Well come My friends to my Page

Monday, May 6, 2013

દેશભરમાં એક મહાન ચેતના જગાવનાર શ્રીસ્વામી વિવેકાનંદનું જીવનચરિત્ર.......સંકલન જગદીશ રાવળ



  
જીવનચરિત્ર

સ્વામી વિવેકાનંદનું નામ તેમના પૂર્વ સંન્યાસ કાળમાં નરેન્દ્રનાથ દત્ત હતું. તેમનો જન્મ ૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ ના રોજ કલકતાના એક ભદ્ર પરિવારમાં થયો હતો. તેમના પિતા વિશ્વનાથ દત્ત એક સફળ એટર્ની હતા જેઓ વિવિધ બાબતોમાં રસ ધરાવતા હતા અને તેમની માતા ભુવનેશ્વરીદેવી એક સંનિષ્ઠ સન્નારી હતાં. પરિપકવ કિશોર નરેન્દ્ર સંગીત, વ્યાયામવિદ્યા અને અભ્યાસમાં પ્રભુત્વ ધરાવતો હતો. કલકતા યુનિવર્સિટીમાંથી સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યો ત્યાં સુધીમાં તેણે જુદા જુદા વિષયોનું અગાધ જ્ઞાન મેળવ્યું હતું, ખાસ કરીને, પાશ્ચાત્ય ફિલસૂફી અને ઇતિહાસ. તેઓ તેમના બાળપણથી જ યોગવૃત્તિ ધરાવતા હતા અને ધ્યાન ધરતા હતા, અને થોડા સમય માટે બ્રહ્મો આંદોલનમાં પણ સામેલ થયા હતા.
પથદર્શકનો પરિચય
યુવાનીમાં પ્રવેશતાં જ નરેન્દ્રને ઇશ્વરના અસ્તિત્વ અંગેના સંશય બાબતે આધ્યાત્મિક કટોકટીના સમયમાંથી પસાર થવું પડ્યું હતું. અને તે જ સમયે, તેમણે કોલેજમાંથી અંગ્રેજીના પ્રોફેસર પાસેથી શ્રી રામકૃષ્ણ વિષે જાણ્યું. નવેમ્બર ૧881માં એક દિવસે નરેન્દ્ર દક્ષિણેશ્વરમાં આવેલ કાલી મંદિરમાં શ્રી રામકૃષ્ણને મળવા ગયા. તેમણે તેઓને સીધો જ સવાલ પૂછ્યો, જે તેઓ બીજા ઘણા લોકોને પૂછી ચૂક્યા હતા પરંતુ તેમને સંતોષકારક જવાબ મળ્યો ન હતો, “શ્રીમાન, શું આપે ઇશ્વરને જોયા છે?” એક પણ ક્ષણના ખચકાટ વગર શ્રી રામકૃષ્ણે જવાબ આપ્યો, “હા, મેં જોયા છે. હું તને જોઈ શકું છું તેટલા જ સ્પષ્ટ હું તેમને જોઇ શકું છું, પરંતુ અત્યંત ગૂઢ અર્થમાં.
શ્રી રામકૃષ્ણે નરેન્દ્રના મનમાંથી સંશયો દૂર કર્યા, એટલું જ નહીં પરંતુ પોતાના પવિત્ર અને નિ:સ્વાર્થ પ્રેમ દ્વારા તેમને જીતી પણ લીધા. અને, આ રીતે અધ્યાત્મના ઇતિહાસમાં ગુરૂ-શિષ્યની એક અજોડ પરંપરા શરૂ થઇ. નરેન્દ્રએ હવે અવારનવાર દક્ષિણેશ્વરની મુલાકાતો લેવાનું શરૂ કર્યું અને તેમના ગુરૂના માર્ગદર્શન હેઠળ અધ્યાત્મિક માર્ગ પર ઝડપથી પ્રગતિ કરી. દક્ષિણેશ્વર ખાતે નરેન્દ્ર બીજા ઘણા યુવાનોને મળ્યા જેઓ શ્રી રામકૃષ્ણ પ્રત્યે સમર્પિત હતા અને તેઓ બધા જ ગાઢ મિત્રો બની ગયા.
