२६. विवेकख्यातिरविप्लवा हानोपायः ।
નિર્મળ ને શાંત વિવેકજ્ઞાન ‘હાન’ નો ઉપાય છે.
પ્રકૃતિ ને તેના કાર્યનું યથાર્થ જ્ઞાન થઇ જાય, ને આત્મા તેથી અલગ છે ને અસંગ છે, એ પ્રમાણે પુરુષના યથાર્થ સ્વરૂપનું પણ જ્ઞાન થઇ જાય તેને વિવેકજ્ઞાન કહે છે. સમાધિમાં સહજ સ્થિતિ થવાથી તે જ્ઞાન પૂર્ણ ને પવિત્ર થઇ જાય, ત્યારે તે અવિપ્લવ વિવેકજ્ઞાન કહેવાય છે. તેથી સંસારના બીજ જેવાં ક્લેશ ને કર્મોનો નાશ થઇ જાય છે. ચિત્ત પોતાના કારણમાં લય પામી જાય છે ને મુક્તિ સહજ બને છે.
*
२७. तस्य सप्तधा प्रान्तभूमिः प्रज्ञा ।
નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાનથી સાધકનું ચિત્ત તદ્દન નિર્મળ બની જાય છે, ત્યારે તેમાં સાંસારિક જ્ઞાન નથી જાગતું. તેવો સાધક સાત પ્રકારની ઉન્નત દશાવાળી પ્રજ્ઞાની પ્રાપ્તિ કરે છે. તેમાં પહેલી ચાર પ્રકારની પ્રજ્ઞા કાર્યવિમુક્તિ પ્રજ્ઞા ને બીજી ત્રણ પ્રકારની પ્રજ્ઞા ચિત્તવિમુક્તિ પ્રજ્ઞા કહેવાય છે.
કાર્યવિમુક્તિ પ્રજ્ઞાના ચાર ભેદ :
૧) જ્ઞેયશૂન્ય દશા - જાણવા જેવું બધું જાણી લીધું. હવે કાંઇ પણ જાણવાનું બાકી ના રહ્યું. જે દૃશ્ય છે તે બધું જ પરિણામ, તાપ, સંસ્કારદુઃખ તથા ગુણવૃત્તિવિરોધને લીધે દુઃખરૂપ છે, ને તેથી ત્યાજ્ય છે, એવી પ્રજ્ઞા.
૨) હેયશૂન્ય દશા - દૃષ્ટા ને દૃશ્યના સંયોગને મિટાવી દીધો. હવે મિટાવવા જેવું કાંઇ જ રહ્યું નહિ, તેવી પ્રજ્ઞા.
૩) પ્રાપ્યપ્રાપ્ત દશા - પ્રાપ્ત કરવા જેવું બધું જ પ્રાપ્ત કરી લીધુ, સમાધિ દ્વારા કેવલ દશા પણ મેળવી લીધી. હવે મેળવવા જેવું કાંઇ પણ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
૪) ચિકીર્ષાશૂન્ય દશા - જે કાંઇ કરવા જેવું હતું તે કરી લીધું. ‘હાન’ ના ઉપાય જેવું નિર્મળ ને સ્થિર વિવેકજ્ઞાન પણ મેળવી લીધું. હવે કાંઇ જ કરવાનું બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
ચિત્તવિમુક્તિ પ્રજ્ઞાના ત્રણ ભેદ -
૧) ચિત્તની કૃતાર્થતા - ભોગ ને મોક્ષ દેવાનું પોતાનું ખાસ કામ ચિત્તે પૂરું કરી લીધું. હવે તેનું કોઇ કામ બાકી ના રહ્યું, તેવી પ્રજ્ઞા.
૨) ગુણલીનતા - ચિત્તનું કોઇ ખાસ કામ બાકી ના રહેવાથી તે પોતાના કારણરૂપ ગુણોમાં લીન થવા માંડે છે, તેવી પ્રજ્ઞા.
૩) આત્મસ્થિતિ - ગુણથી પર થયેલો પુરુષ પોતાના મૂળ સ્વરૂપમાં પ્રતિષ્ઠિત થઇ ગયો. હવે કાંઇ પણ બાકી ના રહ્યું. તેવી પ્રજ્ઞા.
