જીવનું શિવ પ્રતિ પ્રયાણ કાંઈ એકાએક ઊભી થયેલી ઘટના નથી પરંતુ જન્મોજનમનાં સંસ્કાર, પુણ્યો ભેગા થયા હોય ત્યારે શિવ જીવને પોતાની તરફ દોરે છે.
જગતગુરૂ શંકરાચાર્યે કહ્યું છે કે ‘ જો આપણું ચિત્ત સ્વસ્થ અને પ્રસન્ન હશે તો પ્રભુ દર્શનનું દ્વાર આપોઆપ ખૂલી જશે.’
જોકે શિવજીની કૃપા વગર તો અસંભવ છે. એમની કૃપા વગર તો ડગલું મંડાતું નથી તો કૈલાસની યાત્રા વિષે કેમ વિચારાય?? શિવજી પ્રત્યેની સંપૂર્ણ આસ્થા અને દૃઢ મનોબળથી જ આ યાત્રા કરી શકાય.
ધર્મ અને સંસ્કૃતિ એ જીવનનાં ધ્યેયો તરફ દોરી જનારા મુખ્ય પરિબળો છે. આ ઉપરાંત કૌટુંબિક વાતાવરણ , શાળાનું શિક્ષણ, તેમ જ શૈશવકાળનાં પણ મુખ્ય ભાગ ભજવતાં હોય છે. મારાં બાળપણમાં મારા માને રોજ શિવ મંદિરે જતાં જોયાં છે તેમ તેમની સાથે ઘણી વખત અમે એટલે હું અને મારો ભાઈ યોગેશ જતાં. આમ શિવજી પ્રત્યેની મારી આસ્થામાં મારી માનો હાથ જરૂરથી છે. મારી યાત્રાની પાયાની ઈંટ તરીકે મારી મા નર્મદાબાને મારા ખૂબ ખૂબ નમન છે. ખરા આશીર્વાદ તો મારા સાસુ તારાબા તરફથી પ્રાપ્ત થયાં છે.
પહેલી યાત્રા વખતે તો એમણે આશીર્વાદ આપ્યાં જ હતાં. જોકે તેઓ પુષ્ટિમાર્ગીય હોવા છતાં તેમણે અમારી આ યાત્રા માટે કદી વિરોધ કર્યો ન હતો. 2000ની સાલમાં ગવર્મેંટની યાત્રામાં જ્યારે અમારો નંબર આવ્યો ત્યારે એમણે મને કહ્યું ‘નીલા જા હવે તમારી યાત્રાની તૈયારી કર તમારો નંબર આવ્યો છે.’ એમનાં આ શબ્દે મારી યાત્રા સફળ થઈ અને મારી જિંદગી પ્રત્યેની દૃષ્ટિ બદલાઈ ગઈ. ખરેખર વડીલોનાં આશીર્વાદ જિંદગીમાં મોટોભાગ ભજવે છે.
ઈ.સ. 1996મા જ્યારે આ યાત્રા કરી ત્યારે કૈલાસ વિષે કોઈપણ પ્રકારની માહિતી ન હતી. 1993માં અમારા ફેમીલી ફ્રેંડ તેમજ અમારા ઈંકમટેક્ષ ઍડવાઈઝર શ્રી. બચુભાઈ પ્રજાપતિએ આ યાત્રા કરી હતી. તેમણે અમને આ યાત્રા વિષે ખૂબ સુંદર માહિતી આપી હતી. મોટા દિકરા કવનનાં લગ્ન બાદ વિચાર કર્યો અને ફેબ્રુ.માં ગવર્મેંટ તરફથી જતી આ યાત્રા માટે ઍપ્લિકેશન કરી અને મંજૂરી પણ આવી ગઈ. 35 જણાનાં અમારા ત્રીજા બૅચના અમારા કાફલામાં અમે 8 જણાં તો મુંબઈનાં જ હતાં. આમ જોવા જાય તો મુંબઈની પ્રજા સાહસિક તો ખરી જ ! હરવા ફરવાનું હોય કે યાત્રા આમચી મુંબઈના લોકો આગળ હોય છે. બારડોલી, સુરત, સોનગઢ,કચ્છ, ચેન્નાઈ,દિલ્હી વગેરે આપણા દેશનાં અનેક ખૂણેથી અમે યાત્રીઓ ભેગાં થયાં હતાં. એમાં ઘણી બહેનોએ એકલા આવવાની હિંમત કરી હતી. ઘણા ભાઈઓ એકલા હતાં અને થોડા કપલ [અમારા જેવા] હતાં. અમારા લાઈઝન ઑફીસર Sp. Director of C.B.I., Sp. D.G.C.R.P.F. શ્રી. ડી. એ. કર્તિકેયન સાહેબ હતા અને સાથે તેમની દીકરી પણ હતી. 32 દિવસની અમારી આ યાત્રા ખૂબ જ યાદગાર હતી.
ફક્ત ઈંડિયન પાસપૉર્ટ ધરાવતી વ્યક્તિઓ ગવર્મેંટ તરફથી જતી આ યાત્રા માટે ઍપ્લિકેશન આપી શકે. 1996ની સાલમાં અમારી આ યાત્રા 32 દિવસની હતી પરંતુ 2000ની સાલથી આ યાત્રા 27 દિવસની થઈ. રૂપિયા 1,000નો ડ્રાફ્ટ ‘કુમાઉ મંડળ વિકાસ મંડળ’ ના નામે કઢાવી દિલ્હી મોકલવો પડે છે. યાત્રાની શરૂઆત કરતાં 3 દિવસ અગાઉથી પહોંચવું પડે છે. પ્રથમ દિવસે યાત્રીઓ સાથે ઓળખ વિધી પતાવ્યા બાદ મૅડિકલ ચેકપ કરાવવું પડે છે. આ રિપૉર્ટમાંથી પસાર થયા બાદ જ આ યાત્રા કરી શકાય છે. બીજે દિવસે વિદેશી ચલણ અને અને વિઝા લેવામાં આવે છે. ત્રીજે દિવસે રહી ગયેલા સામાનની ખરીદી. એ સમયે કૈલાસ, માનસરોવર્ની પરિક્રમા દરમિયાન યાત્રીઓએ જાતે રાંધવું પડતું હતું. મેં પણ માનસરોવર પર અમારા યાત્રીઓ માટે બે દિવસ ભોજન બનાવ્યું હતું. કયો સામાન લઈ જવો, કેટલો સામાન લઈ જવો એ જણાવતી પુસ્તિકા govt. તરફથી મોકલવામાં આવે છે. આમ અમે 20 જૂન 1996ના રોજ અમે આ યાત્રાએ જવા તૈયાર થયા. જીવનનો અતિ અમૂલ્ય અવસર મ્હાલવા તૈયાર થયા.
No comments:
Post a Comment