મઠવાસી સંઘની શરૂઆત
શ્રી રામકૃષ્ણે આ યુવાનોમાં ત્યાગ અને ભાઇચારાની ભાવનાનું સિંચન કર્યું. એક દિવસ તેમણે તેઓમાં ભગવા રંગના ઝભ્ભા વહેંચ્યા અને તેમને બહાર ભિક્ષા લેવા માટે મોકલ્યા. તેમણે સાધુ જીવનના નવા નિયમો બાબતે નરેન્દ્રને વિશેષ સુચનાઓ આપી. 16 ઓગસ્ટ 1886ની વહેલી પરોઢે શ્રી રામકૃષ્ણે તેમના સ્થૂળ શરીરનો ત્યાગ કર્યો. ગુરૂના અવસાન બાદ તેમના તમામ પંદર અનુયાયીઓએ ઉત્તર કલકત્તામાં આવેલ બારાનગરના એક જર્જરિત મકાનમાં રહેવાનું શરૂ કર્યું. 1887માં નરેન્દ્રની આગેવાની હેઠળ તેમણે નવા મઠવાસી સંઘની રચના કરી અને સંન્યાસ માટેની ઔપચરિક પ્રતિજ્ઞા લીધી, જેનાં પગલે તેઓએ નવાં નામ ધારણ કર્યાં અને નરેન્દ્ર હવે સ્વામી વિવેકાનંદ બન્યા, જોકે આ નામ હકીકતમાં ઘણા સમય પછી ધારણ કરવામાં આવ્યું હતું.
જીવન દર્શન
સાધુ જીવનની નવી પરંપરા અપનાવ્યા બાદ, વિવકાનંદે પોતાના જીવનના મહાન ધ્યેય માટે પોતાના આત્માના અવાજને ઓળખ્યો. શ્રી રામકૃષ્ણના મોટાભાગના અનુયાયીઓ તેમને પોતાના અંગત જીવનના સબંધમાં વિચારતા હતા, પરંતુ વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા વિષે ભારત અને બાકીની દુનિયાના સંદર્ભમાં વિચાર્યું. વર્તમાન યુગના પયગંબર તરીકે આધુનિક વિશ્વ અને વિશેષત: ભારતને માટે શ્રી રામકૃષ્ણનો શું સંદેશ હતો? આ સવાલ તેમ જ તેમની પોતાની આંતરિક શક્તિઓની જાગૃતિએ વિવકાનંદને દુનિયાભરનો પ્રવાસ કરવા માટે પ્રેર્યા. આ રીતે, 1890ના મધ્યમાં તેઓએ શ્રી રામકૃષ્ણના દિવ્ય સાથી શ્રી શારદાદેવી કે જેઓ દુનિયામાં પવિત્ર માતા (હોલી મધર) તરીકે ઓળખાય છે તથા ત્યારે કલકત્તામાં રહેતા હતા, તેમના આશીર્વાદ મેળવ્યા અને બારાનગરનો મઠ છોડીને વાસ્તવિક ભારતનાં દર્શન અને શોધ માટે એક લાંબા પ્રવાસનો આરંભ કર્યો.