આ સાત પ્રકારની પ્રાન્તભૂમિપ્રજ્ઞાને અનુભવનારો યોગી કુશળ જીવનમુક્ત કહેવાય છે, ને ચિત્ત જ્યારે પોતાના કારણમાં લીન થઇ જાય છે, ત્યારે પણ કુશળ વિદેહમુક્ત કહેવાય છે.
*
२८. योगाङ्गानुष्ठानाद् अशुद्धिक्षये ज्ञानदीप्तिरा विवेकख्यातेः ।
યોગનાં અંગોનું અનુષ્ઠાન કરવાથી, અશુદ્ધિઓનો નાશ થવાથી, જ્ઞાનનો વિવેકખ્યાતિ સુધીનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.
યોગના અભ્યાસથી ચિત્ત નિર્મળ થતાં બુદ્ધિ, અહંકાર ને ઇન્દ્રિયોથી ભિન્ન આત્માનું પ્રત્યક્ષ દર્શન થાય છે.
*
२९. यमनियमासनप्राणायामप्रत्याहारधारणाध्यानसमाधयोऽष्टाव अङ्गानि ।
યોગનાં અંગ આઠ છે - યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન ને સમાધિ.
*
३०. अहिंसासत्यास्तेयब्रह्मचर्यापरिग्रहा यमाः ।
યમ પાંચ છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય ને અપરિગ્રહ.
Sadhan Pada : Verse 31 - 35
३१. जातिदेशकालसमयानवच्छिन्नाः सार्वभौमा महाव्रतम् ।
તે યમનું પાલન જો જાતિ, દેશ, કાળ ને નિમિત્તનો વિકલ્પ રાખ્યા વિના, બધે વખતે ને બધે સ્થળે કરવામાં આવે, તો તે મહાવ્રત થઇ જાય છે.
કોઇ માણસ નિયમ લે કે શ્રીમંતોને ત્યાં ચોરી કરીશ, ગરીબોના ઘરમાં નહિ કરું, તો તે જાતિ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. તે પ્રમાણે યાત્રાનાં ધામ કે દેવમંદિરોમાં જ ચોરી ના કરવાનો નિયમ લેવામાં આવે, તો તે દેશ-અવચ્છિન્ન અસ્તેય કહેવાય. કોઇ પર્વદિવસે કે દિવસ કે રાતના અમુક સમયે ચોરી ના કરવાનો નિયમ કાલાવચ્ચિન્ન અસ્તેય કહેવાય. કોઇ કારણ કે નિમિત્તથી ચોરી કરવામાં આવે, ને નિમિત્ત પૂરું થતાં ચોરી ના કરાય, તો તે સમયાવચ્છિન્ન અસ્તેય કહેવાય છે. કોઇપણ પ્રકારના ભેદભાવ વિના, બધા જીવોની સાથે, બધા જ સ્થળે ને સમયે, યમનું પાલન કરવામાં આવે, ને કોઇ કારણે તેમાં સ્ખલન ના થાય તેનું ધ્યાન રાખવામાં આવે, તો તે મહાવ્રતને નામે ઓળખાય છે.
*
३२. शौचसंतोषतपःस्वाध्यायेश्वरप्रणिधानानि नियमाः ।
શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય ને ઇશ્વરની ભક્તિ અથવા શરણાગતિ નિયમ કહેવાય છે.
*
३३. वितर्कबाधने प्रतिपक्षभावनम् ।
કોઇવાર કોઇ કારણથી મનમાં વિરોધી વિચાર ઉત્પન્ન થાય, ને હિંસા તથા અસત્ય વગેરેમાં પ્રવૃત્ત થઇને યમનિયમનો ત્યાગ કરવાનું મન થાય, ત્યારે પોતાની સલામતીને માટે તેવા વિચારોના દોષનો વારંવાર વિચાર કરવો ને તેમને દૂર કરવા માટે બીજા બળવાન સારા વિચારો ઉત્પન્ન કરવા.
*
३४. वितर्का हिंसादयः कृतकारितानुमोदिता लोभक्रोधमोहपूर्वका मृदुमध्याधिमात्रा दुःखाज्ञानानन्तफला इति प्रतिपक्षभावनम् ।
યમ ને નિયમથી જે વિરુદ્ધ છે, તે વિતર્ક કહેવાય છે. જેમ કે હિંસાદિ. તેના ત્રણ પ્રકાર છેઃ
૧) પોતાની મેળે કરેલા
ર) બીજાના કહેવાથી કે કરાવવાથી કરેલા, ને
3) કોઇના ટેકાથી કરેલા.
ર) બીજાના કહેવાથી કે કરાવવાથી કરેલા, ને
3) કોઇના ટેકાથી કરેલા.
તે વિતર્ક કે દોષ કોઇવાર લોભને લીધે, કોઇવાર સાધારણ સ્વરૂપમાં, કોઇવાર મધ્યમ સ્વરૂપમાં, તો કોઇવાર અસાધારણ કે ભયંકર સ્વરૂપે, તે સાધકની સામે પ્રકટ થાય છે. તે વખતે સાધકે સાવધાન થઇને વિચાર કરતાં ને પોતાની જાતને સંભાળી લેતાં શીખવું જોઇએ. કેમ કે તે સર્વ પ્રકારે દુઃખદાયક ને અજ્ઞાનથી અંધ કરીને અનેક જાતની કષ્ટકારક યોનિઓમાં ભટકાવનાર છે. એ પ્રમાણે વારંવાર વિચાર કરતાં રહેવું તેને પ્રતિપક્ષીય ભાવના કહે છે.
*
३५. अहिंसाप्रतिष्ठायां तत्सन्निधौ वैरत्यागः ।
અહિંસામાં સંપૂર્ણપણે પ્રતિષ્ઠિત થવાથી અથવા તો પૂર્ણ અહિંસાની મૂર્તિ બનવાથી, માણસની પાસેનાં કે આજુબાજુનાં બધાં પ્રાણી પણ વેરભાવનો ત્યાગ કરી દે છે તેવા મહાપુરુષની અંદર તો કોઇ જાતનો વેરભાવ ટકતો જ નથી.
Sadhan Pada : Verse 36 - 40
३६. सत्यप्रतिष्ठायां क्रियाफलाश्रयत्वम् ।
સત્યમાં પ્રતિષ્ઠિત થવાથી એટલે કે જીવનને સંપૂર્ણપણે સત્યમય કરી દેવાથી, યોગી કર્તવ્યપાલનરૂપ બધી ક્રિયાઓના ફળના આશ્રય જેવો બની જાય છે. જે કર્મ કોઇએ ના કર્યું હોય, તેનું ફળ પણ તે આપી શકે છે. તેનું વરદાન, તેનો સંકલ્પ, આશીર્વાદ કે શાપ સદા સત્ય જ ઠરે છે.
*
३७. अस्तेयप्रतिष्ठायां सर्वरत्नोपस्थानम् ।
અસ્તેયમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા અસ્તેયની મૂર્તિ બનવાથી માણસની પાસે બધી જાતનાં રત્નો ઉપસ્થિત શાય છે.
*
३८. ब्रह्मचर्यप्रतिष्ठायां वीर्यलाभः ।
બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠિત થવાથી અથવા બ્રહ્મચર્યનું બરાબર પાલન કરવાથી મન, બુદ્ધિ, ઇન્દ્રિયો ને શરીરમાં અલૌકિક શક્તિનું પ્રાકટય થાય છે. તેવી અસાઘારણ શક્તિની બરાબરી બીજા કોઇ સાધારણ માણસથી થઇ શકતી નથી.
*
३९. अपरिग्रहस्थैर्ये जन्मकथंतासंबोधः ।
અપરિગ્રહમાં પ્રતિષ્ઠા થવાથી પૂર્વજન્મ તથા વર્તમાન જન્મનાં રહસ્યોનું જ્ઞાન થઇ જાય છે.
પૂર્વજન્મમાં સાધક ક્યાં હતો, શું કરતો હતો, તે વાત જણાઇ જાય છે. તેથી ઉત્સાહ ને આત્મબલ વધે છે તથા યોગસાધનામાં પ્રગતિ કરવાની પ્રેરણા મળે છે.
*
४०. शौचात् स्वाङ्गजुगुप्सा परैरसंसर्गः ।
શૌચના અભ્યાસથી સાધકને પોતાના શરીરમાં અપવિત્રતાનું ભાન થવાથી તેમાં વૈરાગ્યબુદ્ધિ ને ઉપરામતા થાય છે, આસક્તિ નથી રહેતી, ને બીજા માણસોનો સંગ કરવાનું મન નથી થતું. શરીરના આકર્ષણ તથા ઉપભોગથી તે પર થઇ જાય છે, અથવા મુક્તિ મેળવે છે.
Sadhan Pada : Verse 41 - 45
४१. सत्त्वशुद्धिसौमनस्यैकाग्र्येन्द्रियजयात्मदर्शनयोग्यत्वानि च ।
અંદરની શુદ્ધિનો પોતાની રુચિ પ્રમાણેના સાધનની સહાયતા લઇને અભ્યાસ કરવાથી રાગ, દ્વેષ ને અહંકાર જેવા મેલનો નાશ થઇને હૃદય નિર્મળ બને છે. મનની ચંચલતા ને ઉદાસીનતાનો અંત આવતાં મન એક પ્રકારની પવિત્ર પ્રસન્નતાથી ભરાઇ જાય છે. ઇન્દ્રિયોનો સંયમ સ્વાભાવિક થઇ જાય છે, ને આત્માનું દર્શન કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે.
*
४२. संतोषाद् अनुत्तमः सुखलाभः ।
સંતોષના સેવનથી અશાંતિ, પરાવલંબન, તૃષ્ણા ને ભ્રમણાનો અંત આવે છે, ને અનન્ય ઉત્તમ સુખની પ્રાપ્તિ થાય છે.
*
४३. कायेन्द्रियसिद्धिरशुद्धिक्षयात् तपसः ।
આત્મોન્નતિને માટે કરતાં વ્રત, ઉપવાસ તથા તે માટે થતું કષ્ટ સહન તપ કહેવાય છે. તેના પ્રભાવથી તન ને મન નિર્મલ થાય છે, ને વશ પણ થઇ જાય છે. તેથી યોગીને અદૃશ્ય થવું, મોટા કે નાના બનવું વગેરે શરીર સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે; તથા દૂરદર્શન, દૂરશ્રવણ જેવી ઇન્દ્રિયો સાથે સંબંધ ધરાવતી સિદ્ધિઓ પણ પ્રાપ્ત થાય છે.
*
४४. स्वाध्यायाद् इष्टदेवतासंप्रयोगः ।
શાસ્ત્રાભ્યાસ, જપ, ધ્યાન કે પ્રાર્થના જેવા સ્વાધ્યાયથી ઇષ્ટદેવતાનો સાક્ષાત્કાર થઇ જાય છે. સાધક જેનું દર્શન કરવા ચાહે, તેનું દર્શન તેને થઇ શકે છે.
*
४५. समाधिसिद्धिरीश्वरप्रणिधानात् ।
ઇશ્વરપ્રણિધાનથી સમાધિની સિદ્ધિ થઇ જાય છે.
ઇશ્વરપ્રણિધાનને લીધે સાધકની સાધનાનો ભાર ઇશ્વર પોતે જ ઉપાડી લે છે.
Sadhan Pada : Verse 46 - 50
४६. स्थिरसुखम् आसनम् ।
સ્થિરતાથી, વિશેષ હલનચલન વિના, સુખપૂર્વક બેસવું તેને આસન કહે છે.
સાધક પોતાની પસંદગી પ્રમાણે બેસવા માટે કોઇપણ પ્રકારની પદ્ધતિનો આધાર લઇ શકે છે. તે બાબત કોઇ દુરાગ્રહ નથી, ને ના હોઇ શકે.
*
४७. प्रयत्नशैथिल्यानन्तसमापत्तिभ्याम् ।
શરીરને સ્થિર રાખીને સુખપૂર્વક બેઠા પછી શરીર સાથે સંબંધ ધરાવતી બધી ક્રિયાઓનો ત્યાગ કરી દેવો. તેને પ્રયત્નની શિથિલતા કહે છે. તે ઉપરાંત, શરીરને સ્થિર રાખવા માટે અહંભાવથી પ્રેરાઇને બળજબરીથી કરાતો પ્રયાસ પણ નકામો છે. તેનો ત્યાગ કરવો જોઇએ. તેને પણ પ્રયત્નની શિથિલતા કહી શકાય. તેનાથી આસનની સિદ્ધિ થઇ જાય છે. અનંત પરમાત્મામાં મનને જોડી દેવાનો પ્રામાણિક પ્રયત્ન કરવાથી પણ તે જ પ્રમાણે, આસનસિદ્ધિ સહજ બને છે.
*
४८. ततो द्वन्द्वानभिघातः ।
આસનની સિદ્ધિ થવાથી સાધકના શરીર પર દ્વંદ્વોનો પ્રભાવ નથી પડતો.
ટાઢ, તાપ જેવા દ્વંદ્વોને સહન કરવાની શક્તિ સાધકની અંદર આવી જાય છે. દ્વંદ્વો તેના ચિત્તને ચંચલ કરીને સાધનામાં નડતરરૂપ થતાં નથી.
*
४९. तस्मिन् सति श्वासप्रश्वासयोर्गतिविच्छेदः प्राणायामः ।
પ્રાણવાયુ શરીરમાં પ્રવેશે તે શ્વાસ ને શરીરમાંથી બહાર નીકળે તે પ્રશ્વાસ કહેવાય છે. તે બંને પ્રકારની ક્રિયા અટકી જાય તેને પ્રાણાયામ કહેવામાં આવે છે. આસનની સિદ્ધિ થયા બાદ એ થઇ શકે છે.
*
५०. बाह्याभ्यन्तरस्तम्भवृत्तिः देशकालसंख्याभिः परिदृष्टो दीर्घसूक्ष्मः ।
તે પ્રાણાયામ બાહ્યવૃત્તિ, આભ્યંતર વૃત્તિ ને સ્તંભવૃત્તિ એમ ત્રણ પ્રકારનો હોય છે. તથા તે દેશ, કાળ ને સંખ્યાથી જોઇ શકાય છે. તથા દીર્ઘ ને સૂક્ષ્મ થઇ શકે છે.
આ ત્રણ પ્રકારના પ્રાણાયામને પૂરક, રેચક ને કુંભક પણ કહે છે.
૧) બાહ્યવૃત્તિ અથવા રેચક - પ્રાણવાયુને શરીરની બહાર કાઢીને જેટલા વખત સુધી સુખપૂર્વક રોકી શકાય તેટલા વખત સુધી બહાર રોકી રાખવો, તેને રેચક પ્રાણાયામ કહે છે. તે બહાર ક્યાં, કેટલા વખત સુધી પ્રાણની સહજ ગતિની કેટલી સંખ્યા સુધી રોકાયેલો રહે છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે લાંબા વખત લગી કરી શકાય છે, ને સૂક્ષ્મ ને સહજ પણ થઇ શકે છે.
ર) આભ્યંતર વૃત્તિ અથવા પૂરક - પ્રાણવાયુને અંદર લઇ જઇને સુખપૂર્વક રોકી શકાય તેટલો વખત રોકી રાખવો તેને પૂરક કહે છે. અંદરના પ્રદેશમાં ક્યાં, કેટલા વખત સુધી તે રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસ વધવાથી તે દીર્ઘ કાળ સુધી ટકનારો તથા સહજ બની શકે છે.
3) સ્તંભવૃત્તિ અથવા કુંભક - પ્રાણવાયુને બહાર કાઢવાનો કે અંદર લઇ જવાનો પ્રયાસ બંધ કરીને, જે દશામાં ને જ્યાં હોય ત્યાં ને તે જ દશામાં તેની ગતિ રોકી દેવી તેને કુંભક કહે છે. તે વખતે પણ પ્રાણ ક્યાં, કેટલા સમય સુધી ને પ્રાણની સ્વાભાવિક ગતિની કેટલી સંખ્યા સુધી રોકાય છે તે જાણી શકાય છે. અભ્યાસના પ્રભાવથી તે પણ દીર્ઘ કાળ સુધી ટકનારો ને સહજ બને છે.
પ્રાણાયામ સાથે મંત્રજપ કરવાનું વિધાન શાસ્ત્રીય ને સામાન્ય તથા સર્વસ્વીકૃત જેવું છે.
Sadhan Pada : Verse 51 - 55
५१. बाह्याभ्यन्तरविषयाक्षेपी चतुर्थः ।
અંદર ને બહારના વિષયોમાંથી ચિત્તની વૃત્તિ હઠી જતાં આપોઆપ થનારો, ઉપર કહેલા ત્રણ પ્રકારના પ્રાણાયામથી જુદો, એક ચોથો જ પ્રાણાયામ છે.
બહાર ને અંદરના વિષયોનું ચિંતન છોડી દઇને મનને પ્રભુપરાયણ કરી દેવાથી, પ્રાણની ગતિ સહજ રીતે અટકી પડે છે. તે વખતે દેશ, કાળ ને સંખ્યાનું જ્ઞાન જરાપણ નથી રહેતું. મનની ચંચલતા મટવાથી તે સહજ બની રહે છે. તેને રાજયોગનો પ્રાણાયામ પણ કહેવામાં આવે છે.
*
५२. ततः क्षीयते प्रकाशावरणम् ।
તે પ્રાણાયામના અભ્યાસથી પ્રકાશનું આવરણ દૂર થઇ જાય છે.
પ્રકાશ અથવા પરમ જ્ઞાનસ્વરૂપ પરમાત્માની આગળ જે અજ્ઞાનનું આવરણ છે, તેનો પ્રાણાયામના લાંબા અભ્યાસ બાદ ક્ષય થઇ જાય છે. જેમ જેમ પ્રાણાયામનો અભ્યાસ વધતો જાય તેમ તેમ સાધકના કર્મસંસ્કાર ને અવિદ્યાદિ ક્લેશનો પડદો દૂર થતો જાય છો. પરમાત્માના સાક્ષાત્કારમાં તે પડદો જ અંતરાયરૂપ છે. તેનો ક્ષય થતાં જ્ઞાન સંપૂર્ણપણે ખીલી ઊઠે છે.
*
५३. धारणासु च योग्यता मनसः ।
વળી ધારણાઓમાં મનની યોગ્યતા મળી જાય છે.
પ્રાણાયામના અભ્યાસથી ધારણા એટલે કે મનને ગમે તે સ્થળે સ્થિર કરવાની કળા સહજ બને છે.
*
५४. स्वस्वविषयासंप्रयोगे चित्तस्य स्वरूपानुकार इवेन्द्रियाणां प्रत्याहारः ।
ઇન્દ્રિયો પોતાના વિષયોના સંબંધથી મુક્ત થઇને ચિત્તના સ્વરૂપમાં તદ્દાકાર બની જાય તેને પ્રત્યાહાર કહે છે.
પ્રાણાયામથી મન ને ઇન્દ્રિયો નિર્મલ થઇ જાય છે. તે પછી ઇન્દ્રિયોની બાહ્ય વૃત્તિને એકાગ્ર કરી મનમાં વિલીન કરવાના અભ્યાસનું નામ પ્રત્યાહાર કહેવાય છે. જ્યાં સુધી ઇન્દ્રિયો ચંચલ ને બહિર્મુખ બનીને બહારના વિષયોમાં જ ભટક્યા કરે ને બહારના વિષયોને જ જુએ, ત્યાં સુધી પ્રત્યાહાર પૂરો થયો ના કહેવાય.
*
५५. ततः परमा वश्यतेन्द्रियाणाम् ।
પ્રત્યાહારથી ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ થઇ જાય છે. ઇન્દ્રિયોની ગુલામી મટી જાય છે. ઇન્દ્રિયોના કાબૂ માટે કોઇ બીજા સાધનની પછી જરૂર નથી રહેતી.
॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे द्वितीयः साधनपादः ॥
॥ સાધનપાદ સમાપ્ત ॥
No comments:
Post a Comment