું
થાશે એ બીજાનું આવતી કાલે અને પછી.
બધું તારું જ છે એમ વ્યર્થ મનમાં રાચી રહ્યો
સુખના જુઠ્ઠા ખ્યાલો તારી ચિંતાઓનું મૂળ છે.
જે પ્રાપ્ત થયું વિશ્વે,પ્રભુ એ જ આપ્યું છે તને
જે તેં આપ્યું એ બધું,પ્રભુ ને જ અર્પણ છે કર્યું.
ખાલી હાથે આવ્યો હતો,જવાનો છે ખાલી હાથે.
પરિવર્તન એ જ જગતનો અચલ નિયમ છે
માને છે તું મોત જેને,વાસ્તવમાં એક જીવન છે.
એક ક્ષણે ભલે બને તું લાખોપતિ કે કરોડપતિ
બીજી ક્ષણે પડવાનો છે તું ગરીબાઈની ખીણમાં.
મારું, તારું,મોટું,નાનું, વ્યર્થ છે એ ખ્યાલો બધા
ભૂસી જ નાખ એ ખ્યાલો તારા મનમાંથી સદા
એમ માને તો,બધું છે તારું,ને તું બધાનો પછી.
આ દેહ તારો જે કહે છે એ તારો કદી છે જ નહીં
અને તુંછે એમ કહે છે,એ તારો દેહ કદી નથી.
દેહ બન્યો અગ્નિ,પાણી,હવા,જમીન અને આકાશથી
દેહ જ્યારે પડશે ત્યારે આ પંચ તત્વમાં જશે ભળી.
કિન્તુ આત્મા અવિનાશી છે , તો પછી તુંકોણ છું ?
સમજી આ સત્યને,ન્યોછાવર કર પ્રભુને તારી જાતને
અંતેતો એ જ છે એક વિભૂતિ જે વિશ્વાસને પાત્ર છે.
પ્રભુની અપાર કૃપા અને સહાયની જે લોકોને જાણ છે
શોક, ભય અને ચિંતાઓથી તેઓ,સદાને માટે મુક્ત છે.
જે કરે તું એ બધું,કર પ્રભુચરણે અર્પણ ધરવાને કાજ
જો પછી કેવી સદાને માટે—-
આનંદ અને જીવન-મુક્તિની અજબ અનુભૂતિ થાય છે .
કાવ્યાનુવાદ વિનોદ આર. પટેલ