વાસ્તવિક ભારતની શોધ
ભારતભરમાં તેમના પ્રવાસો દરમિયાન, સ્વામી વિવેકાનંદને લોકોની દારૂણ ગરીબી અને પછાતપણું હૃદયના ઊંડાણ સુધી સ્પર્શી ગયાં. તેઓ ભારતના પ્રથમ એવા ધાર્મિક નેતા હતા જે સમજતા હતા અને ખુલ્લેઆમ જણાવતા હતા કે ભારતની અવદશાનું મુખ્ય કારણ જનસમૂહ પ્રત્યેની ઉપેક્ષા છે. ભૂખમરાથી પીડાતા લાખો લોકોને ખોરાક તથા અન્ય મૂળભૂત જરૂરિયાતો પૂરી પાડવી એ જ તાકીદની આવશ્યકતા હતી. આ માટે, તેઓને અદ્યતન કૃષિ પદ્ધતિઓ, ગ્રામીણ ઉદ્યોગો વગેરે વિશેની તાલીમ આપવી જોઇએ. આ સંદર્ભમાં વિવેકાનંદે ભારતની ગરીબીની સમસ્યાનું મૂળ પકડી લીધું, જેને તે સમયના સમાજ સુધારકોએ કદી ધ્યાનમાં લીધું ન હતું. સદીઓ સુધી થયેલા અત્યાચારના કારણે, શોષિત વર્ગ ઉત્કર્ષ કરવા માટેની પોતાની ક્ષમતામાંથી વિશ્વાસ ગુમાવી ચૂક્યો હતો. પોતાની જાત માટે તેમના મનમાં ધીમે ધીમે વિશ્વાસ જગાવવાને પ્રાથમિકતા આપવાની હતી અને તેના માટે તેઓમાં આત્મવિશ્વાસને પુન:સંચારીત કરે તેવા પ્રેરણાત્મક ઉપદેશની જરૂર હતી. વિવેકાનંદ આ ઉપદેશ ધાર્મિક ફિલસૂફીની પ્રાચીન ભારતીય સંહિતા, વેદાંતમાં જણાવવામાં આવેલ આત્મનના સિધ્ધાંત, આત્માની દિવ્ય શક્તિમાંથી શોધી શક્યા હતા. તેમણે જોયું કે ગરીબી હોવા છતાં લોકો ધર્મનું પાલન કરતા હતા. પરંતુ તેઓને ક્યારેય વેદાંતના પ્રેરણાત્મક સિધ્ધાંતો દ્વારા કે તેનું પ્રત્યક્ષ જીવનમાં કેવી રીતે આચરણ કરવું તે વિષે જ્ઞાત કરવામાં આવેલ ન હતા. આ કારણે, લોકોને બે પ્રકારના જ્ઞાનની આવશ્યકતા હતી, એક તો તેઓની આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે લૌકિક જ્ઞાન અને બીજું, આત્મવિશ્વાસ જગાવવા માટે અને તેમની નૈતિકતાને પ્રબળ બનાવવા માટે આધ્યાત્મિક જ્ઞાન. લોકોમાં આ બે પ્રકારના જ્ઞાનનો ફેલાવો કરવો તે એક મોટો પડકાર હતો. વિવેકાનંદને તેનો એકમાત્ર ઉકેલ શિક્ષણમાં દેખાયો હતો.
સંગઠનની આવશ્યકતા
વિવેકાનંદજી સ્પષ્ટપણે માનતા હતા કે ભારતમાં મહિલાઓ સહિત, તમામ ગરીબ લોકોની સ્થિતિ મજબૂત કરવા માટે શિક્ષણના ફેલાવા અંગેની પોતાની યોજનાઓ અમલમાં મૂકવા માટે સમર્પિત લોકોના એક કાર્યક્ષમ સંગઠનની આવશ્યકતા હતી. જેમ તેમણે બાદમાં જણાવ્યું હતું તેમ, તેઓ એક એવી વ્યવસ્થા-તંત્રની રચના કરવા માંગતા હતા કે જે ગરીબમાં ગરીબ અને પછાતમાં પછાત લોકોના ઘરના દ્વારે પણ આવા કુલીન વિચારો લાવી શકે. કેટલાંક વર્ષો બાદ, આ વ્યવસ્થા-તંત્રના ભાગ તરીકે સ્વામીજીએ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી.
ધર્મ સંસદ
સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂના સંદેશના પ્રચાર માટે દેશમાં ભ્રમણ કરતી વખતે વર્ષ 1893ની શિકાગોમાં ભરાનાર વિશ્વ ધર્મ સંસદ વિષે જાણ્યું. તેમના પ્રશંસકો અને સાથીઓ ઇચ્છતા હતા કે તેઓ આ પરિષદમાં ભાગ લે. તેમને પોતાને પણ લાગ્યું કે દુનિયામાં તેમના ગુરૂનો સંદેશ વિશ્વમાં ફેલાવવા માટે આ પરિષદ એ યોગ્ય મંચ પૂરો પાડશે, અને તેથી તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું. બીજું કારણ, જે વિવેકાનંદજીને અમેરિકા જવા પ્રેરતું હતું તે, લોકોના ઉત્કર્ષ માટે નાણાંકિય સહાય મેળવવા માટેનું હતું. તેઓ જોકે મિશન વિષે આંતરિક પ્રતીતિ અને ઇશ્વરીય સાદ ઇચ્છતા હતા, જે તેમને કન્યાકુમારી ખાતે એક ખડક ઉપર ઊંડા ધ્યાનમાં બેઠા હતા ત્યારે પ્રાપ્ત થયાં. તેમના ચેન્નાઇના અનુયાયીઓએ તેમની અમેરિકાની મુલાકાત માટે કેટલુંક ભંડોળ ભેગું કર્યું હતું અને બાકીની રકમ ખેત્રીના રાજા દ્વારા પૂરી પાડવામાં આવેલ, અને અંતે, 31 મે, 1893 ના રોજ સ્વામી વિવેકાનંદ વિશ્વ ધર્મ સંસદમાં ભાગ લેવા માટે મુંબઈથી અમેરિકા જવા માટે રવાના થયા.
ધર્મ સંસદ બાદ
સન 1893ના સપ્ટેમ્બરમાં શિકાગો, અમેરિકામાં ભરાયેલ વિશ્વ ધર્મ સંસદ ખાતેનાં તેમના ભાષણો પછી તેઓ ઇશ્વરીય અધિકારના વક્તાઅને પશ્ચિમ જગતમાં ભારતીય વિદ્વતાના દૂત તરીકે તેઓ પ્રખ્યાત થયા. પરિષદ પૂરી થયા બાદ, વિવેકાનંદજીએ લગભગ સાડા ત્રણ વર્ષ શ્રી રામકૃષ્ણ દ્વારા પ્રસ્થાપિત વેદાંતના ખ્યાલને ફેલાવવા માટે ઘણું કરીને યુ.એસ.એ.ના પૂર્વીય ભાગોમાં તથા લંડનમાં પણ વિતાવ્યા.
દેશબાંધવોની જાગૃતિ
જાન્યુઆરી૧૮૯૭માં સ્વદેશ પરત ફરતાં તેમનું સર્વત્ર ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. તેમણે ભારતના વિવિધ ભાગોમાં શ્રેણીબદ્ધ પ્રવચનો આપ્યાં, જેણે દેશભરમાં એક મહાન ચેતના જગાવી. વિવેકાનંદજીએ તેમનાં પ્રેરણાદાયક અને અભૂતપૂર્વ પ્રવચનો દ્વારા નીચે મુજબના પ્રયત્નો કર્યા :
·         જન સમૂહોમાં ધાર્મિક ચેતના જગાવવી અને તેમના વારસા માટે ગૌરવ પેદા કરવું.
·         હિન્દુત્વને તેના સંપ્રદાયોના સમાન તત્વો પર પ્રકાશ પાડીને એકીકૃત કરવું.
·         શોષિત લોકોની દુર્દશા તરફ શિક્ષિત લોકોનું ધ્યાન દોરવું અને વેદાંતના વ્યાવહારિક સિદ્ધાંતોના પ્રયોજન દ્વારા તેઓની ઉન્નતિ માટેની યોજનાઓ ઘડવી.
રામકૃષ્ણ મિશનની સ્થાપના
કોલકાતા પરત ફર્યા બાદ તરત જ સ્વામી વિવેકાનંદે તેમના મિશનના એક અતિ મહત્વના કાર્યને પરિપૂર્ણ કર્યું. તેમણે 1 મે, 1897 ના રોજ રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી, એક એવું સંગઠન જેનો હેતુ વ્યાવહારિક વેદાંતનો પ્રચાર કરવાનો તથા મઠવાસીઓ અને સામાન્ય માણસો દ્વારા વિવિધ પ્રકારની સામાજિક સેવાઓ જેવી કે, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્ટેલો, ગ્રામીણ વિકાસ કેન્દ્રો વગેરે ચલાવવાનો તથા ભારતના જુદા જુદા ભાગો તથા અન્ય દેશોમાં પણ ભૂકંપ, વાવાઝોડાં અને અન્ય કુદરતી આપત્તિઓના અસરગ્રસ્તો માટે મોટા પાયે રાહત અને પુનર્વસનનાં કામો કરવાનો હતો.
બેલૂર મઠ સર્વ ધર્મ સમભાવનું પ્રતીક
૧૮૯૮ની શરૂઆતમાં સ્વામી વિવેકાનંદે ધર્મ, જાતિ કે જ્ઞાતિના કોઈપણ ભેદભાવ વગર બધાને માટે ખુલ્લા એવા સંન્યાસીઓ માટેના કાયમી નિવાસસ્થાન તરીકે મઠનું નિર્માણ કરવા માટે ગંગાના પશ્ચિમ કિનારે બેલૂર નામે ઓળખાતા સ્થળે જમીનનો એક વિશાળ ટુકડો મેળવ્યો. તેમણે બે વર્ષ પછી તેની રામકૃષ્ણ મઠતરીકે નોંધણી કરાવી. અહીં સ્વામીજીએ સંન્યાસી જીવનની નવીન અને સનાતન પદ્ધતિની ઓળખ થઈ, જે આશ્રમ જીવનના પ્રાચીન આદર્શોને આધુનિક જીવનની શરતો સાથે અનુરૂપ કરતી હતી, વ્યક્તિગત પ્રબુદ્ધતાને તથા સમાજ સેવાને સમાન ધોરણે મહત્વ આપતી હતી.
અનુયાયીઓ
પશ્ચિમના અનેક લોકો સ્વામી વિવેકાનંદના જીવન અને સંદેશથી પ્રભાવિત થયા હતા. તેમાંના કેટલાક તેમના અનુયાયી અથવા સંનિષ્ઠ સાથી બન્યા. તેઓમાં કેટલાંક નામો જેનો વિશેષ ઉલ્લેખ કરી શકાય તે છે માર્ગારેટ નોબલ (જે પાછળથી ભગિની નિવેદિતા નામે ઓળખાયાં), કેપ્ટન અને શ્રીમતી સેવિયર, જોસેફાઈન મેકલીઓડ અને સારા ઓલે બુલ વગેરે. સિસ્ટર નિવેદિતાએ કોલકાતામાં પોતાની જીંદગી કન્યા કેળવણીમાં સમર્પિત કરી દીધી. તેમના કેટલાક ભારતીય અનુયાયીઓ પણ રામકૃષ્ણ મઠમાં જોડાયા અને સંન્યાસી બન્યા.
અંતિમ દિવસો
જુન ૧૮૯૯માં પશ્ચિમની તેમની બીજી મુલાકાત દરમિયાન તેમણે મોટાભાગનો સમય યુ.એસ.એ.ના પશ્ચિમ કિનારે વિતાવ્યો. ત્યાં તેમણે ઘણાં વ્યાખ્યાનો આપ્યાં અને ડિસેમ્બર ૧૯૦૦માં બેલૂર મઠ પાછા ફર્યા બાદ મઠવાસીઓ અને સામાન્ય લોકો, બંનેને પ્રેરણા અને માર્ગદર્શન આપીને બાકીની જીંદગી ભારતમાં વિતાવી. સતત કામ, ખાસ કરીને લોકોને પ્રોત્સાહિત કરવા આપેલા પ્રવચનોના કારણે વિવેકાનંદના સ્વાસ્થ્ય પર માઠી અસર થઇ હતી અને તે ધીમે ધીમે કથળવાની શરૂ થઈ. આખરે, ૪ જુલાઇ, ૧૯૦૨ના રોજ રાત્રિના સમયે પોતાના શ્વાસ છોડ્યા. તેમની મહાસમાધિઅગાઉ તેમણે તેમના એક પશ્ચિમી અનુયાયીઓને લખ્યું હતું, “તે શક્ય છે કે મને મારા શરીરમાંથી બહાર નીકળીને સારું લાગે, જીર્ણ વસ્ત્રનો ત્યાગ કરવા સમાન. પરંતુ હું કામ કરવાનું અને દરેક સ્થળે લોકોને પ્રેરણા આપવાનું છોડીશ નહીં, જ્યાં સુધી સમગ્ર વિશ્વ સમજે નહીં કે તે ઇશ્વર સાથે એકાકાર છે.
વર્ષ માસ ઘટના
૧૮૬૩ ૧૨ જાન્યુઆરી કોલકાતામાં જન્મ
૧૮૭૯ પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા
૧૮૮૦ સામાન્ય સભાની સંસ્થામાં સ્થળાંતર
૧૮૮૧ નવેમ્બર શ્રી રામકૃષ્ણ સાથે પ્રથમ મુલાકાત
૧૮૮૨-૧૮૮૬ શ્રી રામકૃષ્ણ સાથે જોડાણ
૧૮૮૪ બી.એ.ની પરિક્ષામાં ઉતીર્ણ
પિતાજીનું અવસાન
૧૮૮૫ શ્રી રામકૃષ્ણના અંતિમ દિવસો
૧૮૮૬ ૧૬ ઓગસ્ટ શ્રી રામકૃષ્ણનું દેહાવસાન
અનિર્ણીત બારાનગર મઠની સ્થાપના
૨૪ ડિસેમ્બર અંતપુર ખાતે સંન્યાસની અનૌપચારિક પ્રતિજ્ઞા
૧૮૮૭ જાન્યુઆરી બારાનગર મઠમાં સંન્યાસના ઔપચારિક શપથ
૧૮૯૦-૧૮૯૩ વિચરતા સાધુ તરીકે ભારત ભ્રમણ
૧૮૯૨ ૨૪ ડિસેમ્બર કન્યાકુમારી, દક્ષિણ ભારત ખાતે
૧૮૯૩ ૧૩ ફેબ્રુઆરી પ્રથમ જાહેર પ્રવચન, સિકંદરાબાદ, દક્ષિણ ભારત
૩૧ મે મુંબઇથી અમેરિકા માટેની દરિયાઇ મુસાફરી
૨૫ જુલાઇ વાનકુંવર, કેનેડાની ભૂમિ પર
૩૦ જુલાઇ શિકાગો પહોંચ્યા
ઓગસ્ટ હાર્વર્ડ યુનિ.ના પ્રોફેસર જ્હોન રાઇટ સાથે મુલાકાત
૧૧ સપ્ટેમ્બર શિકાગો ધર્મ સંસદમાં પ્રથમ સંબોધન
૨૭ સપ્ટેમ્બર ધર્મ સંસદમાં અંતિમ સંબોધન
૨૦ નવેમ્બર મધ્યપશ્ચિમી વ્યાખ્યાન યાત્રાનો પ્રારંભ
૧૮૯૪ ૧૪ એપ્રિલ પૂર્વ કિનારા પર પ્રવચનો અને વર્ગોની શરૂઆત
૧૬ મે હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ
જુલાઇ ઓગસ્ટ ગ્રીન એકર ધર્મ પરિષદ ખાતે
નવેમ્બર વેદાંત સોસાયટી ઓફ ન્યૂયોર્કની સ્થાપના
૧૮૯૫ જાન્યુઆરી ન્યૂયોર્કમાં વર્ગોની શરૂઆત
૪-૧૮ જૂન કેમ્પ પર્સી, ન્યૂ હેમ્પશાયર ખાતે
જૂન- ઓગસ્ટ ન્યૂયોર્કમાં સેન્ટ લોરેન્સ નદી પર થાઉઝન્ડ આઇલેન્ડ પાર્ક ખાતે
ઓગસ્ટ સપ્ટેમ્બર પેરિસ
ઓક્ટોબર- નવેમ્બર લંડનમાં પ્રવચનો
૬ ડિસેમ્બર ન્યુયોર્ક માટેની સફર
૧૮૯૬ ૨૨-૨૫ માર્ચ હાર્વર્ડ યુનિવર્સિટીમાં ભાષણ, પૂર્વીય તત્વજ્ઞાનનો ગાદી પ્રસ્તાવ
૧૫ એપ્રિલ લંડન પરત, મે-જુલાઇમાં લંડનમાં વર્ગો આપ્યા
૨૮ મે ઓક્સફોર્ડમાં મેક્સ મૂલર સાથે મુલાકાત
ઓગસ્ટ સપ્ટેમ્બર છ સપ્તાહ માટે યુરોપમાં
ઓક્ટોબર નવેમ્બર લંડનમાં વર્ગો આપ્યા
૩૦ ડિસેમ્બર નેપલ્સથી ભારત રવાના
૧૮૯૭ ૧૫ જાન્યુઆરી કોલંબો, શ્રીલંકા આવી પહોંચ્યા
૬-૧૫ ફેબ્રુઆરી ચેન્નાઇમાં
૧૯ ફેબ્રુઆરી કોલકાતામાં આગમન
૧ મે રામકૃષ્ણ મિશન સંસ્થાની કોલકાતામાં સ્થાપના
મે- ડિસેમ્બર ઉત્તરપશ્ચિમ ભારતની સફર
૧૮૯૮ જાન્યુઆરી કોલકાતા પરત
મે પશ્ચિમના શિષ્યો સાથે ઉત્તર ભારતની યાત્રાની શરૂઆત
૨ ઓગસ્ટ અમરનાથ, કાશ્મીર ખાતે
૯ ડિસેમ્બર બેલૂર મઠ અર્પણ
૧૮૯૯ ૧૯ માર્ચ માયાવતી ખાતે અદ્વૈત આશ્રમની સ્થાપના
૨૦ જૂન પશ્ચિમની દ્વિતીય મુલાકાત માટે ભારત છોડ્યું
૩૧ જુલાઇ લંડન પહોંચ્યા
૨૮ ઓગસ્ટ ન્યૂયોર્ક સીટી પહોંચ્યા
ઓગસ્ટ નવેમ્બર રીજલે મેનોર, ન્યૂયોર્ક ખાતે
૩ ડિસેમ્બર લોસ એન્જલસ પહોંચ્યા
૧૯૦૦ ૨૨ ફેબ્રુઆરી સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા
૧૪ એપ્રિલ સાન ફ્રાન્સિસ્કોમાં વેદાંત સોસાયટીની સ્થાપના
જૂન ન્યૂયોર્ક સીટીમાં આખરી વર્ગો
૨૬ જુલાઇ યુરોપ માટે રવાના
૩ ઓગસ્ટ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન માટે પેરિસ આવી પહોંચ્યા
૭ સપ્ટેમ્બર પ્રદર્શનમાં ધર્મના ઇતિહાસ માટેની મહાસભામાં ભાષણ
૨૪ ઓક્ટોબર વિયેના, કોન્સ્ટેન્ટિનોપલ, ગ્રીસ અને કેરોની સફરનો પ્રારંભ
૨૬ નવેમ્બર ભારત માટે રવાના
૯ ડિસેમ્બર બેલૂર મઠ ખાતે આગમન
૧૯૦૧ જાન્યુઆરી માયાવતીની મુલાકાત
માર્ચ મે પૂર્વ બંગાળ અને આસામની તીર્થયાત્રા
૧૯૦૨ જાન્યુઆરી ફેબ્રુઆરી બોધિગયા અને વારાણસીની મુલાકાત
માર્ચ બેલૂર મઠ પરત
૪ જુલાઇ મહાસમાધિ





No comments: