Well come My friends to my Page

Saturday, May 4, 2013

શિવ તાંડવ નૃત્ય અને નટરાજ નૃત્યનું રહસ્ય.....संकलन जगदीश रावल


આજે ચૈત્ર સુદ દસમ
શિવ તાંડવ નૃત્ય અને નટરાજ નૃત્યનું રહસ્ય
શિવરાત્રિનો દિવસ ભગવાન શંકરની આરાધનાનો દિવસ.ભગવાન શિવજીને નટરાજ કહેવાય છે. શિવજી જ્યારે નૃત્ય કરે છે તેને તાંડવ નૃત્ય કહેવાય છે.
આ તાંડવ નૃત્ય સમજવા જેવું છે. વિરભદ્ર સાથે સંકળાયેલું આ તાંડવ નૃત્ય તામસિક રૂપ ભૈરવ કહેવાય છે. સિવજી સ્મશાનમાં જાય છે અને ભૂત પિશાચો સાથે અડબંગ રીતે નાચ કરે છે. શિવજીના તાંડવ નૃત્યની ઉત્પત્તિ કોઈ અનાર્ય દેવ દ્વારા થઈ છે, અંશતઃ દેવ-દાનવ હતા અને વિહાર કરતા હતા. પુરાણોમાં શિવ અને દેવીના સ્મશાન નૃત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
કપિલપુરાણમાં નટરાજના નાદાંત નૃત્યનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાસ્કવનમાં ઋષિઓએ પ્રાર્થના કરી અને પરિણામે નાદાંત નૃત્યનું રહસ્ય દેવો અને ઋશિઓ પામી શક્યા. જેમાં નટરાજને ચાર ભૂજાઓ છે. ફેશ બાંધેલા છે અને રત્નોથી અલંકૃત છે. નીચેની લટો ગળા ફરતી રહે છે. જમણા કાને પુરુષના અને ડાબા કાને સ્ત્રીનાં કુંડળ છે અને હાર, કંકણ અને રત્નજડિત મેખલાઓથી શણગારેલા છે.
નટરાજનો મુખ્ય પોષાક ઊપવિત જ છે. એક જમણા હાથમાં ડમરૂ અને બીજા ડાબો હાથ પગ તરફ સંકેત કરતો સંકેત કરતો છે. એક જમણો હાથ અભય હસ્ત છે અને બીજા ડાબા હાથમાં અગ્નિ છે. જમણો પગ મુલયક દૈત્યના માથા પર છે અને ડાબો પગ ઊંચો થયેલો છે.
નટરાજ શિવમાં ત્રણ ભાવ છે. એમનું નૃત્ય એમના નિયમિત કાર્યકલાપોના પ્રતિક રૂપ છે. બ્રહ્માંડની પ્રત્યેક વસ્તુનં ચાલન કરનારી શક્તિનો મૂળ સ્ત્રોત આ નૃત્ય છે. બ્રહ્માંડનું દ્યોતકમંડળ છે. જીવાત્માઓને માયાના બંધનમાંથી મુક્ત કરવા એ આ નૃત્યનો મુખ્ય હેતુ છે.
બ્રહ્માંડના રાત્રિકાળમાં પ્રકૃતિ નિશ્ચલ રહે છે અને શિવની ઈચ્છા ન થાય ત્યાં સુધી એ નાચી શકતી નથી. શિવજી નટરાજ નૃત્ય નિશ્ચલ પ્રકૃતિમાં તરંગો ઉત્પન્ન કરે છે. નૃત્ય કરતાં કરતાં યોગ્ય સમયે અગ્નિ દ્વારા બધાં નામરૂપોનો સંહાર કરી નાખે છે અને પ્રકૃતિને વિશ્રામ આપે છે.
શિવનાં બન્ને નૃત્યોનું માહાત્મ્ય ફક્ત જીવને માયાના બંધનમાંથી છોડાવવાનો છે. બન્ને નૃત્યનો ભેદ એ છે કે નટરાજ નૃત્યમાં શિવ પ્રસન્ન થાય છે જ્યારે તાંડવ નૃત્યમાં શિવજી નારાજ થાય છે.
જાણ ખાતર દક્ષિણ ભારતમાં તિરૂવનંતપુરમ નજીક શિવલિંગનું નહીં, પણ શિવની મૂર્તિની પૂજા થાય છે.
સંકલિત
નમઃ શિવાય


પુરાણ કથાઓ મુજબ કહેવાય છે કે પતંજલિ અને વ્યાઘ્રપાદ મુનિઓની પ્રાર્થનાથી તેમની સમક્ષ શિવજીએ નિજાનંદમાં નૃત્ય કરીને વિષ્ણુ, દેવો, ગાંધર્વો અને મનુષ્યોને નૃત્યકળા શીખવી. તે સમયે પાર્વતીજીને નૃત્યમાં ભાગ લેવાનું મન થયું. તેઓ પન શિવજીના પ્રત્યેક અંગ-ભંગ-તાલને બેવડાવી પોતાના નૃત્ય બતાવતા ગયાં. છેવડે શિવજીએ નૃત્યમાં તાલબદ્ધતાથી પગથી પોતાના કાનના કુંડળો કાઢ્યા, અને પગથી પાછા પહેર્યા. નૃત્યનો આ પ્રકાર પાર્વતીજી માટે બેવડાવવાનું અશક્ય બન્યું ત્યારે તેમણે શિવજીનું મહત્વ સ્વીકાર્યું. આ રૂપક કથાનાં ઊંડાણમાં જઈશું એ પ્રકૃતિના બળાબળનું મહત્વ સમજાશે
જગત્રયં શામ્ભવનર્તનસ્થલી નટાધિરોઅત્રપદઃ શિવઃસ્વયમ !
સમાનયેરંગ ઈતિ વ્યવસ્થિતિઃ સ્વરૂપઃ શક્તિયુતાતપ્રપંચિતા !!
અર્થાત સર્વની ગતિ,પોષણકર્તા, પ્રભુ,સાક્ષી,રહેઠાન, શરન,ઉત્પત્તિ, પ્રલય, સ્થિતિ, આધાર અને અવિનાશી બીજ પરમતત્વ છે.
આ તત્વજ્ઞાન સમજાય તો આપણા ઋષિમુનિઓ માટે આપણું મસ્તક આપોઆપ નમી જશે.
તાંડવનૃત્યની અદભૂત કલામય મૂર્તિ અંગે વિશ્વપ્રસિદ્ધ થયેલું ચિદમ્બરમ જ્યાં ભગવાન શિવજીનું નટરાજ સ્વરૂપ બિરાજે છે, મદ્રાસ-ત્રિચીથી મુખ્ય લાઈન ઉપર મદ્રાસથી લગભગ સવા બસો કિલોમીટર દૂર કાવેરી નદીની શાખા કોલરુન ઉપર આવેલું છે. ઘણાલોકો તેને તિલાઈપેરુમતપુલિયર કે વ્યાઘ્રપુરમ પણ કહે છે. લંકાના હિંદુઓ તેને અત્યંત પવિત્ર સ્થળ ગણે છે. અહીંની ભૂજંગ-ત્રાસ મુદ્રાની નટરાજની મૂર્તિની કલાત્મકતા એટલી બધી પ્રસિદ્ધ છે કે વિશ્વના પ્રત્યેક સંગ્રહાલયોમાં અને ધનિકોના ઘરમાં તેની પ્રતિકૃતિઓ રાખવામાં આવે છે જે નટરાજના નામે પ્રસિદ્ધ છે. આ મૂર્તિમાં પ્રદર્શિત કરાયેલા ભાવોને સમજીએ તો આપણી ભક્તિભાવમાં જ્ઞાનનો ઉમેરો થશે.
આ મૂર્તિ ચતુર્ભૂજ, ત્રિનેત્રી છે. મસ્તકે બીજચન્દ્ર, સર્પો અને મુંડ છે. નૃત્યગતિ તાલથી જટા લહેરાય છે. પાછલા જમણા હાથમાં ડમરુ છે, જેના ધ્વનિથી દેવભાષા સંસ્કૃત અને નૃત્યના તાલ- ધ્વનિનો જન્મ થયો છે. પાછલા હાથમાનો પ્રજ્વલ્લિત અગ્નિ અવિનાશી પવિત્રમય જ્ઞાન બતાવે છે. આગલા હાથની અભયમુદ્રાથી ભક્તોને અભય પ્રદાન કરી રહ્યા છે. આગલો નીચે પડેલો અસુર તરફ નિર્દેશ કરતો હાથ ઉપદેશ આપે છે કે સંસારમાં અહંકાર, મમતા, વાસનાઓ અને દૂષ્ટ વૃત્તિઓને દબાવી તેનાથી અલિપ્ત થવાથી જ પ્રકાશમય જ્ઞાન લાધશે અને મોક્ષ મેળવી શકશો. ત્રણ નેત્રો જળ, વાયુ અને અગ્નિ છે. જેમ એ તત્વો જુદાં જુદાં લાગતાં હોવા છતાં એક તત્વના છે. તેવી જ રીતે પુરુષ, પ્રકૃતિ અને જીવ એક જ તત્વ છે. આ પ્રમાણે એક હાથે નિર્માન ,બીજા હાથથી રક્ષા, ત્રીજાથી વિનાશ અને ચોથા હાથથી શાંતિ એવા જીવનના ચાર પાસાઓ દર્શાવ્યા છે. સર્પના ડરથી પગ ઉપડે તે બતાવતી મુદ્રાને ભુજંગત્રાસમુદ્રા કહે છે. ઉંચો રાખેલો ડાબો પગ જગતને ભુજંગ સમજી મોક્ષપ્રાપ્તિનું પ્રતિક છે. [મદુરાની નટરાજની મૂર્તિમાં જમણો પગ ઉંચો છે તે આનંદનું પ્રતિક છે.]
—- સંકલિત
ૐ નમઃ શિવાય

આજે ફાગણ વદ ત્રીજ
અંબરનાથ
અંબરનાથ એટલે આકાશપતિ’. અંબરનાથનું મંદિર 10મી સદીમાં બનાવાયેલું શિવજી મંદિર છે. વાલ્ધુની નદી કિનારે આવેલું આ મંદિર મુંબઈનું સૌથી જુનું મંદિર છે. અહીંનું શિવ લિંગ સ્વયંભૂ છે. તેમાં બ્રહ્મા.વિષ્ણુ, મહેશ એમ ત્રણ દેવતા આ લિંગમાં દેખાય છે. આ મંદિરનું સ્થાપત્યમાં હેમદપંથની ઝલક સ્પષ્ટ જણાય છે. કહેવાય છે કે આ મંદિર પાંડવોએ બંધાવેલું છે પણ એવા કોઈ પુરાવા મળ્યા નથી. ઉત્તરમુખી દ્વાર જણાવે છે કે તેનું સ્થાપત્ય 1060માં બન્યું હશે. કાળક્રમે ઘસાઈ જતાં તેનુ ફરીથી નિર્માણ કાર્ય સિલ્હાર વખતના રાજા ચિત્તરાજાએ હાથ ધર્યું હયતુ. કાળા પથ્થરમાંથી બનેલું મંદિર ખાસ મોટું નથી પણ તેનું સ્થાપ્ત્ય સુંદર છે. શિવજી, ગણપતિ તેમજ નંદીની મૂર્તિઓ દિવાલોમાં કંડારાયેલી છે. તેનાં સ્તંભ પણ સુંદર મૂર્તિઓથી કંડારાયેલી છે. માનવ સર્જિત બહુ ઓછા સ્થાપત્યો છે કે જેવા કંડારાયેલા છે તેવા ને તેવા રહ્યા હોય અંબેશ્વરનું આ શિવાલય એમાં એક છે. પણ રાજ્ય સરકાર તરફથી તેની જાળવણી કે પ્રસિદ્ધિ મળી નથી એ આપણું દુર્ભાગ્ય છે.
મુંબઈથી 65 કિલોમીટર દૂર તેમજ સેંટ્રલ મુંબઈમાં આવેલા થાણાથી 40 કિલોમીટર અને બદલાપુરથી 6 કિલોમીટર દૂર આવેલું છે. કરજત અને પુણેના રસ્તે આવેલું છે. શ્રાવણ મહિનામાં અને સોમવારે અહીં ભાવિકોની ભીડ રહે છે. મહાશિવરાત્રિએ અહીં મેળો ભરાય છે. તે છતાં અહીં લોકો આ મંદિરથી અજાણ છે.
હું બે દિવસ પહેલા એટલે ધુળેટીને દિવસે અહીં દર્શનાર્થે ગઈ હતી. મંદિરનું પરિસર ખૂબ સરસ અને મોટું છે. પાણીનો અભાવ છે. ત્યાં કોઈ પૂજારી પણ ન મળ્યા. બાજુમાં માતાજીનું મંદિર છે.જોવા લાયક અને જવા લાયક સ્થળ છે.
ૐ નમઃ શિવાય
આજે ફાગણ સુદ નોમ
નટરાજ
નૃત્યના દેવતા નટરાજ
ભારતીય શાસ્ત્રીય નૃત્ય આજે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. જ્યાં શાસ્ત્રીય નૃત્ય હોય ત્યાં અચૂક દેવાધિદેવ મહાદેવનું નૃત્ય કરતું નટરાજ સ્વરૂપ યાદ આવે. શિવજીના અનેક સ્વરૂપોમાં આ એક અત્યંત આકર્ષક સ્વરૂપ છે. શિવજીનાં આ સ્વરૂપને વિવિધ પ્રદેશમાં વિવિધ નામે ઓળખવામાં આવે છે. જેવા કે નટરાજ, નાટકેશ્વર, નૃતેશ્વર, ભૈરવ વગેરે.
દક્ષિણ ભારતમાં દેવાધિદેવ મહાદેવનુ આ સ્વરૂપ નટરાજ તરીકે ઓળખાય છે. જ્યારે પૂર્વ ભારતમાં નટરાજના આ સ્વરૂપને નટેશ્વર, નૃતેશ્વર, નાટકેશ્વર કે ભૈરવ કહે છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ નટરાજના આ સ્વરૂપનું મહત્વ બાંગ્લાદેશમાં, કંબોડિયા તેમજ વિયેટનામ જેવા દેશોમાં પણ જોવા મળે છે. વાસ્તવમાં શિવજીના આ સ્વરૂપનો ઉદભવ કાશ્મીરના શિવપંથીઓની વિચારધારામાંથી થયો છે. આજે તેના મૂળની ઉપેક્ષા થઈ રહી છે.
મૌર્યકાળ બાદ બૌદ્ધ ધર્મનો પ્રભાવ ઓછો થતાં ધીમે ધીમે શિવજીનો મહિમા વધતો ગયો. મહાદેવ પ્રમુખ દેવ તરીકે પૂજાવા લાગ્યા. વેદકાળ પૂર્વેથી પશુપતિનાથની પૂજાનું જે મહત્વ હતું તેના પરિપ્રેક્ષ્યમાં જ ક્રમશઃ નટરાજનો મહિમા વધતો ગયો. ઈ.સ. પૂર્વે ચોથી સદીમાં વારાણસીમાં મહાદેવ આદિનાથ તરીકે ઓળખાતા હતા. શુંગના સમયમાં વૈદિક દેવીદેવતાનાં ઘણાં સ્વરૂપોને શિવજીમાં પ્રતિકાત્મકરૂપે ભેળવી દેવામાં આવ્યાં છે. ખાસ કરીને રૂદ્ર અને અગ્નિને. રૂદ્ર એટલે લાલાશ પદતી સોનેરી ઝાંયવાળી જ્યોત સંતરુદ્રીય શ્રીરુદ્ર ચમકમભગવાનના બે સ્વરૂપનો સમનવય સૂચવે છે. અગ્નિને બળદ માનવામાં આવે છે, અને બળદ એટલે નંદી જે મહાદેવનું વાહન છે.
મહાદેવના નટરાજના સ્વરૂપની ઉત્પત્તિ ઈ.સ. પૂર્વે બીજી સદીથી થઈ હતી. શુંગ સમયના ટેરૉકોટાના શિલ્પોમાં મહાદેવને વીણા દક્ષિણામૂર્તિતરીકે દર્શાવવામાં આવ્યા છે. કાળક્રમે મહાદેવના નટરાજ સ્વરૂપમાં વધારો થતો ગયો એમ એમના શિલ્પો દ્વારા વિદિત થાય છે. ગુપ્તકાળના ગયા ખાતેના ટેરૉકોટાના શિલ્પોમાં દિગમ્બરઅવસ્થામાં હાથમાં તલવાર અને હવામાં ઉડી રહેલા કેશકલાપ ધરાવતું શિલ્પ માત્ર શિવજીનું ચિદમ્બરમસ્વરૂપ રજૂ નથી કરતું, પણ તેમને નૃત્યકાર તરીકે પણ દર્શાવે છે. આ શિલ્પમાં ભગવાનની જટા ફણીધર સર્પનું સ્મરણ કરાવે છે. આજ પ્રમાણે મધ્યપ્રદેશના ગુઆનામાં આવેલા ટુમેન અને ખોહાના ખાતે, નાલંદામાં નટરાજના મનમોહક શિલ્પો જોવા મળે છે. જોકે નાલંદાના શિલ્પોમાં બૌદ્ધ કાળની અસર જોવામાં આવે છે. ઈ.સ.ની પાંચમીથી આઠમી સદી દરમિયાન બંગાળ, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને રાજસ્થાન ખાતે પણ નટરાજનાં સ્થાપત્યો જોવા મળે છે.
ઈ.સ.ની છઠ્ઠી સદીથી નટરાજને બહુભૂજા સાથે કંડારવામાં આવ્યાં છે. નટરાજની સૌથી ઉપરની ભૂજાઓમાં સર્પ દર્શાવવામાં આવ્યા છે. મુખ્ય બે હાથ ગજહસ્તસ્થિતિમાં કટકહસ્તઅને અભયહસ્તતરીકે કંદારવામાં આવ્યા છે. અન્ય ભૂજાઓમાં ડમરું, કપાલ, આકાશમાળા, કર્તરી, ત્રિશૂલ અને ગદા ધરી છે. આમ ચિદમ્બરમનું વિકસીત સ્વરૂપ કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી પ્રસિદ્ધ છે. નટરાજની પ્રતિમાની પાછળ આભામંડળની પ્રેરણા બૌદ્ધ પ્રતિમાઓ પરથી લેવાઈ હોય એવું મનાય છે. મહાદેવનાં આ ચિદમ્બરમસ્વરૂપના એક પગને બીજા પગ પર ત્રાંસી મુદ્રામાં ,જે નૃત્યની એક મુદ્રા છે, દર્શાવવામાં આવ્યું છે.
અંતમાં કહી શકાય કે પાલ અને પાલવ વંશ દરમિયાન બૌદ્ધ ધર્મના પતન પછી શિવજીના નટરાજ સ્વરૂપનો ક્રમશઃ વિકાસ થતો ગયો. ચોલા વંશ દરમિયાન આ વિકાસ તેની ચરમસીમાએ પહોંચી સ્થિર થઈ ગયો. આ નૃત્યના દેવને નટરાજ, નાટકેશ્વર, નટેશ્વર કે નૃતેશ્વર કહી શકો છે.
ૐ નમઃ શિવાય
1

આપણા વેદોમાં ત્રણ મહાન રાત્રિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1] કાળરાત્રિ જે કાળી ચૌદસને નામે ઓળખાય છે.
2] મોહ રાત્રિ જે જન્માષ્ટમીની રાત્રિ તરીકે ઓળખાય છે.
3] મહારાત્રિ જે મહાશિવરાત્રિ તરીકે ઓળખાય છે.
દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. પરંતુ મહાશિવરાત્રિ મંગળકારી અને કલ્યાણકારી રાત્રિ છે. દેશભરના અલગ અલગ શિવાલયો અને 12 જ્યોતિર્લિંગના દર્શન અને પૂજનનો આજે પવિત્ર પાવન દિવસ કહેવાય છે. શિવજી જ્ઞાનના દેવ કહેવાય છે તેથી આ રાત્રિ જ્ઞાનરાત્રિ કહેવાય છે. શિવજીને આ મહાવદની રાત્રિ અતિપસંદ છે તેથી આ રાત્રિ મહાશિવ રાત્રિ કહેવાય છે. આ દિવસથી દ્વાપર યુગનો પ્રારંભ થયો હતો અને આ દિવસે જ્યોતિર્લિંગની સ્વયંભૂ ઉત્પત્તિ થઈ હતી એવું મનાય છે.
લિંગપૂજા એ શિવ પૂજાના પ્રતિક રૂપે છે. ભગવાન શિવની પૂજા ફક્ત બીલીપત્ર, ફૂલ અને શુદ્ધ જળથી થાય છે. જો તે શ્રદ્ધા અને અંતઃકરણથી કરવામાં આવે તો અવશ્ય તેમની કૃપા વરસે છે. સંહારનું પ્રતિક ત્રિશૂળ અને સંગીતનું પ્રતિક ડમરૂ એકસાથે રાખનાર આ એક જ દેવ છે. લોકકલ્યાણ ખાતર વિષ પીનારા શિવજી મહાદેવ કહેવાયા. શિવજી આપણા હૃદયને વિકારરહિત બનાવી તેમાં નિવાસ કરે છે.
શંકર એટલે શુભં કરોતી ઈતિ શંકર’, જે કલ્યાણ કરે તે શિવ. શિવજી કહે છે શિવરાત્રિના દિવસે જે ઉપવાસ [ઉપ એટલે સમીપ વાસ એટલે બેસવું] કરી શ્રદ્ધાપૂર્વક જે મારૂં પૂજન કરશે તેને આખું વર્ષ પૂજન કર્મનું ફળ મળશે.
દરેક મહિનાની કૃષ્ણ પક્ષની ચૌદસ શિવરાત્રી કહેવાય છે. ઋગવેદમાં શિવજીની પ્રાર્થના છે કે જેણે પોતાનાં ત્રણ નેત્રોથી ક્રોધ અને લોભનું દહન છે એ શાંત તેજની આપણે ઉપાસના કરીએ છીએ.મસ્તકે ગંગા, ભાલ પર ચન્દ્ર ને શરીર પર સર્પોની માળા ધરાવનારા, ભક્તોને રિદ્ધિ-સિદ્ધિ અને મુક્તિ અપાવનાર ત્યાગી હોવા છતાં સંસારી છે. જગત કલ્યાણાર્થે ઝેર પી જઈ નીલકંઠ થનારા, કામને બાળી મૂક્યો છતાં ઉમા સંગ નિવાસ કરનારા, પતિતપાવની ગંગાનું પાન કરનારા, બ્રહ્માંડપતિ, કરુણાસિંધુ, એકાંતવાસી, મહાત્યાગી ને પરમ ઉદાર એવા શિવજીનાં ગુણગાન ગાઈએ એટલા ઓછા છે. તેઓ સત્યમ, શિવમ અને સુંદરમ છે. તેમના સ્વરૂપને જાણવા એમની કૃપા થાય તો જ શિવતત્વને જાણી શકાય છે.
સદાશિવનું પ્રત્યક્ષ બ્રહ્મસ્વરૂપ તેજ અને લલાટે નેત્રની જ્યોતિસ્વરૂપ મહાદેવનું અંતઃકરણથી આ શિવરાત્રિએ આપણા અંતરથી પ્રાર્થના અને પ્રણામ કરી ધન્યતા પામીએ.
ૐ નમઃ શિવાય
આજે મહા વદ આઠમ
શિવાલયમાં ગણેશજી અને હનુમાનજીનું મહત્વ
શિવાલયમાં નિજભાગમાં પ્રવેશતા એક તરફ ગણેશજી બિરાજે છે અને બીજી તરફ હનુમાનજી બિરાજે છે.
ગણેશજીની પ્રાગટ્ય કથા તો ખૂબ પ્રચલિત છે. પાર્વતીજીને સ્નાન કરવાનું મન થયું. શરીરનો મેલ ઉતારી તેનું પુતળું બનાવી તેમાં પ્રાણ પૂર્યો. એ બાળકને દ્વાર પર પહેરો ભરવા ઊભો રાખ્યો અને કોઈને અંદર પ્રવેશવા ન દેવાની આજ્ઞા કરી. જેવા પાર્વતીજી સ્નાન કરવા બેઠા અને આ બાજુ શિવજીની સમાધિ ખૂલી. હાથમાં ત્રિશૂળ લઈ ઘર ભણી ઉપડ્યા. આવીને જુએ છે તો ત્યાં એક બાળક પેહેરો ભરી રહ્યો છે, જે શિવજીને અંદર જવા દેતો નથી. પોતાના ઘરમાં પ્રવેશતા અટકાવનાર પર શિવજીને ક્રોધ ચઢ્યો અને તેનો શિરચ્છેદ કર્યો. શિવજી અંદર ગયા અને લોહીવાળું ત્રિશૂળ જોઈ પાર્વતીજીને શંકા ગઈ. હકીકત જાણતા તેમણે પ્રભુને જણાવ્યું કે આપે આપના દીકરાનો શિરચ્છેદ કરી મોટી ભૂલ કરી છે. એમનાં આક્રંદથી શિવજીને પશ્ચાત્તાપ થાયો અને હાથેનું માથું કાપી દીકરાનાં ધડ પર બેસાડી જીવિત કરી વરદાન આપ્યું કે દરેક શુભ કાર્યમાં પ્રથમ તારી પૂજા થશે.
આ હકીકત પાછળ ગૂઢ રહસ્ય છે.
પ્રથમ તો પાર્વતીમાના શરીર પર એટલો બધો મેલ હતો કે તેમાંથી પૂતળું બનાવી શક્યાં? કહેવાય છે કે તિબેટમાં વ્યક્તિઓ બે વખત ન્હાય છે. પહેલીવાર એ જ્ન્મે છે ત્યારે અને બીજીવાર મરણ પામે છે ત્યારે. ત્યાં ખૂબ ઠંડી હોવાને કારણે ત્યાં સ્નાનનું મહત્વ નથી. તેથી આખા જીવન દરમિયાન શરીર પર મેલ ભરાતો રહે છે.તિબેટનાં રીત રિવાજ મુજબ કન્યાના શરીર પર જેટલો મેલ તેટલી કન્યા સુલક્ષણી ગણાય. પણ આ તો જગતજનની પાર્વતીજી છે. શું પાર્વતીજીના શરીરે પર એટલો મેલ હશે કે જેમાંથી પુતળું બની શકે ? શિવજી ક્રોધમાં આવીને કર્તવ્ય બજાવી રહેલા બાળકનું માથું કાપી નાખે ખરા ? તેમજ પ્રાયશ્ચિત રૂપે હાથીનું માથું કાપી બાળકનાં ધડ પર બેસાડી દે? આ કોઈ લૌકિક ઘટના નથી પણ આધ્યાત્મિક રૂપક છે.
ગણેશજીનું આધ્યાત્મિક રૂપ
શિવ-શક્તિ બે તત્વો છે. શક્તિના બે પ્રકારની છે. પ્રલયકાળમાં જે પ્રકૃતિ સામ્યાવસ્થામાં રહે છે એટલે માત્ર સત્તામા રહે છે તે સતી. આ જ સતી જ્યારે સૃષ્ટિ રચનાનું કાર્ય કરે છે ત્યારે પાર્વતી કહેવાય છે. જ્યારે નવનિર્માણના શુભારંભમાં પ્રથમ શરીરનો મેલ ઉતારી સ્નાનવિધિથી કાર્યનો આરંભ થાય છે. શરીરને હાનિ પહોંચાડ્યા વગર જે સહજ રીતે શરીરથી જુદો થાય તે મેલ. મળ, મૂત્ર, કફ, વાળ, નખ, આંખ-નાક-કાન વગેરેના મેલ છે. આ તત્વો સમજવા જેવા છે. મૂળ પ્રકૃતિ જેને આપણે શક્તિ કહીએ છીએ અને પૌરાણિક કાળમાં સતી કે પાર્વતી કહીએ છીએ. આમ મૂળ પ્રકૃતિમાંથી બુદ્ધિનું નિર્માણ થાય છે અને આ બુદ્ધિ એટલે આ પહેરો ભરતો બાળક. આ નિર્માણ કાર્યનો આરંભ થતાં જ શિવજીની સમાધિ ખૂલે છે.
પ્રલયકાળમાં પુરુષ તમામ પ્રવૃત્તિથી મુક્ત હતો તેથી તેની આ સ્થિતિને સમાધિ કહેવામાં આવી છે. કૈલાસ શબ્દનો અર્થ આ સ્થિતીને સ્પષ્ટતા આપે છે. કિલ+અસ= કિલાસ, કૈલાસ. કિલ અર્થાત અતિ પ્રસિદ્ધ, ઓસ અર્થાત સત્તા હોવી. પ્રલયકાળમાં પણ જેની અતિ પ્રસિદ્ધ સત્તા રહેલી હોય તે પરમાત્મા કિલાસ કહેવાય અને તેના રહેઠાણને કૈલાસ કહેવાય. કૈલાસ શબ્દ જ મહાપ્રલયકાળનું ઐકાંતિક સ્થાન જે શિવજીની સમાધિનું સ્થાન સૂચવે છે.
ગણેશ [બુદ્ધિ]નું પ્રથમ મનુષ્ય મસ્તક પ્રકૃતિનું બનાવેલું છે જે ભોગપ્રધાન છે જે હંમેશા ભોગોને શોધતું રહે છે. શિવજીએ તે મસ્તકને હઠાવી નવુ મસ્તક ગોઠવે છે જેને શૈવી બુદ્ધિ કહી શકાય. આ શૈવી બુદ્ધિ અમાઘ શક્તિશાળી હોવાથી ઈંદ્રિયોને પોતાને આધીન રાખે છે. ગણેશનું માથું હાથીનું મસ્તક શા માટે પસંદ કરવામાં આવ્યું?
મોટું માથું જે વિશાળ જ્ઞાનથી ભરપૂર, મોટા કાન જે બહુશ્રુત, ઝીણી આંખો જે સૂક્ષ્મ અવલોકન કરવાની ક્ષમતા ધરાવે છે. લાંબુ નાક જે દૂર સુધીની સુગંધ-દુર્ગંધને પારખવાની ક્ષમતા ધરાવે છે. વિશાળ પેટ જે બધી વાતોને પચાવવાની ક્ષમતા ધરાવે છે. આમ ગણેશની બાહ્ય આકૃતિ સૈવી બુદ્ધિવાળા મહાપુરુષનાં લક્ષણો સમજાવતી છે,
આપણાં કોઈ પણ દેવ વાહન વિનાના નથી. એમાં પણ ઉંદર ફક્ત ગણેશજીનું વાહન છે. તેની પાછળ પણ રહસ્ય છે. ગણેશની શૈવીબુદ્ધિ વિવેકબુદ્ધિની ગતિનો આધર ફક્ત તર્ક જ થઈ શકે. તર્ક વિના બુદ્ધિનો વિકાસ નથી થતો. ઉંદર એ તર્ક છે. નિરર્થક અહીંતહીં દોડાદોડ કરે છે અને કાપકૂપ કરે છે. અને તેને અંકૂશમાં રાખવા ગણેશજી જેવા ભારેખમ શરીરવાળાને ઉંદર ઉપર ગોઠવ્યું છે. માટે ગણેશના [બુદ્ધિના] ભાર સાથે ઉંદર [તર્ક] હોવો જરૂરી છે. “વાદે વાદે જાયતે તત્વબોધઃ
નિજ મંદિરમાં બિરાજેલા ભગવાન શંકર આવનાર ભક્તને કહે છે કે તારે જો મારી પ્રાપ્તિ કરવી હોય તો પ્રથમ તારી પ્રાકૃતિક બુદ્ધિ ઉખેડી શૈવીબુદ્ધિની સ્થાપના કર. આ શૈવી બુદ્ધિ જ શિવને પમાડે છે. વાસના બુદ્ધિ નહિ તે બતાવવા શિવાલયમાં ગણપતિની પ્રતિમા મૂકવામાં આવે છે.
હનુમાનજી
શિવાલયમાં એક તરફ ગણપતિજી બિરાજે છે તો બીજી તરફ હનુમાનજી બિરાજે છે. ગણપતિજી તો શિવપુત્ર છે પણ હનુમાનજીને શા માટે બેઠકજી મળે છે?
હનુમાનજી પવનપુત્ર ગણાય છે તેમ જ શંકરસુવન પણ કહેવાય છે અને કેસરીનંદન કહેવાય છે. અંજનીમાતા છે અને કેસરી પિતા છે. આ બતાવે છે કે આ કોઈ આધ્યાત્મિક રહસ્ય છે. હનુમાનજી અનન્ય ભક્તિ, પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્યના પ્રતિક છે. શ્રીરામના અનન્ય ભક્ત, મહાપરાક્રમી [વાયુ પરાક્રમના દેવ છે.] અને પૂર્ણ વૈરાગી [શિવજી વૈરાગ્યના દેવ છે] તરીકે તેમનું વ્યક્તિત્વ પ્રસિદ્ધ છે. અનન્ય ભક્તિ, પૂર્ણ પરાક્રમ અને પૂર્ણ વૈરાગ્ય જ ભગવાન શંકરને પામી શકે છે. ઘણી જગ્યા પર હનુમાનજી એકલાનું મંદિર હોય છે. શ્રીરામજીનાં મંદિર સાથે હનુમાનજી તો હોય જ છે તેમ જ મહાદેવજી સાથે પણ હનુમાનજી હોય છે. શિવાલયમાં તેમનું પ્રતિક આ ત્રણ તત્વોની પ્રેરણા આપવા માટે છે. સાથે સાથે તેમના હાથમાં ઔષધ પર્વત પણ હોય છે. ઔષધ પર્વત સોચવે છે કે તે જીવનને પુનઃ ચેતના આપનારી છે. હનુમાનજી બીજા પગે પનોતીને દબાવી રાખે છે. એ સૂચવે છે કે પનોતી પરાક્રમી તથા વૈરાગ્યવાન પુરુષની દાસી બની જાય છે.
ૐ નમઃ શિવાય
આજે મહા સુદ પૂનમ
ભાલચન્દ્ર જટાગંગ
શિવ ચિન્હોનું તાત્પર્ય
ત્રિશૂળ :-
શિવજીના હાથમાં ત્રિશૂળ છે. પ્રભુ ત્રિશૂળ દ્વારા પોતાના ભક્તોનાં ત્રણ શૂળો કાઢે છે એટલે તો તો તેઓએ ત્રિશૂળ ધારણ કર્યું છે. આ ત્રણ શૂળો એટલે 1] આધિ 2] વ્યાધિ 3] ઉપાધિ. આ ત્રિતાપમાંથી પ્રભુ આશુતોષ મુક્તિ અપાવે છે.
સ્વામી સચ્ચિદાનંદજી પોતાના અનુભવથી કહે છે કે જેને અસહ્ય કામપાત થતા હોય તેણે ભગવાન શિવજીનું નામ સ્મરણ કરવુ. થોડા દિવસોમાં આ તાપ ઓછો થઈ જશે. શિવ તો ત્રિપુરહર છે, કામારિ છે. જ્ઞાનવૈરાગ્યના આરાધક માટે ભગવાન શંકર આશ્રયસ્થાન છે.
ડમરું:-
શિવજીને ડમરું વ્હાલું છે. ડમરું જ્ઞાનવાજિંત્ર છે. જે હંમેશા એક જ તાલમાં વાગે છે. બન્ને તરફ સંસાર-મોક્ષ-સરખો રણકો કરે છે. બન્ને તરફ એક જ તાલ અને એકસરખો રણકો વાગતો હોવાથી તેમાં આરોહ અવરોહના ઉતાર ચઢાવ નથી. એક ભાવ, સમ ભાવ. જ્ઞાનની એજ શોભા છે. વાણી નીકળે તે સમભાવી, એકપક્ષીય નહી પણ સૌને ન્યાય, અને સંતોષ આપનારી નીકળે. શિવજીએ એટલે જ કદાચ ડમરૂં પસંદ કર્યું હશે.
શિખર:
તેમના શિવાલય વિષે વિચાર કરીયે.
શિખરો હંમેશા અણીદાર હોય છે તે આકાશ તરફ ઊંચે જતા હોય તે દર્શાવે છે. દેવ સ્થાને જતાં ઉર્ધ્વ ગતિ કરવાની હોય છે. આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવવા દેવસ્થાનોના શિખરો અણીયાળા બનાવી બનાવ્યા છે.
આપણે શિવાલયમાં પ્રવેશ કરીએ ત્યારે પ્રથમ નંદીનાં દર્શન કરીએ છીએ. એક બાજુ ગણેશજી, બીજી બાજુ હનુમાનજી, કાચબો, ત્યારબાદ શિવલિંગ અને છેલ્લે પાર્વતીજી. આમ શિવાલયની રચના થઈ છે.
નંદી:
આપણાં દરેક દેવના કોઈ ને કોઈ વાહન છે. આ વાહનો જાત જાતનાં છે અને દરેક સમજવા જેવાં છે. એવી જ રીતે શિવજીનું વાહન નંદી છે. નંદી એ ધર્મનું પ્રતિક છે. ધર્મ પોતે મદદરૂપ થઈને શિવ-કલ્યાણકારી પરમાત્માનું વાહન થયો છે. ગતિ કરાવે તે વાહન.
ગાય એ શ્રદ્ધાનું પ્રતિક છે અને નંદી ગાયનો પુત્ર જે ધર્મનું પ્રતિક છે. આમ ધર્મ ર શ્રદ્ધાનો પુત્ર છે. ધર્મ શ્રદ્ધામાંથી પ્રગટે છે. ગાયરૂપી શ્રદ્ધા પોતાના ધર્મની દુર્દશાનું વર્ણન ફરિયાદ કરવા વિષ્ણુ પાસે ગયા. ધર્મનો ભાર નથી હોતો અધર્મનો હોય છે. પથ્થર કદાચ તારે-તરે પણ પાપ તો નથી તારે ન તો તરે.શિવજીનો નંદી તો ધર્મનું પ્રતિક છે માટે તો શિવજીએ વાહન તરીકે નંદીને પસંદ કર્યો છે.
મંદિરમાં જઈએ છીએ ત્યારે નંદીના ત્રણ પગ વળેલા હોય છે અને ચોથા પગનાં સહારે નંદીજી ઊભા છે. એનો અર્થ એ થાય છે કે સતયુગ પૂરો થાય છે એટલે સતનો પગ વળી જાય. દ્વાપરયુગ પૂરો થાય એટલે તપનો પગ વળી જાય. ત્રેતા પૂરો થાય એટલે દયાનો પગ વળી જાય છે. કળિયુગ ધર્મ અને દાનના આધારે ટકી રહ્યો છે. જ્યારે નંદીનો ચોથો પગ વળશે ત્યારે પૃથ્વી પર પ્રલય થશે.
નંદી એ બળદ છે તો એક વિચાર આવે કે શિવજીએ બળદને જ કેમ પસંદ કર્યો હશે? કારણ બળદ એ પુરુષાર્થનું પ્રતિક છે. પુરુષાર્થ બે પ્રકારના છે. 1] સ્વાર્થ માટે 2] પરમાર્થ માટે. ભલે બળદ પુરુષાર્થ પોતાના પેટ માટે કરે છે પણ હજારો મણ અનાજ પકવીને લોકોનાં પેટ ભરે છે. બસ તેનાં આજ પરમાર્થને ધ્યાનમાં લઈ શિવજીએ બળદને પોતાના વાહન તરીકે બિરદાવ્યો.
મહાદેવના દર્શન કરવા આપણે પહેલી અને છેલ્લી આંગળી નંદીના શિંગડા પર ટેકવી વચ્ચેથી શિવજીનાં દર્શન કરીએ છીએ. એનો અર્થ એ થાય છે કે ધર્મ વિના મહાદેવનાં દર્શન નથી થતાં.
કાચબો [કચ્છપ] :-
નંદી અને શિવજીની વચમાં કાચબાને મૂકવામાં આવ્યો છે. કાચબો એ સંયમનું પ્રતિક છે. મુશ્કેલ સમયમાં કાચબો પોતાનાં દએક અંગને અંદર સમેટી લે છે તેવી જ રીતે જ્ઞાની પુરુષ પોતાની ભટકતી ઈંદ્રિયોને વિષયોમાંથી પાછી વાળી લે તો શિવ પ્રાપ્ત કરી શકે છે.
શિવાલયમાં પ્રવેશ કરતાં એક બાજુ ગણેશજી અને બીજી બાજુ હનુમાનજી બિરાજે છે.
—[એ વિષે આવતા લેખમાં]
શિવ ધૂન
ૐ શિવાય હરિ ૐ શિવાય
ૐ શિવાય હરિ ૐ શિવાય
ૐ નમઃ શિવાય
2
J
આજે પોષ વદ દસમ

શિવ સ્વરૂપ અને તેનું રહસ્ય:-
મનની એકાગ્રતા પામવા પ્રભુનું મૂર્તિ સ્વરૂપ આવશ્યક છે.
શાલિગ્રામ અને લિંગ આ બન્ને વિષ્ણુ અને શિવજીનાં પ્રતિક છે. શિલ્પકલાનો વિકાસ થતાં કરચરણાદિ આકારવાળા માનવીય પ્રતીકો વિકસ્યાં હોય. જે હોય તે આપણે ભગવાન શિવજીના દૈહિક સ્વરૂપનો વિચાર કરવાનો.
વિશાળ જટાઓ, જટામાં ગંગાજી, માથા પર ચંદ્ર, કપૂર જેવો શુભ્ર દેહ, યોગીની જેમ અર્ધબીડેલી આંખો, ગળામાં ફણીધર સર્પ, નીલકંઠ, ભસ્માંગદાગ, વાઘાંબર, ત્રીજું નેત્ર, ડમરું, ત્રિશૂળધારી: આવું ભવ્ય સ્વરોપ શિવજીનું સ્વરૂપ કલ્પવામાં આવ્યું છે.
શ્રીકૃષ્ણ જેમ પ્રેમગુણોનું મૂર્તરૂપ છે, તેવી જ રીતે પરબ્રહ્મ પરમાત્માના જ્ઞાન-વૈરાગ્ય ગુણોનું મૂર્ત સ્વરૂપ મહાદેવ છે. જ્ઞાન અને વૈરાગ્યની સંયુક્ત મૂર્તિ બનાવવાની હોય તો તે દેવાધિ દેવ મહાદેવની જ હોઈ શકે.
આપણે ત્યાં લગભગ બધાં જ શાસ્ત્રોના આદિ પ્રવક્તા શિવજી છે. બ્રહ્મવિદ્યાના દક્ષિણામૂર્તિ {મહાદેવનું એક નામ છે] વ્યાકરણ, સંગીત, મૃત્ય, ભાગવત, રામાયણ, યોગ વગેરે બધાં શાસ્ત્રોના આદિ ગુરુ મહાદેવ છે. કારણ તેઓ જ્ઞાન-વૈરાગ્યના પ્રતિક મનાયા છે.
ગંગાજી:-
કહેવાય છે કે રાજા ભગીરથે પોતાના પિતૃઓના ઉદ્ધાર માટે ગંગાને ધરતી પર લાવવા માટે તપ કર્યું. ગંગાજી પ્રસન્ન થયા અને સ્વર્ગ પરથી ભૂસકો મારી આવવા તૈયાર થઈ ગયાં. પણ સ્વર્ગમાંથી ભૂસકો મારવાથી તે રસતાળમાં [પાતાળમાં] પહોંચી જશે એટલે તેનો વેગ સહન કરી શકે તેવી વ્યક્તિ લાવવા ભગીરથને કહ્યું. ભગીરથે વિષ્ણુ ભગવાનનો આશરો લીધો પણ તેમણે કહ્યું કે આ કામ મારું નથી તેથી મહાદેવ પાસે જા એ મદદ કરશે. ભગીરથ મહાદેવ પાસે આવ્યા. તેમની વિનંતી શિવજીએ તરત સ્વીકારી લીધી, તેઓ હિમાલય પર જી ઊભા રહીને ગંગાજીને આહવાન આપ્યું. ગંગાજીને અભિમાન આવી ગયું કે મારા વગને કોઈ સહન નહી કરી શકે. તેમણે શિવજીની જટા પર ભૂસકો માર્યો. શિવજી તો તણાયા તો નહી પણ ગંગાજી તેમની વિશાળ જટાઓમાં વર્ષો સુધી અટવાતાં રહ્યાં. ગંગાજીનો અહંકાર ઓગળ્યો અને સામાન્ય દેખાતી વ્યક્તિ મહાશક્તિશાળી છે તેથી ગંગાજી શિવજીના શરણે આવ્યા અને બહાર નીકળવાનો રસ્તો માંગ્યો અને ભગીરથનાં પૂર્વજોનો ઉદ્ધાર કર્વા માર્ગ માંગ્યો. આથી શિવજી તેમની જટાની એક લટ ઢીલી કરી અને ગંગાજી ગૌમુખ દ્વારા બહાર આવી ગંગાસાગર થઈ સાગરમાં મળી ગયા. કથાનો સાર એ છે કે વૈરાગ્યના ટેકા વિના જ્ઞાનનો ટકી શકતું નથી. બીજી રીતે કહેવાય કે એકનો હેતુ ઉદરભરણ અને બીજાનો હેતુ આત્મકલ્યાન છે. એટલે જ્ઞાનગંગાથી યુક્ત મહાદેવ છે. તેનો આધાર વૈરાગ્યથી ભરપૂર જટાઓ છે.
ચંદ્રશેખર :-
શિવજીના મસ્તક પર બીજનો ચન્દ્ર શોભિત છે જે ચન્દ્રશેખર તરીકે ઓળખાય છે. દ્વિતીયાનો ચન્દ્ર હંમેશા ઉદીયમાન, વર્ધમાન છે. દિવસે દિવસે તે વધતો હોય છે. બીજું તે પ્રુરુષાર્થનું પ્રતિક છે. ચન્દ્રદર્શન બાદ હંમેશા પોતાની હથેળીઓ જોવાથી તેમાં રહેલી ચન્દ્રાકાર રેખાઓ હમેશા પ્રગતિનો માર્ગ દેખાડશે. બીજનો ચન્દ્ર ભલે નાનો દેખાતો હોય પન તેમાં પૂર્ણિમાના ચન્દ્રની સોળે કળા સુધી પહોંચવાની ક્ષમતા ધરાવે છે.
શિવજીના મસ્તક પર જટારૂપી અપાર જ્ઞાનગંગા ભરી પડી છે જે ચન્દ્રની માફક વર્ધમાન છે, શીતળ પ્રકાશમાન છે. તેના પ્રતિક રૂપે ચન્દ્ર શિવજીના મસ્તક પર બિરાજમાન છે. વ્યક્તિ પોતાનો પુરૂષાર્થ તેમજ પ્રકાશ એટલે આદર્શ, ઉત્તમ આચારવિચારવાળું જીવન, ન છોડે તો તે જરૂર પૂર્ણિમાનો ચન્દ્ર બનશે.
ત્રિનેત્ર:-
શિવજીની જેમ આપણને પણ ત્રણ નેત્ર છે, જે આપણે ખોલવા અસમર્થ છીએ. પણ આ તો દેવોના દેવ મહાદેવ છે જેમણે ત્રીજુ નેત્ર ખોલ્યું તેથી તો તેઓ સ્મરહર. કામારિવગેરે નામોથી ઓળખાય છે. કામદેવની હરકતોથી કંટાળી મહાદેવે ત્રીજુ નેત્ર ખોલી કામદેવને ભસ્મ કર્યો. કામમાં બાળનારો કામદેવ ખૂદ બળીને ભસ્મ થયો. જ્ઞાન-વૈરાગ્યને ત્યાં સુધી અમૃત્વની પૂર્ણ અનુભૂતિ નથી થતી જ્યાં સુધી તેણે નેત્ર દ્વારા કામ-વાસનાનો ક્ષય ન કરી નાખ્યો હોય. યોગ પ્રક્રિયામાં આજ્ઞાચક્રને તૃતીય નેત્ર કહેવાય છે. આ ચક્રનું ભેદન થતાં જ યોગી કામક્લેશથી પર થઈ જાય છે અને તેનું જ્ઞાન-વૈરાગ્ય નિર્ભય બને છે. આ બતાવવા શિવજીનાં કપાળ પર ત્રીજુ નેત્ર બતાવવામાં આવ્યું છે.
સર્પ:-
સર્પ સાક્ષાત કાળનું પ્રતિક છે. સર્પ એટલે મૃત્યુ. મૃત્યુનું મુખ્ય સ્થાન ગળું છે. તેથી જ તો મહાદેવે મૃત્યુને પોતાનું આભુષણ બનાવ્યું છે. મૃત્યુની બેપરવાહી અથવાતો મૃત્યુને હરખભેર આમંત્રણ કોઈ વૈરાગ્યવીર જ આપી શકે. મૃત્યુથી ભાગી છૂટનારને મૃત્યુ ભાગવા નથી દેતુ. શિવજી એટલે તો મૃત્યુંજય કહેવાય છે જેમની નજીક મૃત્યુ આવતું નથી. તેથી સર્પ તેમનું ગળાનું આભૂષણ છે.
નીલકંઠ:-
શિવજીનો કંઠ નીલા રંગનો છે એટલે તેઓ નીલકંઠ કહેવાય છે.
અનાદિકાળથી ચાલતા આવતા દેવ દાનવો વચ્ચે સંગ્રામ ચાલ્યા જ કરે છે. બન્ને તરફની અનુમતિથી સમુદ્રમંથન કરવામાં આવ્યું અને પ્રથમ હળાહળ ઝ્રેર નીકળ્યું. વિષ્ણુના ઈનકારથી દેવ દાનવો દેવાધિદેવ મહાદેવ પાસે ગયા અને હળાહળ ઝેર સ્વીકારવાની વિનંતી કરી. મહાદેવ સમજી ગયા અને સંપૂર્ણ વિશ્વની રક્ષા ખાતર હસતા હસતા આ હળાહળ ઝેર નિર્લેપભાવે ગટગટાવી ગયા. ત્યારથી શિવજી મહાદેવકહેવાયા. મહાદેવે ઝેર તો પીધું પણ એમણે પેટમાં ન ઉતારતા કંઠમાં રાખ્યુ. તેની પાછળ પણ અકારણ છે કે જો ઝેરને થૂંકી કાઢત તો ઝેર વધુ ફેલાત અને જો પેટમાં ઉતારત તો તેમની નસેનસમાં ઉતરી જતે અને મોતને નોતરત પણ એમ ન કરતાં તેમણે એ ઝેર કંઠે જ રહેવા દીધું. આમ તેઓ નીલકંઠ મહાદેવકહેવાયા.
[વધુ આવતા લેખમાં]
ૐ નમઃ શિવાય
2

આજે પોષ વદ એકમ

શિવ સ્વરૂપ

સ્વામી સચ્ચિદાનંદજીના કહેવા મુજબ
પૌરાણિક કથા મુજબ બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે વિવાદ ઊભો થયો : આપણા બન્ને વચ્ચે મોટું કોણ? :
આમ જોવા જઈએ તો મોટા હોવાનો રોગ પુરાણ કાળથી ચાલતો આવ્યો છે. અરે! હું તો કહું છું કે દેવતાઓમાં પ્રચલિત હતો પછી મનુષ્યમાં તો હોય જ ને!!!!!!!!
જેવો વિવાદ ઊભો થયો કે તરત જ બન્ને વચ્ચે વિશાળ, ઓળ-છોળ વિનાનું શિવલિંગ પ્રગટ થયું. અને બન્નેએ નિર્ણય લીધો કે જે આ લિંગનો છેડો પ્રથમ શોધે તે મોટું. બ્રહ્માજી ઉપર ગયા અને વિષ્ણુજી નીચે ગયા. આમ તેઓ બન્ને દિવ્યવર્ષો ચાલતા જ રહ્યા પણ છેડો ન આવ્યો. મનુષ્ય પણ પરમેશ્વરની શોધમાં વર્ષો સુધી ભટક્યા જ કરે છે અને જ્યારે તે હારે છે ત્યારે જ કૃપાને પાત્રને બને છે.
અનંત વર્ષો સુધી નિરંતર અંત શોધવાના પ્રયત્ન કર્યા છતાં શિવલિંગનો અંત ન આવવાથી બન્ને હાર્યા, થાક્યા અને શરણે આવ્યા.
તવૈશ્ચર્ય યત્નાયદુપરિ વિરંચિર્હરિરઘ:
પરિચ્છેતું યાતાવનલવનમલસ્કંધ વષુવ:
તતો ભક્તિશ્રદ્ધાભરગુરૂગૃણદભ્યાં ગિરિશ યત
સ્વયં તસ્યે તાભ્યાં તવ કિમતુવૃત્તિર્ન ફલતિ
-મહિમ્નસ્તોત્ર, 10
હે પ્રભુ તમારૂં અનંત સ્વરૂપ બતાવો તો જ જાણી શકાય. તે સાધનસાધ્ય નહિ પણ કૃપાસાધ્ય છે.
શિવનું આદિ પ્રતીક લિંગ છે જ્યારે વિષ્ણુનું આદિ પ્રતીક શલિગ્રામ છે. શિવલિંગ નર્મદાજીમાંથી કુદરતી રીતે નીકળે છે જ્યારે શાલિગ્રામ ગંડકી નદીમાંથી નીકળે છે. શાલિગ્રામમાં સોનાનો અંશ હોવાથી તેનું ચરણામૃત લેવાનો રિવાજ છે. શિવલિંગનું ચરણામૃત લેવાનો રિવાજ નથી.
શિવજી મુખ્યત: જ્ઞાનવૈરાગ્યના દેવ છે, એટલે તેમની પૂજા અતિ સરળ છે. સ્નાન, ભસ્મ, ચંદન, બીલીપત્ર વગેરે સામાન્ય વસ્તોથી જ તેઓ તૃપ્ત થાય છે. શિવજી ખૂબ ઉદાર છે માટે તે ભોળાનાથ કહેવાય છે. જ્યારે તે આપવા બેસે છે ત્યારે પાર વિનાનું આપવા બેસે છે. બસ એક જ રાત્રિનું જાગરણ તથા ઉપાસનાથી બધું મળી જાય છે.
શિવ ઉપાસના બહુ પ્રાચીન છે. આપણાં તીર્થોમાં મોટાભાગનાં તીર્થો આશુતોષ મહાદેવજીનાં છે. શાસ્ત્રોની દૃષ્ટિએ શિવપૂજા ખૂબ પ્રાચીન છે જેના પ્રતિક રૂપે ઈલોરા અજંતાની ગુફામાં તેમજ એલિફંટાની ગુફાઓમાં મળી આવેલી પ્રતિમાઓ છે.
આજે પણ ઘણી જગ્યાએ શિવપૂજાના અધિકારી માત્ર બ્રાહ્મણોને જ છે. જ્યારે શિવરાત્રિ કથાનુસાર એક એકમેલો ઘેલો ન્હાયા વગરનો પારધી ભીલ પણ પૂજા કરી શકે તો ક્ષત્રિય, વૈશ્ય,ક્ષુદ્ર કેમ નહીં? પરમાત્માના દરબારમાં સૌ સૌ સરખા છે. માણસ માત્ર છે. તેમની પાસે નથી કોઈ જાતિ કે નથી સ્ત્રી, પુરુષનો ભેદભાવ. પુરુષો જેટલો સ્ત્રીઓને પણ શિવપૂજનનો અધિકાર છે. વેદમંત્રોને પ્રકાશમાં લાવનારી તો લોપામુદ્રા, ગાર્ગી વગેરે સ્ત્રીઓ જ હતી.
શિવજીની પ્રથમ પૂજા પાર્વતીજીએ કરી હતી. પાર્વતીજી પણ સ્ત્રી છે, એટલે બાકીની સ્ત્રીઓ પણ શ્રદ્ધા ભક્તિથી શિવપૂજન કરે તેમાં શું અજુગતું હોઈ શકે????????
ૐ નમઃ શિવાય

No comments: