Well come My friends to my Page

Wednesday, June 12, 2013

Vibhuti Pada योग सूत्र विभूति पद 1 to 55

Vibhuti Pada : Verse 01 - 05

०१. देशबन्धश्चित्तस्य धारणा ।
ચિત્તની વૃત્તિને બહારના અથવા તો શરીરની અંદરના કોઇપણ દેશ અથવા પદાર્થમાં જોડી દેવાની ક્રિયાને ધારણા કહે છે.
ભ્રમરમધ્ય, કોઇપણ ચક્રનું સ્થાન, હૃદયકમલ ને એવા બીજા પ્રદેશ શરીરની અંદરના દેશ કહેવાય છે. તેવી રીતે કોઇ છબી, મૂર્તિ, સૂર્ય, ચંદ્ર કે એવા બીજા બહારના પદાર્થ બહારના દેશ કહેવાય છે. તેમાંથી કોઇપણ એક દેશમાં ચિત્તની વૃત્તિને લગાવી શકાય છે.
*
०२. तत्र प्रत्ययैकतानता ध्यानम् ।
જે વસ્તુમાં ચિત્તને લગાડવામાં આવે તેમાં તે એકતાન બનીને વહેવા માંડે, તેના વિના ચિત્તની વૃત્તિ બીજે ક્યાંય જાય નહિ, તેને ધ્યાન કહે છે.
એ જ વાતને બીજા શબ્દોમાં કહેવી હોય તો કહી શકાય કે ધ્યાન એટલે ચિત્તવૃત્તિનો ધ્યેય પદાર્થની અંદર વહેનારો એકાગ્ર ને સતત પ્રવાહ.
*
०३. तद् एवार्थमात्रनिर्भासं स्वरूपशून्यम् इव समाधिः ।
ધ્યાન કરતાં કરતાં ચિત્ત જ્યારે ધ્યેય પદાર્થમાં ડૂબી જાય છે, પોતાના સ્વરૂપને તદ્દન ભૂલી જાય છે, ને કેવલ ધ્યેયની જ સત્તા શેષ રહે છે અથવા તો ધ્યાતા, ધ્યાન ને ધ્યેયની ત્રિપૂટી જ્યારે એક થઇ જાય છે, ત્યારે સમાધિ થઇ એમ કહેવાય છે.
*
०४. त्रयम् एकत्र संयमः ।
ત્રણે એકત્ર થાય અથવા કોઇ એક ધ્યેય પદાર્થમાં એ ત્રણેનો પ્રયોગ કરવામાં આવે, ત્યારે તેને સંયમના સંયુક્ત નામે ઓળખવામાં આવે છે.
*
०५. तज्जयात् प्रज्ञाऽऽलोकः ।
સાધક જ્યારે સંયમ પર વિજય મેળવી લે અથવા તો જે વસ્તુમાં સંયમ કરવા માંગે તેમાં સંયમ કરવાની સહજ શક્તિ મેળવી લે, ત્યારે તેની બુદ્ધિ અલૌકિક પ્રકાશથી પ્રકાશિત બની જાય છે.

Vibhuti Pada : Verse 06 - 10

०६. तस्य भूमिषु विनियोगः ।
એ સંયમનો વિનિયોગ જુદી જુદી ભૂમિઓમાં ક્રમવાર કરવો જોઇએ.
પહેલાં સ્થૂલ વિષયોમાં સંયમ કરતા શીખવું જોઇએ. પછી સૂક્ષ્મ વિષયોમાં સંયમ કરવો જોઇએ. એ પ્રમાણે સંયમની સાધનામાં ક્રમેક્રમે આગળ વધવું જોઇએ.
*
०७. त्रयम् अन्तरङ्गं पूर्वेभ्यः ।
પહેલાં કહેવામાં આવેલાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ ને પ્રત્યાહાર એ પાંચ અંગો કરતાં આ છેલ્લાં ત્રણ અંગો (ધારણા, ધ્યાન ને સમાધિ) વધારે મહત્વનાં અને અંતરંગ ગણાય છે. યોગની સિદ્ધિ અથવા કૈવલ્યદશાની સાથે તેને નજીકનો સંબંધ છે.
*
०८. तद् अपि बहिरङ्गं निर्बीजस्य ।
પરંતુ તે ત્રણ અંગો નિર્બીજ સમાધિનાં તો બહિરંગ સાધનો જ છે. પરવૈરાગ્યની દૃઢતા થતાં સમાધિપ્રજ્ઞાના સંસ્કારોનો પણ નિરોધ થઇ જાય, ત્યારે નિર્બીજ સમાધિની સિદ્ધિ થઇ શકે છે. એટલે સૌથી મહત્વનું કે મૂલ્યવાન અંતરંગ સાધન તો નિર્બીજ સમાધિ જ છે.
*
०९. व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः।
વ્યુત્થાન દશાના સંસ્કારો દબાઇ જાય ને નિરોધ દશાના સંસ્કારો પ્રકટ થઇ જાય, તે નિરોધકાળે સંસ્કારથી ભરેલા ચિત્તનું નિરોધ પરિણામ છે.
નિરોધ દશામાં ચિત્તની સંપૂર્ણ વૃત્તિનો નિરોધ થઇ જાય છે પણ ચિત્તના સંસ્કારોનો નાશ થતો નથી. એ વખતે કેવલ સંસ્કારો કાયમ રહે છે. તેથી નિરોધ દશામાં ચિત્તમાં વ્યુત્થાન ને નિરોધ બંને પ્રકારના સંસ્કારો આવેલા હોય છે. તે નિરોધ દશામાં વ્યુત્થાનના સંસ્કારો દબાઇ જાય છે, ને નિરોધ સંસ્કારો પ્રકટ થાય છે, તેને સંસ્કારમય ચિત્તનું વ્યુત્થાન ધર્મમાંથી નિરોધ ધર્મમાં પરિણત થનારું નિરોધ પરિણામ કહેવાય છે.
*
१०. तस्य प्रशान्तवाहिता संस्कारात् ।
સંસ્કાર બલથી જ્યારે વ્યુત્થાન દશાના સંસ્કાર બિલકુલ દબાઇ જાય છે, ને નિરોધના સંસ્કાર જામી જાય છે, ત્યારે ચિત્તમાં કેવળ નિરોધ સંસ્કારોનો પ્રવાહ ચાલ્યા કરે છે. તે નિરુદ્ધ ચિત્તનું અવસ્થા-પરિણામ છે.

Vibhuti Pada : Verse 11 - 15

११. सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः ।
સર્વે પ્રકારના વિષયોનું ચિંતન કરનારી વૃત્તિનો ક્ષય થઇ જાય, ને કોઇ એક જ ધ્યેય પદાર્થનું ચિંતન કરનારી એકાગ્રતાનો ઉદય થઇ જાય, તે ચિત્તનું વિક્ષિપ્ત દશામાંથી એકાગ્ર દશામાં પરિણત થવારૂપ સમાધિ-પરિણામ છે.
*
१२. ततः पुनः शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः ।
તે પછી ફરી જ્યારે શાંત થનારી ને ઉદય પામનારી બંને વૃત્તિઓ એક થઇ જાય, ને બંને વચ્ચેનો ભેદ મટી જાય, ત્યારે તે ચિત્તનું એકાગ્રતા પરિણામ છે.
સમાધિની દશા પરિપક્વ થતાં જ્યારે પૂર્ણ એકાગ્રતા સધાય છે, ત્યારે શાંત થનારી ને ઉદય પામનારી વૃત્તિ શમી જાય છે.
*
१३. एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ।
પહેલાંના નવમા ને દસમા સૂત્રમાં નિરોધ સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ પરિણામ, લક્ષ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે, તથા અગિયારમા ને બારમા બે સૂત્રોમાં સંપ્રજ્ઞાત સમાધિ વખતે થનારા ચિત્તના ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ ને અવસ્થા પરિણામનું વર્ણન કરવામાં આવ્યું છે. એટલે એ બધાથી પંચમહાભૂત ને બધી ઇન્દ્રિયોમાં થનારાં ધર્મ પરિણામ, લક્ષણ પરિણામ ને અવસ્થા પરિણામની વ્યાખ્યા થઇ ગઇ.
૧) ધર્મ પરિણામ - કોઇ ધર્મીમાં એક ધર્મનો લય થઇને જ્યારે બીજા ધર્મનો ઉદય થાય, ત્યારે તેને ધર્મ પરિણામ કહેવામાં આવે છે. નવમા સૂત્રમાં ચિત્તરૂપી ધર્મીના વ્યુત્થાન સંસ્કારરૂપી ધર્મનું દબાઇ જવું ને નિરોધ સંસ્કારરૂપી ધર્મનું પ્રકટ થવું કહીને આ જ પરિણામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અગિયારમા સૂત્રના સંબંધમાં પણ એવું જ સમજવાનું છે. તેમાં સર્વાર્થતારૂપી ધર્મનો ક્ષય ને એકાગ્રતારૂપી ધર્મનો ઉદય બતાવવામાં આવ્યો છે. તે પ્રમાણે સંસારના બધા જ પદાર્થોનું સમજી લેવાનું છે. માટીમાં પિંડરૂપ ધર્મનો ક્ષય અને ઘડારૂપ ધર્મનો ઉદય થાય છે, પછી ઘડારૂપી ધર્મનો ક્ષય ને ઠીકરીરૂપી ધર્મનો ઉદય થાય છે. તેવી રીતે બીજી વસ્તુનું સમજી લેવાય.
ર) લક્ષણ પરિણામ - લક્ષણ પરિણામ પણ ધર્મ પરિણામની સાથે થઇ જાય છે. વર્તમાન ધર્મનો નાશ થાય તે તેનું અતીત લક્ષણ પરિણામ છે. અનાગત ધર્મનું પ્રકટ થવું તે તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે, ને પ્રકટ થતાં પહેલાં તે અનાગત લક્ષણથી યુક્ત હોય છે. તે ત્રણે ધર્મનાં લક્ષણ પરિણામ છે.
અગિયારમા સૂત્રમાં ચિત્તના સર્વાર્થતા ધર્મના ક્ષયની વાત કહી છે, તે તેનું અતીત લક્ષણ પરિણામ છે. વળી એકાગ્રતારૂપ ધર્મના ઉદયની વાત પણ તે સૂત્રમાં કહેવામાં આવી છે. તે તેનું વર્તમાન લક્ષણ પરિણામ છે. ઉદય થયા પહેલા તે અનાગત લક્ષણ પરિણામમાં હતો. બીજી વસ્તુ વિશે પણ એમ જ સમજી લેવાનું છે.
3) અવસ્થા પરિણામ - વર્તમાન લક્ષણયુક્ત ધર્મમાં નવીનતાને બદલે પ્રાચીનતા આવતી જાય છે. તેમાં ક્ષણે ક્ષણે ફેરફાર થયા કરે છે, ને છેવટે તે વર્તમાન લક્ષણને છોડીને અતીત લક્ષણમાં પ્રવેશ કરે છે. તે લક્ષણનું અવસ્થા પરિણામ છે. અગિયારમા સૂત્ર પ્રમાણે, ચિત્તરૂપી ધર્મીનો વર્તમાન લક્ષણવાળો સર્વાર્થતારૂપી ધર્મ દબાઇ જઇને અતીત લક્ષણને પ્રાપ્ત થાય છે. તે વખતે વર્તમાનકાળમાં તેનો દબાઇ જવાનો જે ક્રમ છે, તે તેનું અવસ્થા પરિણામ છે. તે ઉપરાંત, એકાગ્રતારૂપી ધર્મ અનાગત લક્ષણથી વર્તમાન લક્ષણમાં આવે છે. તે વખતે તેનો ઉદય થવાનો ક્રમ પણ અવસ્થા પરિણામ કહેવાય છે. એ રીતે એ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં થતું પરિવર્તન જ અવસ્થા પરિણામ કહેવાય છે. આ અવસ્થા પરિણામ કાયમ થયા જ કરે છે. પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી કોઇયે વસ્તુ એક અવસ્થામાં રહેતી નથી. બાલ્યાવસ્થાથી યુવાવસ્થા ને છેવટે વૃદ્ધાવસ્થારૂપી અવસ્થા પરિણામ એકસામટું નથી થતું. પ્રતિક્ષણે તેમાં પ્રગતિ થયા જ કરે છે. પણ તેનું ભાન છેવટે થાય છે.
ધર્મપરિણામમાં ધર્મીના ધર્મનું પરિવર્તન થાય છે. લક્ષણ પરિણામમાં પહેલાંનો ધર્મ અદૃશ્ય થઇ જાય છે, ને નવો ધર્મ પ્રકટે છે. એ રીતે ધર્મનું લક્ષણ બદલાય છે ને અવસ્થા પરિણામમાં ધર્મની અવસ્થા બદલાય છે. ત્રણે પરિણામ ઉત્તરોત્તર એકમેકથી સૂક્ષ્મ છે.
*
१४. शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ।
ભૂત, વર્તમાન ને ભવિષ્યમાં થનારા ધર્મોમાં જે આધારરૂપે અસ્તિત્વ ધરાવે છે તે ધર્મી છે.
પદાર્થમાં રહેનારી શક્તિઓ ધર્મ કહેવાય છે, ને જેના આધારે તે રહે છે તે પદાર્થનું નામ ધર્મી છે. મતલબ કે કોઇ પદાર્થમાંથી જે કાંઇ બની ગયું હોય, જે બની રહ્યું હોય, ને બનવાને સંભવ હોય, તે તે પદાર્થનો ધર્મ કહેવાય છે. એક પદાર્થમાં તેવા ધર્મ અનેક રહે છે, ને જુદાજુદા કારણથી ઉત્પન્ન તેમ જ શાંત થયા કરે છે. તેના ત્રણ ભેદ આ સૂત્રમાં કહેલા છે.
૧) જે ધર્મ પોતાનું કામ પૂરું કરીને પોતાના ધર્મીમાં મળી જાય છે તે શાંત, ભૂત કે અતીત કહેવાય છે. જેમ કે બરફનું ઓગળીને પાણીમાં એકરસ થઇ જવું, અથવા તો માટીના વાસણનું માટીમય થઇ જવું.
ર) ઘર્મ ધર્મીની અંદર મૂળરૂપે રહેલા જ હોય છે. તે પ્રકટ થાય છે ને કામ કરે છે, ત્યારે વર્તમાન કે ઉદિત કહેવાય છે. બરફ પોતાના વર્તમાન સ્વરૂપમાં પ્રકટ થતાં પહેલાં પાણીમાં શક્તિરૂપે હાજર હોય છે જ.
3) જે ધર્મ હજી પ્રકટ નથી થયા, પરંતુ ધર્મીની અંદર શક્તિરૂપે રહેલા છે તે અવ્યપદેશ્ય અથવા ભવિષ્યમાં પ્રકટ થનારા કહેવાય છે. પાણીની અંદર બરફ રહેલો છે તે પરથી આ વાત સમજી શકાય છે.
*
१५.  क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ।
એક પદાર્થનું પરિણામ એક ક્રમથી જે આવે છે, તેનાં કરતાં બીજા ક્રમથી જુદું જ આવે છે. ત્રીજા ક્રમથી વળી તેથી પણ જુદું પરિણામ આવે છે. પરિણામની ભિન્નતાનો આધાર એ પ્રમાણે ક્રમની ભિન્નતા પર રહે છે.
રૂમાંથી વસ્ત્ર બનાવવાની વાતનો વિચાર કરો. તે માટે જુદા જ ક્રમમાંથી પસાર થવું પડે છે. પરંતુ રૂમાંથી જો દિવેટ ને દોરી બનાવવી હોય તો તેનો કાર્યક્રમ જુદો જ હોય છે. એ પ્રમાણે ક્રમમાં ફેરફાર કરવાથી એક જ ધર્મી વિવિધ નામરૂપથી સંપન્ન બની જાય છે. ક્રમની ભિન્નતાથી પરિણામ ભિન્ન થાય છે તે વાત એક બીજા કારણથી પણ સમજી શકાય છે - ઠંડીને લીધે પાણીમાં બરફરૂપી ધર્મ ઉત્પન્ન થાય છે, પણ ગરમીના સંબંધથી તેમાં વરાળ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે.

Vibhuti Pada : Verse 16 - 20

१६. परिणामत्रयसंयमाद् अतीतानागतज्ञानम् ।
તે ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી ભૂત તથા ભવિષ્યનું જ્ઞાન થઇ જાય છે.
ત્રણે પરિણામોમાં ધારણા, ધ્યાન ને સમાધિ કરવી તેને સંયમ કહે છે. ત્રણે પરિણામોમાં સંયમ કરવાથી યોગી કોઇપણ વસ્તુનું મૂળ કારણ જાણી શકે છે, વર્તમાન દશાના તેના રહસ્યને પણ સમજી શકે છે ને ભવિષ્યમાં વિવિધ પ્રકારનાં પરિવર્તનોમાંથી પસાર થઇને તેના નક્કી થનારા સ્વરૂપનું જ્ઞાન પણ મેળવી શકે છે.
*
१७. शब्दार्थप्रत्ययानाम्  इतरेतराध्यासात् संकरः तत्प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम् ।
શબ્દ, અર્થ ને જ્ઞાન એ ત્રણેનું એકમાં બીજાનો અધ્યાસ થવાને લીધે મિશ્રણ થઇ ગયું છે. તે ત્રણેના વિભાગમાં સંયમ કરવાથી સઘળાં પ્રાણીની વાણીનું જ્ઞાન થઇ જાય છે.
વિભૂતિની પ્રાપ્તિનું રહસ્ય જે અનુભવી યોગી હોય તે જ સમજી શકે છે. વિભૂતિની આખીયે વાત અનુભવગમ્ય છે. બુદ્ધિ કે તર્ક દ્વારા તેનો સાચો ઉકેલ કદી પણ પ્રાપ્ત ના થઇ શકે.
*
१८. संस्कारसाक्षत्करणात् पूर्वजातिज्ञानम् ।
તન, મન ને ઇન્દ્રિયોથી જે કાંઇ કર્મ કરવામાં આવે કે અનુભવવામાં આવે, તેના સંસ્કાર અંતઃકરણમાં એકઠા થાય છે. તે સંસ્કાર બે જાતના હોય છે. એક તો વાસનારૂપ ને બીજા ધર્માધર્મરૂપ. એક સ્મૃતિના ને બીજા આયુ તથા ભોગના કારણરૂપ હોય છે. જન્મજન્માંતરથી એ સંસ્કાર એકઠા થયા કરે છે. તેમાં સંયમ કરવાથી યોગીને પૂર્વજન્મનું જ્ઞાન થઇ શકે છે. તે રીતે યોગી બીજાનો પૂર્વજન્મ પણ જાણી શકે છે.
*
१९. प्रत्ययस्य परचित्तज्ञानम् ।
ચિત્ત પર સંયમ કરી લેવાથી બીજાના ચિત્તનું જ્ઞાન થઇ શકે છે.
*
२०. न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् ।
ચિત્ત પર સંયમ કરવાથી યોગીને બીજાના ચિત્તનું જ્ઞાન થાય છે. પરંતુ તે જ્ઞાન આલંબન સહિત ચિત્તનું નથી હોતું. એટલે કે બીજાનું ચિત્ત જે વિષયનું ચિંતન કરે છે, તેનું જ્ઞાન નથી થતું. કેમ કે યોગીના ચિત્તનો વિષય બીજાનું ચિત્ત છે, તેનું આલંબન નથી. તેનો અર્થ એમ નથી કે બીજાનું ચિત્ત જે વિષયનું ચિંતન કરે છે, તે વિષયનું જ્ઞાન યોગીને નથી થતું. તેનો સંકલ્પ કરી, તેના પર સંયમ કરવાથી તેને તેનું જ્ઞાન પણ થઇ શકે છે.

Vibhuti Pada : Verse 21 - 25

२१. कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम् ।
પોતાના શરીરના રૂપમાં સંયમ કરી લેવાથી યોગી બીજાની નજરે પડનારા શરીરના બાહ્યરૂપનો અવરોધ કરી શકે છે. ત્યારે બીજાની આંખના પ્રકાશ સાથે તેના શરીરનો સંબંધ નથી થતો. એટલે યોગી અંતર્ધાન થઇ શકે છે.
*
२२. एतेन शब्दाद्यन्तर्धानमुक्तम् सोपक्रमं निरुपक्रमं च कर्म । तत्संयमाद् अपरान्तज्ञानम्, अरिष्टेभ्यो वा ।
માણસનું આયુષ્ય બે પ્રકારનાં કર્મો પર આધાર રાખે છે. એક તો સોપક્રમ ને બીજાં નિરૂપક્રમ કર્મ. જેમનું ફલ આપવાનું કામ શરૂ થઇ ગયું છે તે સોપક્રમ કર્મ કહેવાય છે, ને જે કર્મોએ ફલ આપવાની શરૂઆત નથી કરી તે નિરૂપક્રમ કર્મો કહેવાય છે. તે બંને પ્રકારનાં કર્મો પર સંયમ કરવાથી યોગીને મૃત્યુનું જ્ઞાન થઇ શકે છે. તે ઉપરાંત, અરિષ્ટો અથવા ખરાબ ચિહ્નોથી પણ મૃત્યુનું જ્ઞાન થઇ શકે છે.
*
२३. मैत्र्यादिषु बलानि ।
મૈત્રી જેવી ભાવનાઓમાં સંયમ કરવાથી તે તે ભાવનાઓને અનુરૂપ શક્તિ મળે છે.
મૈત્રી, કરુણા ને મુદિતા - ત્રણ ભાવનાઓનો ઉલ્લેખ આગળ પર આવી ગયો છે. તે પ્રમાણે સુખી મનુષ્યોમાં મિત્રતાની ભાવના કરવાની છે. તેવી ભાવનાના સંયમથી યોગી સૌનો મિત્ર બની સૌને સુખ પહોંચાડવાની શક્તિમાં પ્રવીણતા મેળવે છે. દુઃખી મનુષ્યોમાં કરુણાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગીનો સ્વભાવ ખૂબ જ દયાળુ ને કોમળ થઇ જાય છે, ને તેનામાં બીજા જીવોનાં દુઃખ દૂર કરવાની શક્તિ આવે છે. પુણ્યશાળી પુરુષોમાં મુદિતાની ભાવના કરવાથી ને તેનો સંયમ સાધવાથી યોગી રાગદ્વેષથી પર થઇને સદાને માટે પ્રસન્ન બની જાય છે. કોઇયે સંજોગોમાં તેને ભય કે શોક થતો નથી. બીજાને પણ તે પ્રસન્ન કરી શકે છે.
*
२४. बलेषु हस्तिबलादीनि ।
જુદાંજુદાં બલોમાં સંયમ કરવાથી હાથીના બલ જેવા બીજાં બલ પ્રાપ્ત થાય છે.
હાથીના બલમાં સંયમ કરવાથી હાથી જેવું ને તે પ્રમાણે જેના જેના બલમાં સંયમ કરવામાં આવે તેના જેવું બલ યોગીને પ્રાપ્ત થઇ શકે છે.
*
२५. प्रवृत्त्यालोकन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टज्ञानम् ।
કેટલાક પદાર્થોનું જ્ઞાન સાધારણ માણસને થઇ શકતું નથી. જે પદાર્થ અત્યંત સૂક્ષ્મ હોય તેનું દર્શન તેને માટે મુશ્કેલ થઇ પડે છે. એવા પદાર્થોમાં જીવાત્મા, ચક્રો, કુંડલિની, પરમાણુ વગેરેનો સમાવેશ થાય છે. બીજા પ્રકારના પદાર્થ વ્યવહિત એટલે કે છુપાયેલા અથવા ગુહ્ય પદાર્થ કહેવાય છે. ભૂગર્ભમાં ધન, સમુદ્રમાં મોતી વગેરે તેવા પદાર્થો છે. તેમનું દર્શન પણ સાધારણ માણસને માટે શક્ય નથી. ત્રીજી જાતના પદાર્થો વિપ્રકૃષ્ટ અથવા તો દૂર પડેલા કહેવાય છે. માણસ ભારતના એક વિભાગમાં હોય ને પદાર્થ કોઇ બીજા જ પ્રદેશમાં હોય અથવા માણસ ભારતમાં ને પદાર્થ ભારતની બહાર હોય તેવા પદાર્થનું દર્શન તે નથી કરી શકતો. પરંતુ યોગીને તેવા પદાર્થનું જ્ઞાન થઇ શકે છે.
જ્યોતિષ્મતી પ્રવૃત્તિના અલૌકિક પ્રકાશ દ્વારા યોગી તેવા પદાર્થોને ધારે ત્યારે જોઇ શકે છે.

Vibhuti Pada : Verse 26 - 30

२६. भुवनज्ञानं सूर्ये संयमात् ।
પુરાણોમાં ચૌદ પ્રકારના લોકનું વર્ણન કરેલું છે. તેમાંથી એક પૃથ્વી કે ભૂલોક કહેવાય છે. એ બધા જ લોકલોકાંતરનું જ્ઞાન સૂર્યની અંદર સંયમ કરવાથી થઇ શકે છે.
*
२७. चन्द्रे ताराव्यूहज्ञानम् ।
ચંદ્રમાની અંદર સંયમ કરવાથી તારાના વ્યૂહનું અથવા તારામંડળના સ્થાનનું પરિપૂર્ણ જ્ઞાન થઇ જાય છે.
*
२८. ध्रुवे तद्गतिज्ञानम् ।
ધ્રુવ તારો અચલ ગણાય છે. બીજા બધા જ તારાની ગતિનો તેની સાથે ગાઢ સંબંધ છે. તેથી ધ્રુવતારામાં સંયમ કરવાથી બધા જ તારાની ગતિનું જ્ઞાન થઇ શકે છે. કયો તારો કયા નક્ષત્ર કે કઇ રાશિ પર કયે વખતે આવશે તેની માહિતી મળી રહે છે.
*
२९. नाभिचक्रे कायव्यूहज्ञानम् ।
નાભિચક્રમાં શરીરની સઘળીયે નાડી એકત્ર થઇને રહેલી છે. તે ચક્રમાં સંયમ કરવાથી શરીરના વ્યૂહનું જ્ઞાન થઇ જાય છે. શરીરની અંદરની વ્યવસ્થાનું યોગીને ભાન થાય છે.
*
३०. कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ।
કંઠકૂપમાં સંયમ કરવાથી ભૂખ ને તરસની નિવૃત્તિ થઇ જાય છે.
જીભની નીચે એક તંતુ છે. તેને જીહ્વામૂળ કહે છે. તેની નીચે કંઠ ને નીચે ખાડા જેવું છે. તે કંઠકૂપની સાથે પ્રાણવાયુ અથડાયા કરે છે. તેથી ભૂખ તરસ લાગે છે. તેમાં સંયમ કરવાથી ભૂખ તરસ મટી જાય છે.

Vibhuti Pada : Verse 31 - 35

३१. कूर्मनाड्यां स्थैर्यम् ।
ઉપરના સૂત્રમાં કહેલા કૂપની એક કાચબાના આકારની નાડી છે. તેમાં સંયમ કરવાથી સ્થિરતાની પ્રાપ્તિ થાય છે.
*
३२. मूर्धज्योतिषि सिद्धदर्शनम् ।
મસ્તકમાં જે જ્યોતિ છે તેમાં સંયમ કરવાથી સંસારમાં વસનારા ને વિચરનારા પ્રકટ ને અપ્રકટ સિદ્ધ પુરુષોનાં દર્શન થઇ શકે છે.
*
३३. प्रातिभाद् वा सर्वम् ।
પ્રાતિભ જ્ઞાન વિવેકજનિત જ્ઞાનનું પૂર્વરૂપ છે. તેની પ્રાપ્તિથી કોઇ ખાસ પ્રકારના સંયમ વિના જ, યોગી બધી વાતોને જાણી લે છે.
*
३४. हृदये चित्तसंवित् ।
હૃદયકમળમાં ચિત્તનું સ્થાન છે. તેમાં સંયમ કરવાથી વૃત્તિઓ સાથે ચિત્તનું જ્ઞાન થઇ જાય છે. અથવા તો ચિત્તના સ્વરૂપનું જ્ઞાન થઇ જાય છે.
*
३५. सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगः परार्थत्वात् स्वार्थसंयमात् पुरुषज्ञानम् ।
સત્વ એટલે બુદ્ધિ તેમ જ પુરુષ બંને તદ્દન જુદાં જુદાં છે કેમ કે બુદ્ધિ જડ, પરિણામશીલ, ભોગ્ય ને ચંચલ છે; ને પુરુષ ચેતન, અપરિણામી, ભોક્તા ને અસંગ છે. છતાં અજ્ઞાનને લીધે તે બંનેની એકતા લાગે છે. તેથી બંનેનું અલગ અલગ જ્ઞાન નથી થતું. તે દશામાં ચિત્તના સુખ-દુઃખ, રાગ-દ્વેષ ને મોહ જેવા ધર્મોનું આરોપણ અજ્ઞાની માણસ ચિત્તમાં પ્રતિબિંબિત ચૈતન્ય પુરુષમાં કરે છે. એ અભેદની પ્રતીતિને ભોગ કહેવામાં આવે છે. એ અભેદવૃત્તિ જોકે ચિત્તનો ધર્મ છે, પરંતુ સાચા અર્થમાં પુરુષને માટે જ છે. માટે પરાર્થ કહેવાય છે. આ ભોગમય વૃત્તિથી જુદી એવી પુરુષની જે સ્વરૂપવિષયક વૃત્તિ પ્રકટે છે તે સ્વાર્થ કહેવાય છે. કેમ કે તે પુરુષને માટે જ છે. તે સ્વાર્થવૃત્તિમાં સંયમ કરવાથી પુરુષનું જ્ઞાન થઇ શકે છે. બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા પુરુષના ચેતનરૂપને તેવા સંયમથી જાણી શકાય છે.

Vibhuti Pada : Verse 36 - 40

३६. ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ।
તે સ્વાર્થસંયમથી છ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે -
૧. પ્રાતિભ, ર. શ્રવણ, 3. વેદન, ૪. આદર્શ, ૫. આસ્વાદ ને ૬. વાર્તા.
૧) પ્રાતિભ સિદ્ધિથી ભૂત, ભાવિ ને વર્તમાનનું જ્ઞાન થઇ જાય છે, તથા ગુપ્ત કે દૂર દેશમાં પડેલી વસ્તુ જોઇ શકાય છે.
ર) શ્રવણ સિદ્ધિથી દિવ્ય શબ્દ સાંભળી શકાય છે.
3) વેદન સિદ્ધિથી દિવ્ય સ્પર્શનો અનુભવ થાય છે.
૪) આદર્શ સિદ્ધિથી દિવ્ય રૂપનું દર્શન થાય છે.
૫) આસ્વાદ સિદ્ધિથી દિવ્ય રસનો અનુભવ થઇ શકે છે.
૬) વાર્તા સિદ્ધિથી દિવ્ય ગંધનો અનુભવ થાય છે.
*
३७. ते समाधाव् उपसर्गा व्युत्थाने सिद्धयः ।
તે સિદ્ધિઓ સમાધિની દશામાં પુરુષનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વિઘ્નરૂપ કહેવાય છે. વ્યુત્થાન દશામાં તે સિદ્ધિઓ કહેવાય છે.
*
३८. बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच् च चित्तस्य परशरीरावेशः ।
કર્મસંસ્કાર ચિત્તના બંધનનું કારણ છે. તેનું ફળ ભોગવવા માટે જ ચિત્તને કોઇ ને કોઇ શરીરની અંદર બંધાવું પડે છે. તે બંધનના કારણરૂપ કર્મસંસ્કારોને યોગાભ્યાસ અથવા સમાધિ દ્વારા શિથિલ કરીને ચિત્તને નિર્મળ કરી શકાય છે. તે ઉપરાંત ચિત્તની ગતિનું જ્ઞાન પણ થઇ શકે છે. તેમ થવાથી યોગીની અંદર એવી શક્તિ આવી જાય છે કે પોતાના ચિત્તને શરીરની બહાર કાઢીને તે બીજાના મરેલા કે જીવતા શરીરના અંદર પ્રવેશ કરી શકે છે. ચિત્તની સાથે સાથે ઇન્દ્રિયો પણ આપોઆપ ચાલી જાય છે.
*
३९. उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ।
ઉદાનવાયુનો વિજય કરવાથી યોગી જલ, કાદવકીચડ, કંટકાદિથી અસંગ રહી શકે છે. તે વસ્તુઓ પરથી સહેલાઇથી તે પસાર થઇ શકે છે. તેનું શરીર તે વસ્તુઓને અડતું નથી, ને તેની ઉર્ધ્વગતિ પણ થઇ શકે છે. તેનું શરીર રૂ જેવું હલકું થઇ જાય છે. એટલે તે ઉપર પણ ઉઠી શકે છે. જમીનથી ઉપર સ્થિતિ કરી અથવા ચાલી શકે છે.
પ્રાણ જીવનનો આધાર છે. તેનાં પાંચ ભેદ છે: પ્રાણ, અપાન, વ્યાન, સમાન ને ઉદાન.
૧) પ્રાણ - પ્રાણ સૌમાં મુખ્ય છે. મુખ ને નાક દ્વારા તેની ગતિ થાય છે. નાકના અગ્રભાગથી હૃદય સુધી તેનો પ્રદેશ ગણાય છે.
ર) અપાન - અપાન નીચેના ભાગમાં ગમન કરે છે. નાભિપ્રદેશથી માંડી પગનાં તળિયાં સુધી તેનો પ્રદેશ છે. મળ, મૂત્ર તથા ગર્ભ તેના જ વેગથી નીચે ઉતરે છે કે બહાર નીકળે છે.
3) વ્યાન - વ્યાન આખા શરીરમાં વ્યાપ્ત થઇને ફરે છે.
૪) ઉદાન - ઉદાન ઉપરના ભાગ તરફ ગમન કરે છે. તેનું મુખ્ય મથક કંઠ છે. મસ્તક તરફ તેની ગતિ છે. મૃત્યુ વખતે સૂક્ષ્મ શરીર તેના જ બળથી શરીરની બહાર નીકળી જાય છે.
૫) સમાન - સમાનનો પ્રદેશ હૃદયથી માંડીને નાભિ સુધીનો છે. ખાનપાનના રસને તે શરીરમાં બધે ઠેકાણે પહોંચાડી દે છે. તેની ગતિ સમ છે.
*
४०. समानजयात् प्रज्वलनम् ।
સંયમની સહાયતાથી યોગી સમાન વાયુ પર વિજય મેળવે છે, ત્યારે તેનું શરીર અગ્નિ જેવું તેજસ્વી અથવા તો અત્યંત તેજોમય બની જાય છે.

Vibhuti Pada : Verse 41 - 45

४१. श्रोत्राकाशयोः संबन्धसंयमाद् दिव्यं श्रोत्रम् ।
કાન ને આકાશના સંબંધમાં સંયમ કરવાથી યોગીને દૈવી કાનની પ્રાપ્તિ થાય છે.
કર્ણેન્દ્રિયની ઉત્પતિ અહંકારમાંથી થયેલી છે. તે આકાશની ઉત્પતિ અહંકારજનિત શબ્દતન્માત્રામાંથી થયેલી છે. એટલા માટે આકાશ, શબ્દ ને કર્ણેન્દ્રિય ત્રણેની એકતા છે. તે કાન ને આકાશના સંબંધમાં સંયમ કરવાથી યોગીની શ્રોત્રેન્દ્રિય અલૌકિક બની જાય છે. પછી તેનામાં દૂરશ્રવણની શક્તિ આવી જાય છે. એટલે કે તે દૂરના શબ્દને સાંભળી શકે છે, તેમજ અત્યંત સૂક્ષ્મ શબ્દો પણ સાંભળી શકે છે.
*
४२. कायाकाशयोः संबन्धसंयमाल् लघुतूलसमापत्तेश्चाकाशगमनम् ।
શરીર તેમજ આકાશના સંબંધમાં સંયમ કરવાથી અથવા તો રૂ જેવી હલકી વસ્તુમાં સંયમ કરવાથી યોગીમાં આકાશગમન કરવાની શક્તિ આવી જાય છે. તેનું શરીર છેક હલકું બની જાય છે, ને તે ગમે ત્યાં જઇ શકે છે.
*
४३. बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ।
મનની શરીરની બહારની સ્થિતિને વિદેહધારણા કહે છે. મન શરીરની અંદર હોય ત્યારે જો તે કેવલ ભાવના પૂરતી થાય તો કલ્પિત કહેવાય છે. પણ શરીરનો સંબંધ છોડી દઇને મન બહાર સ્થિર થાય છે, ત્યારે તે સ્થિતિ અકલ્પિત કહેવાય છે. કલ્પિત ધારણાના અભ્યાસથી અકલ્પિત ધારણાની સિદ્ધિ થાય છે. તેને મહાવિદેહા કહે છે. તેથી જ્ઞાનના આવરણનો નાશ થઇ જાય છે.
*
४४. स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः ।
પંચમહાભૂતોની દરેકની પાંચ અવસ્થા છે -
૧. સ્થૂલાવસ્થા ર. સ્વરૂપાવસ્થા ૩. સૂક્ષ્માવસ્થા ૪. અન્વયાવસ્થા પ. અર્થતત્વાવસ્થા. તે પાંચે પ્રકારની અવસ્થાઓમાં સંયમ કરવાથી યોગી પંચમહાભૂત પર વિજય મેળવી લે છે.
૧) ઇન્દ્રિયો દ્વારા પ્રત્યક્ષ અનુભવમાં આવનારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ એ પાંચ વિષય પંચમહાભૂત સ્થૂલ અવસ્થા છે.
ર) પંચ-મહાભૂતનાં લક્ષણ તેમની સ્વરૂપાવસ્થા કહેવાય છે. પૃથ્વીમાં સ્થિરતા, જળમાં પ્રવાહી કે ભીનાપણું, અગ્નિમાં ઉષ્ણતા કે પ્રકાશ, વાયુમાં કંપ કે ગતિ ને આકાશમાં અવકાશ તે દરેકની સ્વરૂપાવસ્થા છે.
3) પંચ-મહાભૂતની કારણ-અવસ્થા તેની સૂક્ષ્મ અવસ્થા કહેવાય છે. તેને તન્માત્રા કે સૂક્ષ્મ મહાભૂત પણ કહે છે. પૃથ્વીની સૂક્ષ્માવસ્થા ગંધતન્માત્રા, જલની રસતન્માત્રા, અગ્નિની રૂપતન્માત્રા, વાયુની સ્પર્શતન્માત્રા ને આકાશની શબ્દતન્માત્રા.
૪) પંચ-મહાભૂતમાં ત્રણ ગુણોનો સ્વભાવ - પ્રકાશ, ક્રિયા ને જડતા કે સ્થિતિરૂપે રહેલો છે તે તેમની અન્વયાવસ્થા છે.
પ) પંચ-મહાભૂત પુરુષના ભોગ ને મોક્ષને માટે છે. તે જ તેનો અર્થ કે તેનું પ્રયોજન છે. માટે તેને અર્થતત્વાવસ્થા કહેવામાં આવે છે.
*
४५. ततोऽणिमादिप्रादुर्भावः कायसंपत् तद्धर्मानभिघातश्च ।
એવી રીતે પંચ મહાભૂત પર વિજય મેળવવાથી અણિમાદિ અષ્ટ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે, કાયસંપતની પણ પ્રાપ્તિ થાય છે, ને પંચ મહાભૂતના ધર્મો બાધક થતા નથી. તે ધર્મો પર તેનો વિજય થઇ જાય છે.
અષ્ટ સિદ્ધિના ખ્યાલ માટે આટલી સમજ જરૂરી છેઃ-
૧) અણિમા એટલે અણુ જેવું સૂક્ષ્મ રૂપ ધારણ કરી લેવું. હનુમાનને લંકાપ્રવેશ વખતે ને શંકરાચાર્યે મંડનમિશ્રના ઘરમાં પ્રવેશ કરતી વખતે એવું સ્વરૂપ ધારણ કર્યું હતું.
ર) લઘિમા એટલે શરીરને હલકું કરી દેવું. આ સિદ્ધિને લીધે આકાશગમન કરી શકાય છે, ને પાણી, કાદવ તથા કંટકાદિ પરથી સહેલાઇથી પસાર થઇ શકાય છે.
3) મહિમા એટલે શરીરને મોટું કરી દેવું અથવા મોટું સ્વરૂપ ધારણ કરવું.
૪) ગરિમા એટલે શરીરને ભારે કરી દેવું.
પ) પ્રાપ્તિ એટલે જેની ઇચ્છા થાય તે પદાર્થ સંકલ્પમાત્રથી પ્રાપ્ત થઇ જાય તેવી શક્તિવાળી સિદ્ધિ.
૬) પ્રાકામ્ય એટલે સાંસારિક પદાર્થોની કામનાની કોઇ યે પ્રકારના અંતરાય વિના પૂર્તિ થઇ જવી.
૭) ઇશિત્વ એટલે પંચ મહાભૂત તેમ જ તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થોને ઉત્પન્ન કરવાની ને તેમના પર સત્તા ચલાવવાની શક્તિ.
૮) વશિત્વ એટલે પંચ મહાભૂત તેમ જ તેમાંથી ઉત્પન્ન થનારા પદાર્થો ને સમસ્ત સંસારનું વશ થઇ જવું.
ભૂતોના ધર્મ યોગીને બાધક થતા નથી. તેનો અર્થ એવો છે કે તેને અગ્નિ બાળી શક્તો નથી. પાણી તેને ગાળી કે ડુબાડી શકતું નથી, પૃથ્વીની અંદર પણ તે સહેલાઇથી પ્રવેશ કરી શકે છે. સ્થૂલભાવ પૃથ્વીનો ધર્મ કહેવાય છે. તે ધર્મ તેને કોઇ રીતે અંતરાયરૂપ થતો નથી.

Vibhuti Pada : Verse 46 - 50

४६. रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसंपत् ।
શરીરની શક્તિ કે સંપત્તિ કાયસંપત્ કહેવાય છે. તેમાં રૂપ, લાવણ્ય, બલ તથા વજ્ર જેવા દૃઢ સંગઠ્ઠનનો સમાવેશ થાય છે. એટલે યોગીની આકૃતિ અત્યંત સુંદર થઇ જાય છે. તે રૂપરૂપના અંબાર જેવો બની જાય છે. તેના શરીરમાં તેજ ને આકર્ષણ આવી જાય છે. તે ખૂબ બલવાન બની જાય છે, ને તેનું શરીર સુડોળ તેમ જ વજ્રના જેવું દૃઢ બની જાય છે.
*
४७. ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः ।
મન સાથેની ઇન્દ્રિયોની પાંચ અવસ્થા છે : ગ્રહણ, સ્વરૂપ, અસ્મિતા, અન્વય ને અર્થતત્વ. તે અવસ્થાઓમાં સંયમ કરવાથી યોગીનો ઇન્દ્રિયો પર સંપૂર્ણ અધિકાર થઇ જાય છે. પાંચ અવસ્થા આ પ્રમાણે -
૧) ગ્રહણ - વિષયોનો અનુભવ કરતી વખતે મન સાથે ઇન્દ્રિયોની જે વૃત્તિના આકારની અવસ્થા હોય છે, તે તેમની ગ્રહણ-અવસ્થા કહેવાય છે.
ર) સ્વરૂપ - મન ને ઇન્દ્રિયોનું સ્વાભાવિક સ્વરૂપ જે લક્ષણ અથવા સંકેતથી સમજી શકાય છે, તે તેમની લક્ષણ-અવસ્થા કહેવાય છે.
3) અસ્મિતા - મન સાથેની ઇન્દ્રિયોનું સૂક્ષ્મ રૂપ, જેને તેમની સૂક્ષ્માવસ્થા પણ કહેવામાં આવે છે, તે અસ્મિતાની અવસ્થા કહેવાય છે.
૪) આન્વય - મન તેમજ ઇન્દ્રિયોમાં વ્યાપક થઇને રહેલો ત્રણે ગુણોનો સ્વભાવ (પ્રકાશ, ક્રિયા ને સ્થિતિરૂપે) તે તેમની અન્વય-અવસ્થા કહેવાય છે.
પ) અર્થતત્વ - મન સાથેની સઘળી ઇન્દ્રિયો પુરુષના ભોગ ને મોક્ષને માટે છે તે તેમની અર્થતત્વ-અવસ્થા અથવા સાર્થકતા છે.
ઇન્દ્રિયજયનો અર્થ મન સાથેની સઘળી ઇન્દ્રિયોનો જય સમજી લેવાનો છે.
*
४८. ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ।
એવા ઇન્દ્રિયજયના પરિણામરૂપે મનના જેવી ગતિ શક્તિ, શરીર વિના પણ વિષયોનો અનુભવ કરવાની શક્તિ ને પ્રકૃતિ પર અધિકાર એવી ત્રણ જાતની સિદ્ધિ પણ મળી રહે છે. તે સિદ્ધિ આ પ્રમાણે -
૧) મનોજવિત્વ - સ્થૂલ શરીર ને ઇન્દ્રિયો સાથે મનના જેવા વેગથી એક ક્ષણમાં દૂર પહોંચી જવાની શક્તિને મનોજવિત્વ કહે છે. ગ્રહણ-અવસ્થામાં સંયમ કરવાથી તેની પ્રાપ્તિ થાય છે.
ર) વિકરણભાવ - સ્થૂલ શરીરના વિના જ દૂરના પદાર્થોને પ્રત્યક્ષ કરવાની ને પ્રાપ્ત કરવાની શક્તિને વિકરણભાવ કહેવામાં આવે છે. સ્વરૂપ અવસ્થામાં સંયમ કરવાથી તે સાંપડી શકે છે.
3) પ્રધાનજય - કાર્ય અથવા કારણરૂપે રહેલી પ્રકૃતિ પર સંપૂર્ણ અધિકાર થઇ જાય તેને પ્રધાનજય કહે છે. અસ્મિતા, અન્વય ને અર્થતત્વ અવસ્થામાં સંયમ કરવાથી તેની પ્રાપ્તિ થાય છે.
*
४९. सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ।
સમાધિના શરૂઆતના અભ્યાસથી બુદ્ધિના રજોગુણ ને તમોગુણ સંબંધી સંસ્કાર ધોવાઇ જઇને કેવલ શુદ્ધ સત્વગુણના સંસ્કાર શેષ રહે છે. તે વખતે બુદ્ધિ ને પુરુષ બંનેની ભિન્નતામાત્રનું જ જ્ઞાન બાકી રહે છે. એવી સબીજ સમાધિ જેને સુલભ થઇ જાય છે, તેવા યોગીને સમસ્ત ગુણભાવો પર સ્વામીભાવની પ્રાપ્તિ થઇ જાય છે, ને તે સર્વજ્ઞ બની જાય છે.
*
५०. तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ।
યોગીને પ્રાપ્ત થનારી સિદ્ધિઓમાં જો તે ફસાઇ કે અટવાઇ જાય, તો તેનો ઉદ્ધાર થઇ શક્તો નથી. યોગી પુરુષે આત્માને અસંગ, નિર્વિકાર ને મુક્ત સમજીને તથા ત્રિગુણાત્મિકા પ્રકૃતિ તથા તેના કાર્યને પરિવર્તનશીલ ને દુઃખદ માનીને ગુણ તથા તેના કાર્યથી વિરક્ત થઇ જવું જોઇએ. તેમ થવાથી દોષના બીજરૂપ અંતિમ વૃત્તિ તેમ જ વાસનાનો પણ ક્ષય થઇ જાય છે, ને નિર્બીજ સમાધિની પ્રાપ્તિ થાય છે. તે દશામાં ચિત્ત પોતાના કારણમાં વિલીન થઇ જાય છે, ને પુરુષની પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા થઇ જાય છે. તે જ કૈવલ્ય કહેવાય છે. તેની પ્રાપ્તિ માટે યોગીએ ખૂબ સાવધાન થઇને પુરુષાર્થ કરવાની જરૂર છે.

Vibhuti Pada : Verse 51 - 55

५१. स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनः अनिष्टप्रसङ्गात् ।
યોગીની સાધનાની દૃઢતા થતાં, તેને મોટામોટા લોકપાલ દેવતા ને સિદ્ધ પુરુષોનાં દર્શન થાય છે. તે વખતે જુદા જુદા લોકોના ભોગોથી તેણે સાવધાન રહેવું જોઇએ. તેમના પ્રલોભનોમાં ના પડવું જોઇએ. સિદ્ધોના દર્શનથી તેણે અહંકાર પણ ના કરવો જોઇએ. વિષયસંગ ને અભિમાનથી જન્મ-મરણના ચક્રમાં પડવાનો ને યંત્રણા ભોગવવાનો માર્ગ ખુલ્લો થાય છે.
*
५२. क्षणतत्क्रमयोः संयमादविवेकजं ज्ञानम् ।
કાળના નાનામાં નાના વિભાગને ક્ષણ કહેવામાં આવે છે. એક ક્ષણ પછી બીજી ક્ષણને પસાર થવાના પ્રવાહને ક્રમ કહેવામાં આવે છે. તે ક્રમને ક્ષણમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનની ઉત્પત્તિ થાય છે.
*
५३. जातिलक्षणदेशैरन्यताऽनवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः ।
વસ્તુની જાતિ, વસ્તુનું લક્ષણ ને સ્થાન એ ત્રણેના ભેદથી વસ્તુઓની ભિન્નતા જણાઇ આવે છે. પરંતુ તે ત્રણના ભેદથી પણ જે વસ્તુની ભિન્નતાનું જ્ઞાન ના થઇ શકે, તેનું જ્ઞાન વિવેકજ્ઞાનથી સહેજે થઇ જાય છે.
*
५४. तारकं सर्वविषयं सर्वथाविषयम् अक्रमं चेति विवेकजं ज्ञानम् ।
વિવેકજ્ઞાન સંસારમાંથી ઉધ્ધાર કરનારું છે. સઘળા પદાર્થોનું જ્ઞાન કરાવનારું છે. અક્રમ એટલે કે બધી વસ્તુઓને કોઇ પણ પ્રકારના ક્રમ વિના એકસાથે જણાવનારું છે. અથવા તો ઉત્તમમાં ઉત્તમને પરિવર્તનથી પર છે.
*
५५. सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् इति ।
બુદ્ધિ નિર્મળ બનીને પોતાના કારણમાં વિલીન થઇ જાય, ને પુરુષ પણ નિર્મળ બની જાય, એટલે કે બુદ્ધિ સાથેના પુરુષના અજ્ઞાનમય સંબંધનો ને મલ-વિક્ષેપ-આવરણનો અંત આવી જાય, ત્યારે બંનેની શુદ્ધિ થઇ એમ કહેવાય છે. કોઇપણ પ્રકારે, એ પ્રમાણે બંનેની સમાનભાવે શુદ્ધિ થઇ જાય એટલે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે.

॥ इति पतञ्जलि विरचिते योगसूत्रे तृतीयो विभूतिपादः ॥
॥ વિભૂતિપાદ સમાપ્ત ॥

No comments: